અંજાર તાલુકા માટે કમળના પ્રતીકથી ચૂંટણી લડવા માટે દાવેદારોમાં પડાપડી
પ્રદેશ નિરિક્ષકશ્રીઓ હીરેનભાઈ હિરપરા, જયરાજસિહ પરમાર, શ્રદ્વાબેન રાજપૂત સંભવત દાવેદારને સાંભળી રહ્યા છે : જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય પણ છે ઉપસ્થિત
અંજારમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યોઃ એક બેઠક પર અનેક દાવેદારો મેદાનમાં
ગાંધીધામ : અંજાર અને પૂર્વ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખરાખરીનો જામ્યો છે, જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપના ‘કમળ’ના પ્રતિક પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતા જ ભાજપે પૂરજોશમાં મૂરતિયાઓની શોધખોળ આદરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે પૂર્વ કચ્છના અંજાર મધ્યે ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજવાડી ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જ્યાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અંજાર તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારી, સહ-પ્રભારીઓ તેમજ જિલ્લા અને પ્રદેશ મોરચાના હોદ્દેદારોની હાજરીમાં સવારથી જ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું હતું. આ વખતે પક્ષ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ ઉમેદવાર શક્તિ પ્રદર્શન કે ટોળીશાહી સાથે દાવેદારી નોંધાવી શકશે નહીં, માત્ર વ્યક્તિગત રીતે જ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવાની રહેશે. આ નવી પ્રણાલીને કારણે સેન્સ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હોવા છતાં, સંખ્યાની દ્રષ્ટિએ માહોલ ગરમાયો છે. અંજાર તાલુકાના વિવિધ મંડળોના હોદ્દેદારો, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં દાવેદારો પોતે શા માટે પક્ષ માટે યોગ્ય ઉમેદવાર છે તેની વિગતો સાથે દલીલો રજૂ કરી રહ્યા છે.આ વેળાએ મુળજી ભાઈ મયાત્રા, રાહુલ ગોર, બી એન આહીર,કાનજીભાઈ આહીર, શંભુભાઈ આહીર, શંકરભાઈ પરમાર, ધનજીભાઈ હુંબલ, પ્રકાશભાઈ હુંબલ, રમેશભાઈડાંગર, ડેનીભાઈ શાહ, હિતેનભાઈ વ્યાસ, અશ્વિન ભાઈ સોરઠીયા, કિશોરસિંહ જાડેજા, અલ્પેશ ભાઈ દરજી,બાબુ ભાઈ આહીર, દીપકભાઈ આહીર, દેવજીભાઈ સોરઠીયા, હીરા ધના આહીર, સંદીપભાઈ ચાવડા, મશરૂ ભાઈ રબારી, અરવિંદભાઈ મહેશ્વરી, માધુ ભાઈ રાજાભાઈ ડાંગર, મુકેશભાઈ ત્રિકમભાઇ છાગા,મયાજ ભાઈ છાંગા હાજર રહયા હતા.
...........
અંજાર બાદ બપોરે રાપર અને ભચાઉના દાવેદારોની કસોટી
ગાંધીધામ : માત્ર અંજાર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયતોની આશરે દસ હજાર જેટલી બેઠકો માટે ૫૫ હજારથી વધુ દાવેદારો મેદાનમાં હોવાનું મનાય છે. અંજારની મિસ્ત્રી સમાજવાડી ખાતે બપોર બાદ રાપર તાલુકાના ઉમેદવારો અને સાંજે પાંચ થી સાત વાગ્યા દરમિયાન ભચાઉ તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવશે. એક તરફ લોકશાહીનો આ ઉત્સવ ખીલ્યો છે, તો બીજી તરફ દરેક બેઠક પર ૨૫ થી ૫૦ જેટલા દાવેદારો હોવાથી પક્ષના મોવડી મંડળ માટે મૂરતિયાઓની અંતિમ પસંદગી કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ચૂંટણીના એલાન બાદ હવે ઉમેદવારોના નામોની જાહેરાત પર સૌની મીટ મંડાયેલી છે.
.....

Comments