નારાયણ સરોવરના પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ઘૂસેલા ત્રણ પરપ્રાંતિય યુવકો પકડાયા
સરહદી કચ્છની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફાઇડ એરિયામાં પ્રવેશ બદલ ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારના શખ્સો સામે કાર્યવાહી
ભુજ - કચ્છ ઉદય : કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે દેશની આંતરરાષ્ટ્રીય જમીની અને દરિયાઈ સરહદ સાથે જોડાયેલો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ ગંભીરતાને ધ્યાને લઈને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છના અમુક ચોક્કસ વિસ્તારોને નોટિફાઇડ એરિયા એટલે કે પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશતા પૂર્વે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય હોય છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વધતા ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસના પગલે પરપ્રાંતિયોની અવરજવર વધી છે ત્યારે સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ આ પ્રતિબંધિત વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા જાળવવા અને જાહેરનામાનો ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી તે દરમિયાન નારાયણ સરોવર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બીએસએફ કેમ્પ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ શખ્સોની હિલચાલ જોવા મળી હતી. એલસીબીએ તુરંત તપાસ હાથ ધરી આ ત્રણેય યુવકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
પકડાયેલા શખ્સોમાં ઝારખંડના કોડરમા જિલ્લાનો રોહિત કુમાર સંતોષ મોદી, ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો અંકિત કમલેશ તિવારી અને બિહારના પૂર્વી ચંપારણનો અભિષેકકુમાર રવિન્દ્ર સિંઘ હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય ઈસમોએ કોઈ પણ સત્તાવાર પરવાનગી વગર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા સરહદી વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત આપી હતી.કાયદેસરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ. એચ. શીણોલ, એએસઆઈ વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવી જોડાયા હતા.

Comments