Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા જારી કરાયા

06 April




ભુજ - કચ્છઉદય : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય - પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલી છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૪ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧/૪ થી તા.૩૦/૪ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે, જેથી જિલ્લા મેજિસ્ટેરેટ આનંદ પટેલ દ્વારા વિવિધ જાહેરનામા જારી કરાયા છે, જે અંતર્ગત  મતગણતરીના દિવસ ૨૮/૪ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહી કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરસેલ ડીવાઇસીસ જેવા કે બ્લુટ્રૂ થ, પેન કેમેરા, મોબાઇલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનીક સાધનો લઇ જઇ શકશે નહી.  
આ ઉપરાંત તા.૧૯/૪ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવી છે તેમજ રાત્રીના ૧૦ વાગ્યા થી સવારના ૮ વાગ્યા સુધી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાન કર્યુ છે તેમજ જિલ્લામાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે.
તદ્દઉપરાંત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી અને બે જ વ્યક્તિ રહી શકશે. આવા બૂથો ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલા નામ સિવાયના વ્યક્તિ આવા બૂથ પર હાજર રહી શકશે નહીં. આ ઉપરાંત આવા બૂથ ઉભા કરવા માટે જે-જે સ્થાનીય સત્તામંડળો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હોય તેની પરવાનગી પહેલેથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂથની તમામ પરવાનગીઓ બૂથ ખાતે રાખવાની રહેશે. આવા બૂથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શકશે નહીં. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂથ પર જઈ શકશે નહી. 
જ્યારે  કોઈપણ રાજકીય પક્ષ - ઉમેદવાર - સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત - જાહેર ઈમારત પર મુકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. ખાનગી સ્થળોએ સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. હોર્ડીંગ્ઝની સાઈઝ ૧૫ ફૂટ બાય ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહી. કટ આઉટની ઉંચાઈ ૮ ફૂટથી વધતી જોઈએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ નોડલ ઓફિસર, સબંધિત ચૂંટણી અધિકારીને તેમજ સંબંધિત પોલીસ અધિક્ષકને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડીંગ્ઝ - કટઆઉટ વગેરે મુકેલા હોય તદ્દાનુસાર ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે. 
આ ઉપરાંત ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો પ્રવેશવાની અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ ૫ાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે. અપક્ષ ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કેસમાં પણ ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી ચાર વ્યક્તિઓ એમ કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે પરંતુ કોઈ કારણસર દરખાસ્ત મુકનારા બીજા મતદારોને પણ ચૂંટણી અધિકારી  મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમા દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશે એમ વારાફરતી મતદારો ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં દાખલ થઈ શકશે.
---------

Comments

COMMENT / REPLY FROM