કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના વમળમાં : નિયમો નેવે મુકાયાનો આક્ષેપ
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટના ઉલ્લંઘન સાથે ગંભીર ગેરરીતિ આચરાઈ : રાજ્ય સરકાર દ્વારા રદ કરાયેલી ભરતી પ્રક્રિયાને નિયમ વિરુદ્ધ આગળ ધપાવવામાં આવતી હોવાની રજૂઆત : હાઈકોર્ટમાં ચાર જેટલા કેસ પેન્ડિંગ હોવા છતાં યુનિવર્સિટી વહીવટી તંત્રની જોહુકમી સામે બેરોજગાર યુવાનોમાં ભારે રોષ : યુનિ.ના રજીસ્ટ્રાર પણ પદના લાયક ન હોવા છતાં લાંબા સમયથી વિવાદ હોવા છતાં કોઈ પણ પગલા નથી લેવાતા તે પણ એક મોટો પ્રશ્ન છે..?
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદોને કારણે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ફરી એકવાર અહીંની ભરતી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાત સરકાર દ્વારા અગાઉ જે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી, તેને જ યુનિવર્સિટી તંત્ર દ્વારા તમામ નિયમો બાજુ પર મૂકીને ફરીથી હાથ ધરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતોમાં ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓનો સીધો ભંગ થઈ રહ્યો છે. ખાસ કરીને પી.એ.ની જગ્યાઓ માટે જે મેટ્રિક્સ લેવલ નક્કી કરવામાં આવ્યા છે તે સરકારી ધારાધોરણો કરતા અલગ હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે કચ્છ યુનિવર્સિટી સામે અદાલતના દ્વાર ખટખટાવનાર તખતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, સરકારી નિયમ મુજબ આ જગ્યાઓ ગ્રુપ-બીમાં આવે છે અને તેનું મેટ્રિક્સ લેવલ ૮ થી ૧૦ હોવું જોઈએ, જ્યારે કચ્છ યુનિવર્સિટીએ તેને લેવલ-૬ માં દર્શાવીને ગંભીર ભૂલ કરી હોવાનું જણાવાયું છે.
ભરતી પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં પરંતુ સામાજિક અનામતના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું વિગતોમાં જણાવાયું છે. ભરતી માટે રોસ્ટર પોઈન્ટ નિભાવવામાં આવ્યા નથી અને દિવ્યાંગ તેમજ મહિલા અનામતની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે યુનિવર્સિટીના પોતાના કર્મચારીઓને વયમર્યાદામાં વિશેષ છૂટછાટ આપી દેવામાં આવી છે જે અન્ય ઉમેદવારો સાથે અન્યાય સમાન છે. માર્ચ ૨૦૨૪ની બિન-શૈક્ષણિક ભરતીની જાહેરાતના બે વર્ષ બાદ તેમાં મનસ્વી રીતે સુધારા-વધારા કરવામાં આવ્યા છે, જેમાં મહિલા અનામતના ઉલ્લેખ વગર જ જોગવાઈઓ બદલી નાખવામાં આવી છે. સામાન્ય રીતે બે વર્ષ કરતા વધુ સમય વીતી જાય ત્યારે નવી જાહેરાત આપવાની હોય છે, પરંતુ અહીં જૂના નિયમો અને રદ થયેલી જાહેરાતો પર જ ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચાર જેટલા કેસો પેન્ડિંગ છે. કોર્ટમાં મામલો હોવા છતાં અને રાજ્ય સરકારે અગાઉ ભરતી રદ કરી હોવા છતાં યુનિવર્સિટી જે રીતે ઉતાવળે પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે તે જોતા નાણાકીય વ્યવહારોની આશંકાઓ પણ પ્રબળ બની છે. અગાઉ પણ કચ્છ યુનિવર્સિટી પેપર લીક કાંડ, માર્કશીટમાં ગેરરીતિ અને સત્તાધીશોની આપખુદશાહીને કારણે અવારનવાર વિવાદોમાં રહી ચુકી છે. આ કિસ્સામાં પણ બેરોજગાર યુવાનોને ન્યાય મળે અને ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ પારદર્શક રીતે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી માંગણીઓ પણ ઉઠી રહી છે. જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રજીસ્ટ્રારની નિમણુંક થઈ ત્યારથી જ ચર્ચામાં રહેલી હતી ત્યાર બાદની યુનિ. ભરતી સહીત મુદ્દે પણ ગરમી પકડી હતી. નિયમ મુજબ આ બેઠક એજ્યુકેશન સાથે સંકળાયેલા વ્યક્તિ ના હોવા છતાં આ નિમણુંક ચર્ચામાં રહી હતી. તાજેતરના નિર્ણયો બાદ યુનિ. માં કેટલાક મુદ્દે ગમાસાન ચાલી રહ્યો છે.
..........
નિયમોનો ભંગ
ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ મુજબ પી.એ.ની જગ્યા ગ્રુપ-બીમાં આવે છે અને તેનું મેટ્રિક્સ લેવલ ૮ થી ૧૦ હોવું જોઈએ. જોકે કચ્છ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં તેને મેટ્રિક્સ લેવલ-૬ માં દર્શાવવામાં આવી છે. આમ, સરકારી ધારાધોરણો અને મેટ્રિક્સ લેવલની વિસંગતતાને કારણે આ ભરતી પ્રક્રિયામાં સીધો કાયદાકીય ભંગ થતો હોવાનું દેખાઈ રહ્યું છે.
.........
અનામતમાં અન્યાય
રાજ્ય સરકાર દ્વારા ભરતી રદ કરવાના આદેશ છતાં રોસ્ટર પોઈન્ટ નિભાવવામાં આવ્યા નથી. આ પ્રક્રિયામાં દિવ્યાંગ અનામત અને મહિલા અનામતની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બીજી તરફ, યુનિવર્સિટીના પોતાના જ કર્મચારીઓને વયમર્યાદામાં વિશેષ અને મનસ્વી રીતે છૂટછાટ આપીને અન્ય લાયક ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે.
.......
વિસંગત સુધારા
માર્ચ ૨૦૨૪ની બિન-શૈક્ષણિક ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયાના બે વર્ષ બાદ મૂળ જાહેરાતમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુધારા મુજબ મહિલા અનામત લાગુ પાડવાની વાત છે, પરંતુ મુખ્ય જાહેરાતમાં દિવ્યાંગ કે મહિલા અનામતની બેઠકોનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આ પ્રકારના અસ્પષ્ટ સુધારાને કારણે સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે.
.........
કોર્ટમાં પડકાર
આ વિવાદાસ્પદ ભરતી પ્રક્રિયા વિરુદ્ધ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાર જેટલા કેસો પેન્ડિંગ છે, એક તરફ હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ છે અને બીજી તરફ રાજ્ય સરકારે પણ અગાઉ આ ભરતી રદ કરી છે, તેમ છતાં પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા નાણાકીય ગેરરીતિની આશંકાઓ સેવાઈ રહી છે.
......
સમય મર્યાદા
નિયમ મુજબ કોઈપણ ભરતીની જાહેરાતને બે વર્ષ કરતા વધુ સમય વીતી જાય તો નવેસરથી નવી જાહેરાત આપવી અનિવાર્ય છે. કચ્છ યુનિવર્સિટીની આ જાહેરાતને ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં, તંત્ર દ્વારા જૂના નિયમો અને અગાઉ રદ થયેલી જાહેરાતોના આધારે જ ઉતાવળે ભરતી કરવામાં આવી રહી છે, જે વહીવટી દ્રષ્ટિએ પણ તદ્દન ખોટું છે.
.........

Comments