મેડીકલેઈમ રદ્દ કરનાર વીમા કંપનીને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ
ભુજ - કચ્છઉદય : વીમા કંપનીએ એક્સક્લુઝન ક્લોઝની શરતો ગ્રાહકને આપેલ ન હોય તેવા સંજોગોમાં તે શરત હેઠળ કલેઈમ નામંજૂર કરી શકાય નહીં તેવો મહત્વપૂર્ણ ચુકાદો કચ્છ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને આપ્યો છે. ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી કૈલાશ ગુસાઇએ નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી તેમના પરિવાર માટે હેલ્થ પોલીસી લીધી હતી. પોલીસીના સમયગાળા દરમિયાન તેમના પત્ની આશા ગુંસાઈને માથામાં દુખાવાની તકલીફ થતાં તપાસ દરમિયાન તેમને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ બીમારી માટે તબીબ દેવેન ઝવેરી દ્વારા સર્જરી કરવામાં આવી હતી અને તેમાં કુલ ૩,૦૨,૪૫૯/- રૂપિયાનો મેડીકલ ખર્ચ થયો હતો.
ફરિયાદી દ્વારા આ ખર્ચ અંગેનો વીમા કલેઈમ જરૂરી પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વીમા કંપનીએ એવી દલીલ કરીને કલેઈમ નામંજૂર કર્યો હતો કે આ બીમારી પોલીસીના પ્રથમ ૨૪ મહિના માટે એક્સક્લુઝન ક્લોઝ હેઠળ બાકાત રાખવામાં આવી છે. આ નિર્ણય સામે ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા કમીશનમાં ધા નાખી હતી. ગ્રાહક કમીશનના પ્રમુખ એ.પી. કંસારા તથા સભ્ય પી.વાય. જોશીએ આ કેસમાં વીમા કંપનીની સેવામાં ખામી અને ગેરવ્યાજબી પદ્ધતિ હોવાનું ઠરાવ્યું હતું. કમીશને વીમા કંપનીએ ફરિયાદીને કલેઈમની રકમ ૨,૯૬,૫૨૯/- રૂપિયા, માનસિક ત્રાસ પેટે ૭,૫૦૦/- રૂપિયા અને કાનૂની ખર્ચના ૫,૦૦૦/- રૂપિયા ચૂકવવા ઉપરાંત ફરિયાદની તારીખથી ૯ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે ઠક્કર એસોસિએટ્સના એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ ઠક્કર, કુલીન ભગત અને કોમલ ઠક્કર હાજર રહ્યા હતા.
------

Comments