હવે ભુજની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી
સમગ્ર સંકુલ ખાલી કરાવાયું : પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સ્થળ પર પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન : તપાસના અંતે કોઈ વિસ્ફોટક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી સંકુલોને નિશાન બનાવી બોમ્બની ધમકી આપવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજે વધુ એક વખત ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ આર.ટી.ઓ. કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
બી ડીવીઝન પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ત્વરિત ઘટના સ્થળે
પહોંચી હતી. સુરક્ષા કર્મીઓ દ્વારા કચેરીના ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી અને કલાકો સુધી સઘન સર્ચ
ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જોકે, ઝીણવટભરી તપાસના અંતે કચેરી પરિસરમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નહોતા, જેથી અંતે આ ધમકી પણ માત્ર એક અફવા સાબિત થઈ હતી.
નોંધનીય છે કે, ભુજ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી સરકારી મકાનોમાં બોમ્બ હોવાની અફવાઓ ફેલાવવાનું પ્રમાણ વધ્યું છે. અગાઉ ૨૭ ફેબ્રુઆરીએ ભુજ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી હતી બાદમાં ૫ માર્ચના ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ૧૦ માર્ચના ફરી એકવાર પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈ-મેઈલ મોકલાયો હતો અને ૩૦ માર્ચના ફરી ભુજ કોર્ટને નિશાન બનાવી ગભરાટ ફેલાવાયો હતો. વારંવાર મળતી આ પોકળ ધમકીઓના કારણે પોલીસ તંત્રની શ્રમ શક્તિ અને જનતાનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે.
......

Comments