Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ : ઉમેદવારોનો ભારે ધસારો

03 April


લોકશાહીના પર્વ પૂર્વે ‘કચ્છ કમલમ‘ કેસરીયા માહોલમાં રંગાયું : પ્રથમ દિવસે ૩૦૯ દાવેદારોએ ટિકિટ માટે રજૂ કરી દાવેદારીઃ આજે નખત્રાણા અને ભુજ પર નિરીક્ષકોની નજર : મોડી રાત સુધી ભુજ શહેરના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલે તેવી સંભાવના 

ભુજ - કચ્છઉદય : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજે બીજા દિવસે પણ પૂરજોશમાં ચાલુ રહી હતી. ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કચ્છ કમલમ’ ખાતે ચાલી રહેલી આ પ્રક્રિયામાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે મજબૂત કવાયત આદરી છે. પ્રદેશ કક્ષાના નિરીક્ષકો બળવંતસિંહ રાજપુત, સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદીની પેનલ દ્વારા સતત બીજા દિવસે પણ દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. 
આજે વહેલી સવારથી જ નખત્રાણા તાલુકા પંચાયત માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને અપેક્ષિત ઉમેદવારો ભુજ ખાતે ઉમટી પડ્યા હતા. બપોરના સમયે નખત્રાણા શહેરના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં યુવા અને અનુભવી એમ બંને સ્તરે ટિકિટ માટે પ્રબળ દાવેદારી જોવા મળી હતી. આજની પ્રક્રિયામાં ખાસ આકર્ષણ ભુજ તાલુકા અને શહેર માટેના સેન્સ રહેવાના છે. બપોરે ત્રણ વાગ્યાથી ભુજ તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના અભિપ્રાય લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભુજ એ જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં દાવેદારોની સંખ્યા અને રાજકીય સમીકરણો અત્યંત મહત્વના સાબિત થવાના છે. મોડી સાંજથી ભુજ શહેર નગરપાલિકા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, નોંધનીય છે કે ગઈકાલે જ નગરપાલિકાની ૪૪ બેઠક માટે ૨૨૫થી વધુ ફોર્મ કાર્યકર્તાઓ દ્વારા લઇ લેવાયા છે. 
ભુજ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પહેલા જ અભૂતપૂર્વ ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે ત્યારે આજે મોડી સાંજથી શરૂ થનારી ભુજ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. ભુજ શહેરમાં સંગઠનના માળખા અને વિવિધ વોર્ડના સમીકરણોને આધારે નિરીક્ષકો દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે.
ગઈકાલના આંકડાઓ પર નજર કરીએ તો, પ્રથમ દિવસે માંડવી નગરપાલિકા, માંડવી તાલુકા પંચાયત, અબડાસા અને લખપત તાલુકા પંચાયત સહિત તે વિસ્તારની જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ ૩૦૯ જેટલા દાવેદારોએ સત્તાવાર રીતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી. 
ગઈકાલે પ્રથમ દિવસે જે પ્રકારે ૩૦૯ જેટલી અરજીઓ આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં ટિકિટ મેળવવા માટે ભારે સ્પર્ધા છે. માંડવી, અબડાસા અને લખપત જેવા વિસ્તારોમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ સંયુક્ત રીતે મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ દાખવ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન જે તે મંડળના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની હાજરીમાં પારદર્શક રીતે દાવેદારોની વાત સાંભળવામાં આવી રહી છે. 
નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલા આ અભિપ્રાયો અને વિગતો હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ચૂંટણીની જાહેરાત બાદ કચ્છનું રાજકીય તાપમાન દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM