કચ્છ જિલ્લા પંચાયતનો મહાજંગ : સત્તાની સતરંજ પર કોણ બનશે શહેનશાહ?
૬ દાયકાના રાજકીય કાવાદાવાની અંદરની વાત : દાયકાઓના કોંગ્રેસી શાસન પર ૧૯૯પમાં પ્રથમ વખત પડ્યું હતું ગાબડું : ૧૯૯૯- ર૦૦૦ની ચૂંટણીમાં ફરી જિલ્લામાં પંજાની પકડ બની હતી મજબૂત : ભૂકંપ બાદથી કેસરિયો ગઢ અભેદ કિલ્લા સમાન : જાગૃતિબેન શાહ - નવલસિંહ જાડેજાના તોડજોડ કાંડની સ્મૃતિઓ આજે પણ મતદારોની સ્મૃતિમાં
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ થયા બાદ પંચાયતી રાજના અમલ માટે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાનો અમલ ૧ એપ્રિલ ૧૯૬૩થી કરવામાં આવ્યો હતો. આ પહેલા જયારે કચ્છ ‘સી’ સ્ટેટ તરીકે હતું. અને ત્યારબાદ મુંબઈ રાજ્યનો ભાગ બન્યું, ત્યારે સ્થાનિક વહિવટ માટે લોકલ બોર્ડ જેવી વ્યવસ્થા હતી. આધુનિક લોકશાહી ઢબે ચૂંટાયેલી જિલ્લા પંચાયતની શરૂઆત ૧૯૬૩થી થઈ હતી. આગામી ર૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાવાનું છે અને આજે એ માટેનું વિધિવત જાહેરનામુ પણ પ્રસિદ્ધ થઈ ચુકયું છે, ત્યારે કચ્છ જિલ્લા પંચાયતનો મહાજંગમાં સત્તાની સતરંજ પર કોણ બનશે શહેનશાહ તેની ચર્ચાઓ મતદારોની સાથો સાથ રાજકીય ગલિયારાઓમાં તેજ બની થઈ છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છની ધરતી પર માત્ર ભૂકંપના આંચકા જ નથી આવ્યા પણ રાજકીય ભૂકંપોએ પણ અનેકવાર ઈતિહાસના પાના ઉથલાવી દિધા છે. ૧૯૬૩થી ર૦ર૬ સુધીની કચ્છ જિલ્લા પંચાયતની સફર એટલે માત્ર વિકાસની વાતો જ નહીં પણ જ્ઞાતિવાદના ગણિત, પક્ષપલટાની રમત અને વર્ચસ્વની લડાઈનો જીવંત પુરાવો છે. ૧૯૬૩થી ૧૯૯પ એટલે કે ૩ દાયકા કરતાં પણ વધુ સમય સુધી કચ્છ જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો પંજો અકબંધ રહ્યો હતો.
આ સમયગાળા દરમિયાન સ્થાનિક આગેવાનો અને ખેડૂત નેતાઓનું જિલ્લા પંચાયત પર પ્રભુત્વ રહેતું હતું. ૧૯૯પની આસપાસ ગુજરાતમાં રાજકીય સ્થિતિ બદલાઈ અને ભાજપે પંચાયતી રાજમાં પોતાનું સ્થાન જમાવવાનું શરૂ કર્યું હતું. તે સમયે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફી લહેર હતી, જેના પગલે આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ ભાજપનો ઉદય દેખાયો હતો અને ભાજપે પ્રથમ વખત કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી જિલ્લા પંચાયત પર કબ્જો કર્યો હતો.
વર્ષ ર૦૦૦ની ચૂંટણીમાં પુનઃ કોંગ્રેસ સત્તા પર પરત ફરી હતી. ર૦૦૦ની ચૂંટણીમા ભાજપને આંતરીક જુથ બંધી અને પક્ષ પલટાના કારણે નુકશાની વેઠવી પડતાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી.
જો કે, કોંગ્રેસમાં પણ તે બાદ ખેંચતાણની નીતિરીતિ અને જુથબંધી પરાકાષ્ટાએ પહોંચતા પંચાયત પ્રમુખ જાગૃતિબેન શાહને ઉથલાવી નવલસિંહ જાડેજા પ્રમુખ પદે આરૂઢ થયા હતા. આ તોડજોડ કાંડની
સ્મૃતિઓ આજે પણ મતદારોના માનસ પટ પર કંઢરાયેલી છે. ર૦૦૧માં આવેલ વિનાશકારી ભૂકંપ અને તે બાદ ગુજરાતની શાસનધુરા તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાને દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના હાથમાં આવ્યા બાદ કચ્છ સહિત રાજ્યમાં શરૂ થયેલી વિકાસની વણથંભી યાત્રા થકી હાંસીયામાં રહેલું ભાજપ સત્તાના કેન્દ્ર સ્થાનમાં આવી ગયું હતું. ર૦૦પથી સતત કચ્છ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ર૦ર૧ની ચૂંટણીમાં તો ૪૦માંથી ૩૮ બેઠકો કબ્જે કરી વિરોધ પક્ષને માત્રે ર બેઠકો પુરતો સીમીત કરી દિધો હતો.
