Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કચ્છમાં આચારસંહિતાનો કડક અમલ

03 April


સાર્વજનિક સ્થળો પરથી ૧૧૦૦થી વધુ પ્રચાર સામગ્રી દૂર કરાઈ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ખાનગી મિલકતો પરના લખાણો તેમજ બેનરો હટાવવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી 

ભુજ - કચ્છઉદય : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં મહા નગરપાલિકાઓ, નગર પાલિકાઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવતા જ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગત પહેલી એપ્રિલથી અમલી બનેલી આચારસંહિતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી જાહેર અને ખાનગી મિલકતો પરથી રાજકીય પ્રચારના લખાણો અને સામગ્રી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લા નોડલ ઓફિસર અને નિયામક ડી.આર.ડી.એ. દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર અત્યાર સુધીમાં સાર્વજનિક મિલકતો પરથી કુલ ૧૧૫૪ જેટલી પ્રચાર સામગ્રી હટાવવામાં આવી છે. જેમાં ૩૦૪ વોલ પેન્ટિંગ, ૩૪૧ પોસ્ટરો, ૩૮૭ બેનરો અને અન્ય ૧૨૨ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે. સરકારી મિલકતોની સાથે સાથે ખાનગી મિલકતો પર પણ મંજૂરી વગર લગાડવામાં આવેલી સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત ૬૩ વોલ પેન્ટિંગ, ૨૦ પોસ્ટર અને ૫ બેનર સહિત કુલ ૯૪ જેટલી ચીજવસ્તુઓ દૂર કરવામાં આવી છે. જિલ્લાના અબડાસા, લખપત, નખત્રાણા, મુંદ્રા, માંડવી, રાપર, ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના તમામ તાલુકાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા આચારસંહિતાના ભંગ બદલ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ચૂંટણી તંત્ર દ્વારા માત્ર મિલકત વિરૂપણ જ નહીં, પરંતુ ગેરકાયદેસર સભાઓ, ઉશ્કેરણીજનક ભાષણો અને મતદારોને લોભ-લાલચ આપવા જેવી પ્રવૃત્તિઓ પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કોઈ ગંભીર ઉલ્લંઘન કે ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ ટીમો તૈનાત કરીને આદર્શ આચારસંહિતાના દરેક નિયમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કાર્યવાહી સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે કાયદેસરના પગલાં ભરવાની તૈયારી પણ વહીવટી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM