ભુજમાં નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ જયંતીની ધામધૂમથી ઉજવણી
ભુજ - કચ્છઉદય : નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશ મહાદેવની જન્મજયંતીએ ભુજમાં શ્રધ્ધાપૂર્વક અને ભકિતભાવપૂર્વક રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ રાત્રે હાટકેશ કોમ્પલેક્ષ મધ્યે રૂપિયા ૫૦૦૦ કે તેથી વધુ દાન આપનાર દાતાઓનું સન્માન તેમજ લયભાઈ અંતાણી મારફતે ચિત્રહાર મ્યુઝીકલ હાઉઝીનું આયોજન કરેલ હતું, જેમાં મોટી સંખ્યાંમાં જ્ઞાતિજનોએ સંગીત સાથે હાઉઝીની મજા માણેલ હતી.
બીજા દિવસે વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્રારા સવારે લઘુરૂદ્ર તથા ૬ બટુકો કર્મન જલ્પનભાઈ અંજારિયા, સાર્થ દર્શભાઈ હાથી, રુદ્રાક્ષ હર્ષિતભાઈ વૈદ્ય, આરવ યશભાઈ વોરા, સત્વ તેજસ રાણા, પ્રહર્ષ પલકભાઈ વૈશ્નવને યજ્ઞોપવિત આપવામાં આવેલ. જ્ઞાતિના આચાર્ય ખંજનભાઈ વોરા દ્વારા પ્રારંભ કરાવેલ લઘુરૂદ્ર યજ્ઞમાં યજમાનપદે સમૃદ્ધિ મલ્હાર બુચ દંપતિ દ્વારા બીડું હોમવામાં આવેલ હતું.
આ પાટોત્સવ નિમિતે શાનદાર રીતે શોભાયાત્રા જય હાટકેશના નારા સાથે હાટકેશ મંદિરેથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. આ શોભાયાત્રાનું દ્વારકાધીશ મંદિર મધ્યે જગતભાઈ વ્યાસ તરફથી આઈસક્રીમ કોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાદેવ નાકે હાટકેશ સેવા મંડળ તથા સહકાર સેવા મંડળ દ્વારા જ્ઞાતિ હોદેદારો નું સન્માન કરવામાં આવેલ તેમજ ગેરવાળી વંડી ગરબી મંડળ તરફથી દુગ્ધપાન કરાવી હોદેદારોનું સન્માન કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નાગર ચકલા મધ્યે મિત્રો ના સચિવાલય દ્વારા દાબેલીનું વિતરણ કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગો પર ફરી અને હાટકેશ મંદિરે પરત પહોંચેલ હતી. આ શોભાયાત્રામાં હાટકેશ દાદાની પાલખીના દાતાનો લાભ નાગરાણી કિટ્ટી પાર્ટી ગ્રુપની ૧૧ બહેનોએ રૂપિયા ૩૦૦૦૦નો ચડાવો બોલી અનુદાન આપી લાભ લીધેલ હતો.
ત્યારબાદ યજ્ઞોપવિત ધારણ કરનાર બટુકોને આવેલ ભિક્ષા તેમજ અલગ અલગ જ્ઞાતિ સંસ્થાઓ અને જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવેલ ભેટ સોગાદોનું વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ જ્ઞાતિ સમુદાયની વિશાળ હાજરી વચ્ચે બીડું હોમવામાં આવેલ હતું. પૂજારી કનૈયાલાલ વ્યાસ દ્રારા મહાઆરતી કરવામાં આવેલ હતી.જેમાં નોબત અને ઢોલ પર કિશોર વ્યાસ, હરમન ઝાલા અને સાથીદારે સાથ આપેલ હતો. બપોરના જ્ઞાતિજનોએ હાટકેશ કોમ્પ્લેક્ષ મધ્યે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં આમ રસના દાતા તરીકે વિરેન્દ્રભાઈ રાધાકાન્તભાઈ વોરા, આદિપુર રહ્યા હતા. હાટકેશ જયંતિનિમિતે સાંજના ભાગે જ્ઞાતિના સમુહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને જે પ્રસંગે વિશાળ પ્રમાણમાં જ્ઞાતિજનો અને આમંત્રીત અગ્રણીઓએ પ્રસાદનો લાભ લીધેલ હતો. સાથે હાટકેશ કોમ્પ્લેક્ષ મધ્યે આવેલ ગ્રાઉન્ડ ફ્લોરનો હોલ એર કંડીશન કરેલ હોઈ તેને પણ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ પાટોત્સવની ઉજવણીમાં જ્ઞાતિજનો દ્વારા સ્વેચ્છાએ ફાળો આપી સહયોગ અપાયો હતો તથા જ્ઞાતિના અલગ અલગ મંડળો તથા કાર્યકરો તરફથી તમામ વ્યવસ્થામાં સહયોગ આપવામાં આવ્યો હતો.
------------

Comments