આ વિજયએ સાબિત કર્યું હતું કે, કચ્છમાં વિપક્ષ માત્ર નામનો જ રહ્યો છે. આ વખતની ચુંટણીમાં જિલ્લા પંચાયતની ૪૦ બેઠકમાંથી બે બેઠકો શહેરી વિસ્તારમાં સમાવે થઈ જતા ૩૮ ઉપર પહોચી છે. જોવાનું એ છે કે, આ ૩૮ બેઠકો ઉપર કોને કેટલી બેઠકો મળે છે.
આગામી ર૬મી એપ્રિલે અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સાથો સાથ મિનિ સંસદ સમી કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે આ વખતે જિલ્લા પંચાયતની સત્તાનો તાજ કોને મળશે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે.
........
અત્યાર સુધી પાંચ વખત વહિવટદાર નિમાયા
કચ્છ જિલ્લા પંચાયતમાં ઈતિહાસની વાત કરીએ તો વર્તમાને ર૦ર૬ સહિત કુલ પાંચ વખત વહિવટદાર પણ નિમાઈ ચુકયા છે, જેમાં ૧-૪-૧૯૭૪થી ૩૧-૧-૧૯૭૬, ૧-૧૧-૧૯૯૩થી ૬-૭-૧૯૯પ, ૭-૭-ર૦૦૦થી પ-૧૦-ર૦૦૦, રર-૧ર-ર૦ર૦થી ૧૭-૩-ર૦ર૧માં વહિવટદાર શાસન કરી ચુકયા છે.
.........
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખપદના તાજ માટે ભાજપને રણનીતિમાં કરવો પડશે ફેરફાર
પ્રમુખ પદનું રોટેશન અનુસૂચિત આદિજાતિના મહિલા માટે અનામત જાહેર થતાં નવા સમીકરણો રચાયા : કોંગ્રેસનું ગઢ ગણાતી ભીમાસર બેઠક એકમાત્ર અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા હાઈકમાન્ડ સજ્જ : કોંગ્રેસના દબદબાવાળી બેઠક પર જો ભાજપનો ઉમેદવાર હારશે તો બહુમતી મળે છતાં પ્રમુખપદ ગુમાવવાનો ડર : અન્ય બેઠકો પર પણ એસટી મહિલા ઉમેદવારો ઉતારવાની સંભાવના પ્રબળ
ભુજઃ કચ્છ જિલ્લા પંચાયતના આગામી શાસન માટે પ્રમુખપદનું રોટેશન નક્કી થઈ ચૂક્યું છે, પરંતુ હવે રાજકીય ગણિતોમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. આ વખતે જિલ્લા પંચાયતનું સર્વોચ્ચ પદ અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. આ સ્થિતિમાં સૌથી મોટો પેચ અંજાર તાલુકાની ભીમાસર (ચ.) બેઠક પર ફસાયો છે. ઐતિહાસિક રીતે જોતા ભીમાસર બેઠક પર કોંગ્રેસનો વર્ષોથી દબદબો રહ્યો છે અને આ બેઠક કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે જો તેઓ માત્ર ભીમાસર બેઠક પર જ આ કેટેગરીના ઉમેદવાર રાખે અને ત્યાં હારનો સામનો કરવો પડે, તો જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખપદ ગુમાવી શકે છે. આમ પણ હાલ જિલ્લામાં અંજાર તાલુકાની ભારે ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન જ જિ.પં.ના પ્રમુખ રાટેશેન આ ગરમીમાં વધારો કરી દીધો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, જો ભાજપ માત્ર ભીમાસર બેઠક પર જ એસ.