ચૂંટણી જાહેર થતા જ પોલીસ એક્શન મોડમાંઃ માથાભારે તત્વોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી તેજ
પાસા અને તડીપારની ફાઇલો સરકારી કચેરીઓમાં પહોંચી
ભુજ- કચ્છ ઉદય : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા રાજકીય અને વહીવટી તંત્રમાં તે સંદર્ભના પગલા લેવાનો આરંભ કરી દીધો છે. ચુંટણી જાહેર થાય તે પહેલા પણ કલેકટર કચેરી અને પોલીસ તરફ અમુક જણને તડીપાર, પાસા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પણ હવે ચુંટણી જાહેર થઈ જતા તેમાં વધી ગતી આવી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અત્યારથી જ ગુનેગારો પર ગાળિયો કસવાનું શરૂ કરી દીધું છે.
દરેક પોલીસ સ્ટેશન દ્વારા તેમના વિસ્તારમાં સક્રિય ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીનેઃ જેમના પર મારામારી, લૂંટ કે ધાકધમકીના એકથી વધુ ગુના નોંધાયેલા છે. દારૂની હેરાફેરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બૂટલેગરો અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અશાંતિ ફેલાવતા માથાભારે તત્વોની યાદી બનાવવામાં આવી રહી છે. પોલીસ હાલમાં આ તમામ ઈસમોની ગતિવિધિઓ પર વોચ રાખી રહી છે. તેઓ હાલ કયા વ્યવસાયમાં છે અને કોના સંપર્કમાં છે તેની ઝીણવટભરી નોંધ લેવામાં
ચૂંટણી જાહેર થતા જ
આવી રહી છે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા કલેક્ટર અને નાયબ કલેક્ટરની કચેરીઓમાં પાસા અને તડીપારની દરખાસ્તો મોકલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અનેક રીઢા ગુનેગારોને જેલ ભેગા કરવા અથવા જિલ્લા બહાર કરવા માટેના હુકમો પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ પોલીસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહી છે, તો બીજી તરફ મહેસૂલ અને પોલીસ દળમાં મોટા પાયે બદલી અને બઢતીના દોર ચાલી રહ્યા છે. હાલમાં વહીવટદાર શાસન હોવાથી ગ્રામ્ય અને શેરી વિસ્તારોમાં સફાઈ, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો ઉકેલી ચૂંટણી પહેલા પ્રજામાં સકારાત્મક છબી ઉભી કરવાના પ્રયાસો પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
...........
હથિયાર પરવાના ધારકો પર નજર
ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સુરક્ષાના ભાગરૂપે હથિયારો જમા લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. તેના આગોતરા આયોજન રૂપે પોલીસે હથિયાર પરવાના ધરાવતા વ્યક્તિઓની અલગ યાદી તૈયાર કરી લીધી છે. આચારસંહિતા લાગુ થતા જ તમામ હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવશે.
..........

Comments