પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં મહત્વના ફેરફાર, ભુજ અને નલિયાને મળ્યા નવા મહિલા ડીવાયએસપી
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી ડીવાયએસપીની જગ્યાઓ પર આખરે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડગમ વાગી રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી કામગીરીને સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના કુલ ૩૫ ડીવાયએસપી અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપવાની પ્રક્રિયામાં પશ્ચિમ કચ્છના બે મહત્વના મથકો પર મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.ગાંધીનગર કોમ્પ્યુટર સેન્ટરમાં ફરજ બજાવતા ડૉ. વિશ્વા શાહને હવે ભુજ ડીવાયએસપી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે બોટાદ એસસી-એસટી સેલમાં કાર્યરત મનીષા દેસાઈને નલિયા ડીવાયએસપી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. નલિયામાં ડીવાયએસપીનું પ્રથમ પોસ્ટિંગ છે.આ અગાઉ નલિયા નખત્રાણા ડિવિઝનમાં સમાવિષ્ટ હતું આ નિમણૂક સાથે નખત્રાણા ડિવિઝનમાં હવે નખત્રાણા અને લખપત તાલુકાના પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે જ્યારે નલિયા ડિવિઝનમાં અબડાસા તાલુકામાં આવતા નલિયા, કોઠારા, વાયોર, જખૌ અને જખૌ મરીન પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છમાં પ્રાંત અધિકારીની જેમ પોલીસ વહીવટી માળખું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી ભુજ હેડક્વાર્ટર, ભુજ ડ્ઢઅજીઁ અને નલિયા ડ્ઢઅજીઁ જેવી મહત્વની જગ્યાઓ ખાલી પડી હતી. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિમણૂકો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. હાલમાં આ બંને અધિકારીઓને તેમની મૂળ જવાબદારી ઉપરાંત વધારાના ચાર્જ તરીકે આ પદ સોંપવામાં આવ્યા છે, જેનાથી પશ્ચિમ કચ્છની પોલીસ કામગીરીમાં નવો વેગ આવશે.
---

Comments