ટી. મહિલા ઉમેદવાર ઉતારે અને ત્યાં પરિણામ વિપરીત આવે, તો ‘ગઢ તો જીતી જાય પણ સિંહ જતો રહે’ જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે કે, સમગ્ર જિલ્લામાં ભાજપના સભ્યો વધુ હોવા છતાં ટેકનિકલ રીતે પ્રમુખપદ માટે લાયક ઉમેદવાર ન હોવાથી વિપક્ષનો ઉમેદવાર બાજી મારી જાય તેવી શક્યતા છે. આ જોખમને ટાળવા માટે ભાજપ હવે માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યું હોય તેમ જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હવે માત્ર ભીમાસર પૂરતું મર્યાદિત રહેવાને બદલે અન્ય સુરક્ષિત કે સામાન્ય ગણાતી બેઠકો પર પણ અનુસૂચિત આદિજાતિના મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, જેથી પ્રમુખપદ માટે પક્ષ પાસે એક કરતા વધુ વિકલ્પો ઉપલબ્ધ રહે. બીજી તરફ, તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખપદના સમીકરણોને કારણે સત્તાની ખેંચતાણ તેજ બની છે. અબડાસા અને અંજારમાં પ્રમુખપદ સામાન્ય હોવાથી ત્યાં રસાકસી જોવા મળશે, જ્યારે ભુજ, માંડવી અને મુંદરા જેવી બેઠકો પર મહિલા રાજકારણનો પ્રભાવ વધશે. જોકે, સૌની નજર તો જિલ્લા પંચાયતના એસટી મહિલા પ્રમુખ પર જ ટકેલી છે. જો ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવે તો પ્રમુખપદ માટે કોઈ આંતરિક ખેંચતાણ થવાની શક્યતા નહિવત છે કારણ કે આ પદ માટે લાયક ઉમેદવારોની સંખ્યા મર્યાદિત હશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના ગઢને બચાવવા અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે કેવા પ્રકારના ચેહરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે.
..........
જિલ્લા પંચાયતના પ્રમુખની યાદી
નામ કઈ તારીખથી કઈ તારીખ સુધી
કાંતિપ્રસાદ ચં. અંતાણી ૧પ-૪-૬૩ પ-૧-૬૪
છગનલાલ પ્રા. ઠક્કર ૬-૧-૬૪ ૧૪-૪-૬૩
કાંતિપ્રસાદ ચં. અંતાણી ૧૫-૪-૬૪ ૧૪-૪-૬૮
મુળશંકર કુંવરજી ગોર ૧૫-૪-૬૮ ૧૨-૩-૭૪
જેઠમલ વી. મડૈયાર ૩-૧-૭૬ ૧૪-૯-૭૭
આણંદસિંહજી બી. જાડેજા ૧૫-૯-૭૭ ૧૬-૧૦-૭૭
જેઠમલ વી. મડૈયાર ૧૭-૧૦-૭૭ ૨૬-૨-૮૧
શિવદાસ ગોવિંદ પટેલ ૨૭-૨-૮૧ ૧૩-૧૦-૮૩
તારાચંદ જગશી છેડા ૧૪-૧૦-૮૩ ૧૩-૧૧-૮૩
શિવદાસ ગોવિંદ પટેલ ૧૪-૧૧-૮૩ ૨૬-૨-૮૭
વેલજી બિજલ હુંબલ ૨૭-૨-૮૭ ૧૩-૧૦-૯૩
ગોપાલભાઈ જી. ધુઆ ૭-૭-૯૫ ૬-૭-૨૦૦૦
જાગૃતિબેન બાબુભાઈ શાહ ૬-૧૦-૨૦૦૦ ૧૨-૫-૨૦૦૫
નવલસિંહ એમ. જાડેજા ૧૩-૫-૨૦૦૫ ૮-૯-૨૦૦૫
હિરાબેન લાલજી ચાવડા ૯-૬-૨૦૦૫ ૫-૧૦-૨૦૦૫
જીવાભાઈ કરશનભાઈ આહિર ૯-૧૧-૨૦૦૫ ૨૦-૧૦-૨૦૦૮
ગિરીશ જગશીભાઈ છેડા ૨૧-૧૦-૨૦૦૮ ૨૩-૧૧-૨૦૦૮
જીવાભાઈ કરશનભાઈ આહિર ૨૪-૧૧-૨૦૦૮ ૧૧-૧૧-૨૦૧૦
ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા ૧૨-૧૧-૨૦૧૦ ૨૧-૧૨-૨૦૧૫
કૌશલ્યાબેન જયંત માધાપરિયા ૨૨-૧૨-૨૦૧૫ ૨૧-૬-૨૦૧૮
લક્ષ્મણસિંહ એ. સોઢા ૨૨-૬-૨૦૧૮ ૨૧-૧૨-૨૦૨૦
પારૂલબેન રમેશ કારા ૧૮-૩-૨૦૨૧ ૧૭-૯-૨૦૨૩
જનકસિંહ જાડેજા ૧૮-૯-૨૦૨૩

Comments