Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કુદરતનો  પ્રકોપ ભચાઉ સહિત પૂર્વ કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો અને મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન

03 April




હવામાન વિભાગ દ્વારા આગામી ૫ એપ્રિલ સુધી માવઠાની આગાહી સાથે પવન ફૂંકાવાની ચેતવણી : ધરતીપુત્રો ચિંતાતુર

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકથી વાતાવરણમાં આવેલા પલટાએ ફરી એકવાર ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. ગઈકાલે પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છના ભચાઉ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી છે. ખાસ કરીને ભચાઉ તાલુકામાં વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે કાંઠા વિસ્તારમાં મીઠાના અગરો અને ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હતો, ત્યારે હવે ઉનાળાની શરૂઆતે જ ફરી માવઠું થતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ જ મહિનામાં બીજી વખત વરસેલા કમોસમી વરસાદે રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે.
ગુરૂવારે ગઢશીશા પંથકમાં બપોરે માવઠા બાદ મોડી રાત્રે અબડાસા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ આજે વહેલી સવારથી જ પશ્ચિમ કચ્છના મુંદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ હતી. મુંદરા તાલુકો ખેતીનો તાલુકો છે. ખેડૂતોની ભારે મહેનત બાદ આજે સવારથી જ વાદળા કાળા ડિંબાગ સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. ખેતરોમાં ઈસબગુલ, ઘઉં તથા અન્ય અનાજને નુકશાન થયું છે. સવારથી નાની ભુજપર, મોટી ભુજપર, બોરાણા, ઝરપરા, ધ્રબ, નાના કપાયા તેમજ અન્ય ગામોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. રોડ - રસ્તા પરથી પાણી વહી નિકળ્યા હતા. ખેડૂત ધનરાજભાઈએ જણાવ્યું હતું કે, કેટલાક ખેડૂતોએ ઘઉંની કાપણી કરીને ખેતરોમાં મુકયા છે તે ખેત પેદાશને ભારે નુકશાન સાથે ઈસબગુલના પાકને પણ નુકશાની છે. 
તો આજે સવારે રાપરમાં ૧૧ વાગ્યાના અરસામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સવારથી જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીરું, વરિયાળી અને રાયડા જેવા શિયાળુ પાકો જે ખળામાં તૈયાર પડ્યા છે અથવા લણણીની તૈયારીમાં છે, તેને વ્યાપક નુકસાનની ભીતિ છે. ભચાઉના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલતા મીઠા ઉદ્યોગ માટે પણ આ વરસાદ આફત બનીને આવ્યો છે, કારણ કે વરસાદના કારણે તૈયાર થયેલું મીઠું ઓગળી જવાથી ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, પૂર્વ ઈરાન અને પાડોશના વિસ્તારોમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ એપ્રિલ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેને કારણે તૈયાર પાકને વધુ નુકસાન થઈ શકે છે. હવામાન નિષ્ણાતોના મતે ૧૦ થી ૧૫ એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 
સતત બદલાતા હવામાન અને વારંવાર થતા માવઠાને કારણે ખેડૂતો હવે સરકાર પાસે આ નવા નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. 
અત્યારે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ હજુ પણ વાદળોથી ઘેરાયેલું હોવાથી લોકોમાં ફાળ પડી છે.


.............

ગાંધીધામ-આદિપુરમાં મેઘરાજાની પધરામણી : કમોસમી વરસાદથી માર્ગો પર પાણી ભરાયા


ગાંધીધામઃકચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ અને સંકુલ એવા આદિપુરમાં આજે હવામાનમાં આવેલા ઓચિંતા પલટા સાથે જોરદાર વરસાદી 
ઝાપટું વરસી ગયું હતું. ઉનાળાની શરૂઆત પૂર્વે જ થયેલા આ ‘માવઠા’ ને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે, જોકે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર 
પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ 
પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીધામના મુખ્ય બજારો અને 
આદિપુરના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અચાનક આવેલા આ વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી હતી.




...............


અંજાર પટ્ટામાં કમોસમી માવઠુંઃ ઝરમર વરસાદથી માર્ગો ભીંજાયા : વાતાવરણમાં પ્રસરી ઠંડક


અંજારઃકચ્છ જિલ્લાના હવામાનમાં આજે ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. અંજાર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ હળવા માવઠાએ દસ્તક દીધી હતી. અંજાર પટ્ટામાં માવઠું ઝરમરિયા સ્વરૂપે વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંજાર શહેર અને આસપાસના પટ્ટામાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો ભીંજાયા હતા. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ અચાનક થયેલા આ માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. સવારથી જ આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું, જેને પગલે ભરબપોરે પણ સાંજ જેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા આ માવઠાને કારણે જનજીવનમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પાકને લઈને ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે. આગામી કલાકોમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા છે.

..........................


અબડાસામાં ભારે પવન સાથેના વરસાદી ઝાપટાઓએ ધરતીપુત્રોની ચિંતામાં કર્યો વધારો


નલિયા : અબડાસામાં ગઈકાલે અને આજે સવારથી ભારે પવન સાથેના ઝાપટારૂપી વરસેવા વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો હતો. ગઈકાલે બપોરથી સાંજ સુધી અને ત્યારબાદ અમુક વિસ્તારોમાં આજે સવારે ભારે પવન સાથેના વરસાદી ઝાપટાઓથી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.સિઝન દરમ્યાન ખેડુતોએ મહેનત કરી પકવેલા પાકો તૈયારી થઈ લણણી કરી ખેડુતોએ તેમના ખેતરોમાં પાલા કરી રાખ્યા છે તેના પર વરસાદના લીધે જોખમ ઉચુ થયું છે.પાછો ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હોઈ પાક બચાવવા ઢાંકેલી તાલપત્રીઓ પણ ઉડી જતી હોઈ ખેડુતોની મુશ્કેલી વધવા સાથે ચિંતામાં વધારો થયો છે.
અબડાસામાં ગઈકાલે સાંઘીપુરમ તથા આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.નલીયા ખાતે પણ વિજળી સાથે સાધારણ વરસાદ થયો હતો.નરેડી, રાતાતળાવ, મોથાળા વિસ્તારમાં પણ ગઈકાલે સાંજના ભાગે વિજળી સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. નોંધપાત્ર બાબત હે છે કે વરસાદ થોડી માત્રામાં અને બે-પાંચ મીનીટના ઝાપટારૂપી હોઈ નાગરીકોને રાહત થઈ હતી. ગઈકાલ સાંજથી રાત્રે અને આજે સવારે પણ ક્યાંક સાધારણ તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ હોઈ ખેડુતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.


 

Comments

COMMENT / REPLY FROM