આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ
જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી તેજ બની છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે પક્ષના કાર્યકરોને પોલીસ દ્વારા બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે દિલ્હી ઓફિસથી આવેલા પક્ષના સહયોગીઓ અને સ્થાનિક કાર્યકરો જ્યારે ચૂંટણીલક્ષી કામગીરી કરી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા તેમને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પક્ષના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે રાજકીય કિન્નાખોરી રાખીને નિર્દોષ કાર્યકરો પર ખોટા કેસો થોપવાની પેરવી કરવામાં આવી રહી છે, જે લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીએ આ મામલે તટસ્થ તપાસ કરવાની અને પોલીસ વિભાગને યોગ્ય સૂચના આપી ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાની માંગ કરી છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
------------

Comments