Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં લૂંટારુ દુલ્હન ટોળકીનો આતંક યથાવત :  આમરડી ગામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો ઉજાગર

03 April



લગ્ન કરારના બહાને લાખો રૂપિયા પડાવતી ગેંગ સક્રિય બનતા સ્થાનિક પરિવારોમાં ફફડાટ : સુખી પરિવારના મોટીવયના કુંવારા પુરુષો બની રહ્યા છે સોફ્ટ ટાર્ગેટઃ લગ્ન કરી ગણતરીના કલાકોમાં જ ફરાર થઈ જતી લૂંટારી દુલ્હનોના વધુ એક કારસાનો પર્દાફાશ

ભચાઉ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટારુ દુલ્હનોનો ત્રાસ અનેકગણો વધી ગયો છે જેના કારણે સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન પરિવારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રાપર અને ભચાઉ પંથકમાં આ ટોળકીઓ એટલી હદે સક્રિય થઈ છે કે તેઓ લગ્ન વંચિત રહી ગયેલા અથવા મોટી ઉંમરના યુવાનોને પધ્ધતિસર નિશાન બનાવી લાખો રૂપિયાની મતા ખંખેરી ગણતરીના દિવસોમાં જ ગાયબ થઈ જાય છે. તાજેતરમાં જ ભચાઉ તાલુકાના આમરડી ગામના એક યુવાન સાથે થયેલી લાખોની છેતરપિંડીનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ થયો છે.
આ કેસની વિગતવાર વાત કરવામાં આવે તો ભચાઉ તાલુકાના આમરડી ગામે કરિયાણાની દુકાન ચલાવતા ભરતભાઈ પિંતાબરભાઈ લુહારે પોતાના પુત્ર મનીષના લગ્ન માટે યોગ્ય કન્યાની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તેમનો સંપર્ક સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ અને ગંગાબેન રમેશભાઈ પટેલ સાથે થયો હતો. આ કથિત કન્યા પક્ષે લગ્ન માટેની પૂર્વશરત તરીકે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી જેની સામે ફરિયાદી પક્ષે સહમતી દર્શાવી હતી. બંને પરિવારો વચ્ચે બેઠક યોજાયા બાદ લગ્ન નક્કી થયા હતા અને લગ્નના કપડાં લેવાના બહાને આરોપીઓએ શરૂઆતમાં પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ ફરિયાદીએ બાકીના એક લાખ પંચાસી હજાર રૂપિયા રોકડા ચૂકવી આપ્યા હતા પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન હતી.
લગ્ન બાદ થોડા જ દિવસોમાં આ નવવધૂની અસલી ઓળખ સામે આવતા ફરિયાદી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આરોપી સોનલ ઉર્ફે સોનિયાએ અગાઉ પણ ચોપડવા ગામના મહેશ મોહનભાઈ પરમાર સાથે નિશાબેન કરનભાઈ કાલિયાનું ખોટું નામ અને બનાવટી આધારકાર્ડ રજૂ કરી લગ્નનો કરાર કર્યો હતો અને ત્યાંથી પણ બે લાખ દસ હજાર રૂપિયા જેટલી રકમ ખંખેરી લીધી હતી. 
આમરડીના યુવાન સાથે પણ તારીખ ૨૯ માર્ચના રોજ આ જ મોડસ ઓપરેન્ડીથી ખોટા દસ્તાવેજોને સાચા તરીકે પ્રસ્થાપિત કરી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હતી. હાલ આ મામલે ભચાઉ પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચવા અને છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાગડ પંથકની વર્તમાન સ્થિતિ જોતા જણાય છે કે કન્યાઓની અછત અને સામાજિક મજબૂરીનો લાભ લઈને દલાલ ટોળકીઓ સક્રિય થઈ છે. ખાસ કરીને સુખી સંપન્ન સવર્ણ પરિવારોના કુવારા યુવાનો આ ટોળકીઓના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. ભચાઉ, રાપર, સામખીયારી, લાકડીયા, ભરૂડીયા, આડેસર અને ગાગોદર જેવા વિસ્તારોમાં અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં લગ્નના ગણતરીના ચાર થી પાંચ દિવસમાં જ લૂંટારુ દુલ્હનો પિયર જવાનું બહાનું કાઢી અથવા તો કોઈ પણ કારણસર ઝઘડો કરી ઘર છોડી ભાગી જતી હોય છે. આ ટોળકીઓ એટલી ચાલાક હોય છે કે તેઓ પહેલા વિશ્વાસમાં લેવા માટે બનાવટી ફોટા અને બોગસ દસ્તાવેજો બતાવે છે અને લગ્ન બાદ મોટી રકમ પડાવીને રફુચક્કર થઈ જાય છે.
સ્થાનિક જાગૃત નાગરિકો અને વડીલો હવે આ વધતા જતા દૂષણ સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અનેક કિસ્સાઓમાં તો પરિવારની આબરૂ જવાની બીકે ભોગ બનનાર લોકો પોલીસ ફરિયાદ કરવા પણ ખચકાતા હોય છે જેનો સીધો લાભ આ ગુનેગારોને મળે છે. વાગડ પંથકના પ્રબુદ્ધ લોકો હવે એવી સલાહ આપી રહ્યા છે કે કોઈપણ અજાણ્યા પક્ષ સાથે લગ્ન સંબંધ બાંધતા પહેલા તેની પૂરતી ચકાસણી અને તપાસ કરવી અનિવાર્ય છે. બનાવટી લગ્ન કરાવી આપતી આવી દલાલ ટોળકીઓ અને ઠગ ટોળીઓ તથા તેમાં સામેલ સ્થાનિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલાગણી વાગડમાં પ્રબળ બની છે જેથી કોઈ પણ પિતા કે પુત્રની મહેનતની કમાણી આવા અસામાજિક તત્વોના હાથમાં ન જાય.



.......................


પોલીસે મહિલા અને તેના સાગરીતની કરી ધરપકડ

ભચાઉ - કચ્છઉદય : લૂંટેરી દુલ્હનના કિસ્સામાં ભચાઉ પોલીસમાં સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ (નીશાબેન કરનભાઈ કાલીયા) (રહે. આણંદપર, તા.રાજકોટ) અને ગંગાબેન રમેશ પટેલ (રહે. વટવા) અને તપાસમાં નિકળે તે સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં ભચાઉ પોલીસે અમદાવાદના નરોડામાં રહેતા સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ અને ભચાઉના ટાટાનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ વીરસંગ સોલંકીની ધરપકડ કરી છે. ખોટા આધારકાર્ડ બનાવી, ખોટા નામ સરનામા ધારણ કરી જે યુવકના લગ્ન ન થતા હોય તેવા યુવકના પરિવારનો દલાલ મારફતે સંપર્ક કરી રૂપિયા લઈ લગ્ન કરી લેવાના બાદમાં જેની સાથે લગ્ન કર્યા હોય તેની સાથે થોડો સમય રોકાઈ બાદમાં કોઈ પણ બહાનુ બનાવી ભાગી જઈ અન્ય સ્થળે બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી ભાગી જઈ છેતરપીંડી કરવામાં આવતી હતી. પોલીસે હજુ પણ આ કિસ્સામાં તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM