માધાપરમાં આઈપીએલ પર રમાતો હાઈ પ્રોફાઈલ ઓનલાઈન સટ્ટો ઝડપાયો
પેરીસ અને જાપાન લાઈનના સોદા થતા : ગંગેશ્વરમાં મકાન ભાડે રાખી જુગારખાના તરીકે કરાયો ઉપયોગ : લાઈવ મેચ પર હાર-જીત અને રન તફાવત પર પપ.રપ લાખના સટ્ટાનો સોદો કરાયો હોવાનું હિસાબો પરથી ખુલ્યું : મહારાષ્ટ્રના બે સહિત ત્રણ ઝડપાયા
ભુજ - કચ્છઉદય : હાલમાં આઈપીએલની મેચો ચાલી રહી છે. મોટે ભાગે આઈપીએલ હવે મેચના રોમાંચ કરતા સટ્ટા માટે વધુ જાણીતી બની છે. અગાઉ ડ્રીમ ઈલેવન સહિતની એપ્લીકેશનોમાં જુગાર રમાતો પરંતુ સરકારે ઓનલાઈન સટ્ટા બેટીંગ એપ પર પ્રતિબંધ મુકતા જેને લત લાગી છે, તે હવે રૂપિયા ખર્ચી આઈડી લઈને પણ હાર-જીતના જુગારમાં ટીમો બનાવે છે. આ વચ્ચે આઈપીએલની મેચમાં પ્રથમ વખત કચ્છમાં પોલીસે સટ્ટો પકડયો છે. ભુજ તાલુકાના માધાપરમાં ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગ સોસાયટીમાં મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરી આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. જેમાં સટ્ટો રમતા મહારાષ્ટ્રના બે સહિત ત્રણ શખ્સો ઝડપાયા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, નીલેશ પ્રતાપભાઈ નંદા પોતાના
મકાનમાં મળતીયાઓ સાથે આઈપીએલની મેચ પર સટ્ટો રમે છે. જેથી પોલીસે દરોડો પાડયો ત્યારે આઈપીએલની દિલ્હી કેપીટલ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચમાં સટ્ટો ચાલુ હતો. પોલીસ પહોંચી ત્યારે ટીવી ચાલુ હતી અને બે લેપટોપ ચાલુ હતા અને અલગ અલગ મોબાઈલો પડયા હતા. આ સાથે અહીં મુળ મહારાષ્ટ્રના મુલુંડ વેસ્ટમાં રહેતા ધર્મેશ પ્રવીણભાઈ ચોથાણી (ઠક્કર) અને કલ્યાણના નિતેશ હરેશભાઈ ભોજવાણી હાજર મળી આવ્યા હતા. બન્ને જણા મહારાષ્ટ્રના છે પરંતુ હાલે આ મકાનમાં રહેતા હતા. લેપટોપ ચેક કરતા તેમાં આઈ આસીસ્ટન્ટ નામની એપ્લીકેશનમાં મેચના સોદાના હિસાબની એન્ટ્રી કરવામાં આવી હતી. તે જોતા કુલ્લ પપ.રપ લાખનો ક્રિકેટ સટ્ટાનો સોદો થયાનું સામે આવ્યું હતું. બીજા લેપટોપમાં વીનર - ૭ નામની એપ્લીકેશનમાં મેચના ભાવ જોવામાં આવતા હતા. અલગ અલગ મોબાઈલ પડયા હતા. જે બાબતે પુછતા કબુલાત અપાઈ હતી કે, હાલમાં બે લાઈન ચાલુમાં છે, જેમાં એક જાપાન લાઈન અને એક પેરીસ જેરી લાઈન પર ગ્રાહકો પાસેથી સોદા લેવામાં આવે છે.
પોલીસે ટીવી, બે લેપટોપ, મોબાઈલ, ચાર્જર, રાઉટર, વાયફાય મળી ૭૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે જુગારધારાનો કેસ દાખલ કરી અટકાયતી પગલાં ભર્યા છે. જાપાન અને પેરીસ જેરી લાઈનના સોદા કરનાર અજાણ્યા વ્યક્તિ સામે પણ ગુનો દાખલ કરાયો છે.

Comments