પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ‘કચ્છ કમલમ’ ખાતે દાવેદારોનો જમાવડો
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાયું : ભારતીય જનતા પાર્ટી દ્વારા બે દિવસ સુધી ચાલનાર અભિપ્રાય મેળવવાની પ્રક્રિયામાં એક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, છ નગરપાલિકા અને નવ તાલુકા પંચાયતના ભાવિ જન પ્રતિનિધિઓની પસંદગી માટે કવાયત : પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને કચ્છ જિલ્લાના સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ મેળવ્યા અભિપ્રાય
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ અત્યંત વેગવાન બની છે. કચ્છ જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલના રોજ લોકશાહીના આ પર્વ નિમિત્તે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં એક મહાનગરપાલિકા, છ નગરપાલિકાઓ અને નવ તાલુકા પંચાયતો માટે પ્રતિનિધિઓ ચૂંટવામાં આવશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને રાજકીય પક્ષોમાં પણ ટિકિટ મેળવવા માટેની મથામણ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જાહેર થતાની સાથે જ સંગઠનાત્મક રીતે સક્રિય થઈ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
આગામી ચૂંટણીઓમાં મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી કચ્છ જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ટીમ કચ્છની મુલાકાતે છે. આ નિરીક્ષકો જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને વ્યક્તિગત રીતે મળી રહ્યા છે અને તેમના અભિપ્રાયો તેમજ સંગઠન સાથેના સમીકરણોની વિગતો મેળવી રહ્યા છે. ભુજ સ્થિત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ‘કચ્છ કમલમ’ ખાતે આજે વહેલી સવારથી જ કાર્યકરો અને આગેવાનોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયું હતું.કચ્છમાં સેન્સ લેવાની આ મહત્વપૂર્ણ જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને કચ્છ જિલ્લાના સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીને સોંપવામાં આવી છે. આ નિરીક્ષકોની પેનલ સમક્ષ આજે સવારે સર્વપ્રથમ માંડવી શહેર અને માંડવી તાલુકા પંચાયતના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યારબાદ બપોરના સત્રમાં અબડાસા વિધાનસભા હેઠળ આવતા અબડાસા અને લખપત તાલુકા પંચાયત માટેની બેઠકો યોજવામાંઆવશે. આવતીકાલે એટલે કે બીજા દિવસે નખત્રાણા શહેર અને તાલુકા માટે તેમજ બપોર બાદ ભુજ શહેર અને ભુજ તાલુકા પંચાયતના ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.સેન્સ લેવાની આ લોકશાહી ઢબની પ્રક્રિયા દરમિયાન જે તે મંડળના પ્રભારીઓ, સહ-પ્રભારીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, મંડળના પૂર્વ ધારાસભ્યો તેમજ પક્ષના અપેક્ષિત શ્રેણીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકો દ્વારા દરેક દાવેદારની ક્ષમતા, લોકસંપર્ક અને પક્ષ પ્રત્યેની વફાદારી જેવા પાસાઓને ધ્યાને રાખીને યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.
એક તરફ ચૂંટણી પંચની જાહેરાત અને બીજી તરફ ભાજપનો આ પ્રચંડ જનસંપર્ક જોતા કચ્છના રાજકારણમાં આગામી દિવસોમાં ભારે ગરમાવો રહેવાના સંકેતો મળી રહ્યા છે.

Comments