ભાજપ લોકતાંત્રિક પક્ષ, દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો અધિકાર : દેવજીભાઈ વરચંદ ’
કચ્છ જિલ્લામાં ત્રણ સ્થળો પર ચાલી રહેલી પ્રક્રિયા અંગે જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યો પ્રતિભાવ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે વિગતો આપતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ત્રણ મુખ્ય કેન્દ્રો પર નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભુજ સ્થિત ‘કચ્છ કમલમ‘ કાર્યાલય ખાતે ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા અને લખપત વિસ્તારના દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે, જ્યારે અંજાર મધ્યે અંજાર, ભચાઉ, રાપર અને મુન્દ્રાના દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા માટે પણ આજથી સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૬૫૦થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે અને સાંજ સુધીમાં આ આંકડો હજુ વધવાની શક્યતા છે. દેવજીભાઈ વરચંદે ઉમેર્યું હતું કે ભાજપ એક લોકતાંત્રિક પક્ષ હોવાથી દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો અધિકાર છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં દાવેદારોનું સ્ક્રિનિંગ કરીને દરેક બેઠક દીઠ એક થી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી મહોર મારવામાં આવશે અને ત્યારબાદ જ સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. કાર્યકરોની ભારે ભીડ અને ઉત્સાહ જોતા ભાજપ આ ચૂંટણીમાં મજબૂત રણનીતિ સાથે આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે.

Comments