જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી અધિકારીઓ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની સઘન તાલીમ યોજાઇ
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકા - નગરપાલિકાની ચૂંટણીલક્ષી કામગીરી માટે ચૂંટણી અધિકારીઓને માહિતી અપાઈ
ભુજ - કચ્છઉદય : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી - ૨૦૨૬ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર કચ્છ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જે અનુસંધાને કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારૂ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ તેમજ માનવબળ વ્યવસ્થાપન, ઉમેદવારી પત્રોની રજૂ કરવાની પ્રક્રિયા સંચાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી, પ્રતીક ફાળવણી, નામાંકન રદ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ટેક્નિકલ પાસાઓ પર ભાર મૂકતા માર્ગદર્શિકા મુજબ ઈવીએમના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા આરઓ - એઆરઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મૂંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને જરૂરી માહિતી નાગરિકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને તથા સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા પોલિંગ સ્ટાફના તાલીમ, દિવ્યાંગ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments