કચ્છમાં રેલ્વે સુવિધાઓ વધારવા ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના આર્થિક, ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે રેલ્વે કનેક્ટિવિટી મજબૂત કરવાની માંગ સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ઉત્તર ભારત અને પૂર્વ ભારતના લાખો લોકો વસવાટ કરે છે, જેમના માટે સીધી અને નિયમિત ટ્રેન સેવાઓ અનિવાર્ય છે. આ રજૂઆતમાં મુખ્યત્વે હાલમાં ફેસ્ટિવલ સ્પેશિયલ તરીકે ચાલતી ગાંધીધામ-ભાગલપુર ટ્રેનને કાયમી ધોરણે નિયમિત કરવા, આલા હજરત/બરેલી ટ્રેનને ગોરખપુર સુધી લંબાવી દૈનિક ધોરણે ચલાવવા તથા સાબરમતી-થાવે એક્સપ્રેસને ભુજ અથવા ગાંધીધામ સુધી વિસ્તૃત કરવા માંગ કરાઈ છે. વધુમાં લાંબા અંતરની ટ્રેનોમાં સ્વચ્છતા, પાણી પુરવઠો અને આધુનિક કોચ જેવી સુવિધાઓ સુધારવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.
-----------

Comments