પશ્ચિમ કચ્છ એલસીબીનો પવનચક્કીઓમાંથી કેબલ ચોરી કરતી ટોળકી પર સપાટો
નખત્રાણા, નરા અને દયાપર વિસ્તારની ૧૫ પવનચક્કીઓને નિશાન બનાવનાર પાંચ શખ્સો જેલહ વાલે, એક ફરાર : ૪.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી નખત્રાણા અને દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ ૧૫ જેટલી પવનચક્કીઓમાંથી અર્થિંગ કેબલની ચોરી કરનાર એક રીઢા તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. એલસીબી પીએસઆઈ એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઈ વિકેશભાઈ રાઠવા અને લાભાભાઈ રબારીને મળેલી સચોટ બાતમીના આધારે તોડિયા ગામના ફાટક પાસે વોચ ગોઠવી એક લાલ કલરની ફોર વ્હીલર કાર અને છોટા હાથી ડાલાને અટકાવવામાં આવ્યા હતા. આ વાહનોની તપાસ કરતા તેમાંથી અંદાજે ૫૦૦ કિલોગ્રામ કોપર વાયરના ગૂંચળા મળી આવ્યા હતા, જેના વિશે પૂછપરછ કરતા વાહન ચાલકો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ નખત્રાણાના નાગવીરી ગામની સીમમાં તેમજ પાનેલી, દયાપર, મણકવાંઢ અને મેઘપર જેવા વિસ્તારોમાં આવેલી પવનચક્કીઓના દરવાજા તોડી કટર અને ગ્રાઈન્ડર જેવા સાધનો વડે મોંઘા કોપર કેબલની ચોરી કરી હતી. આ કામગીરીમાં એલસીબીએ અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનિફ નોતીયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતીયાર અને સુલતાન મામદ કુંભાર નામના પાંચ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે દાઉદ જાકબ સોતા નામના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૨.૫૦ લાખની કિંમતનો કોપર વાયર, ૧.૫૦ લાખની કિંમતના બે વાહનો અને ચોરીમાં વપરાતા સાધનો મળી કુલ ૪,૦૫,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દ્વારા પોલીસે નખત્રાણા અને દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
-----------

Comments