પૂર્વ કચ્છમાં ખાખી એક્શન મોડમાં : અનેક રીઢા ગુનેગારોના રહેઠાણો પર પોલીસ ત્રાટકી
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણા ગામે સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ યોજી : ચૂંટણી અનુસંધાને આચારસંહિતાના અમલ માટે પોલીસની કામગીરી
ગાંધીધામ - કચ્છઉદય : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના હેતુથી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ મથક દ્વારા કિડાણા ગામમાં સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીથી સમગ્ર પંથકમાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ રાત્રિના સમયે કિડાણા ગામના સંવેદનશીલ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા અને વારંવાર ગુનાખોરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોના રહેણાંક મકાનોમાં ઓચિંતી તપાસ શરૂ કરી હતી. પોલીસના આ ઓપરેશન દરમિયાન છત્રીસ જેટલા હિસ્ટ્રીશીટરો અને નવ જેટલા શખ્સોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂની બદીને ડામવા માટે અઢાર જેટલા બુટલેગરો પર પોલીસ ત્રાટકી હતી અને પ્રોહિબિશનના ત્રણ કેસો પણ નોંધવામાં આવ્યા હતા. રસ્તાઓ પર થતી હિલચાલ પર નજર રાખવા માટે કરાયેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન છ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને એક શખ્સ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો. કુલ ૪પ જેટલા અસામાજિક તત્વો ચેક કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં પીએસઆઈ એલ.એન. વાઢીયા, એસ.જે. પઢાર અને સી.એચ. બડીયાવદરા સહિતના સ્ટાફે રાતભર પેટ્રોલિંગ કરી ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ કર્યો છે.

Comments