અબડાસાના ખીરસરાની ’હાઈ-રિસ્ક’ માતાની એમ્બ્યુલન્સમાં કરાવાઈ સફળ પ્રસુતિ
નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકાની ૧૦૮ ટીમે વધુ એક જટિલ કેસમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. ઓછા હિમોગ્લોબિનના કારણે જોખમી ગણાતી સ્થિતિમાં ૧૦૮ના જવાનોએ રસ્તામાં જ સુરક્ષિત ડિલિવરી કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
૪ એપ્રિલના ખીરસરા (કોઠારા)ના જસ્મીનબાઈ જુસબ સુમરાને પ્રસુતિની ગંભીર પીડા ઉપડતા ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. માતા બીજી વખત પ્રસુત થનાર હતા, પરંતુ લોહીનું પ્રમાણ ઓછું હોવાથી કેસ ‘હાઈ-રિસ્ક’ શ્રેણીમાં હતો. દર્દીને વધુ સારવાર માટે સીએચસી નલિયા ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં નલિયા - કોઠારા રોડ પર જ પ્રસુતિની તીવ્રતા વધી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને જોઈ ઈએમટી હિતેશ ચૌહાણ અને પાયલોટ મહેશ ડામોરે એમ્બ્યુલન્સને રસ્તામાં સલામત સ્થળે ઉભી રાખી પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ઈઆરસીપી ડો. પંકજના માર્ગદર્શન હેઠળ માતાને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ કેસમાં બાળકનું માથું અને હાથ એક સાથે બહાર આવતા હોવા છતાં ટીમે કુશળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી. નવજાત શિશુનો અપગાર સ્કોર ૧૦/૧૦ રહેતા બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાયું હતું. બાદમાં માતા અને બાળકને વધુ સારવાર અર્થે નલિયા સીએચસી ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. સફળ કામગીરી બદલ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ રાહુલ ગોરે ટીમને બિરદાવતા જણાવ્યું હતું કે, હિતેશ અને પાયલોટ મહેશે પડકારજનક સ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ટીમે જે રીતે જટિલ ડિલિવરી કરાવી છે તે તેમની ઉત્તમ તાલીમ અને સેવાની ભાવના દર્શાવે છે. માતા અને શિશુ બંને સુરક્ષિત છે તે જ અમારી ૧૦૮ સેવાની સૌથી મોટી સફળતા છે.
----------

Comments