૧૩૫-ડીની નોટિસ પ્રક્રિયામાં મોટા ફેરફાર સાથે વટહુકમની તૈયારી
જમીન મહેસૂલ કાયદામાં ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ખેડૂતો અને મિલકતધારકોને પડતી હાલાકીનો આવશે અંતઃ બિનજરૂરી વિલંબ અને જૂના વાંધાઓના નિરાકરણ માટે સરકારે અમલી બનાવ્યા નવા નિયમો
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા જમીન મહેસૂલ કાયદા હેઠળ સામાન્ય જનતા અને ખેડૂતોને મોટી રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન ખરીદ-વેચાણ અને દસ્તાવેજી પ્રક્રિયા દરમિયાન થતા બિનજરૂરી વિલંબને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે ૧૩૫-ડીની નોટિસ બજવણીના વર્ષો જૂના નિયમોમાં ધરખમ સુધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સુધારાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ એક વિશેષ વટહુકમ બહાર પાડશે જેનાથી જમીન વ્યવહારોની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક નિર્ણય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અગાઉ જમીનના દરેક વ્યવહારમાં ૧૩૫-ડીની નોટિસ બજાવવી ફરજિયાત હતી. આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વીડિયોગ્રાફી જેવી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોવા છતાં સામાન્ય નાગરિકોએ વહીવટી સ્તરે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર હિત ધરાવતી વ્યક્તિઓ દ્વારા પાયાવિહોણા અને જૂના વાંધાઓ રજૂ કરીને દસ્તાવેજી પ્રક્રિયાને ખોટી રીતે લંબાવવામાં આવતી હતી જેના કારણે સાચા ખરીદદારો અને વેચનારાઓ અટવાઈ જતા હતા.
રાજ્યના વિવિધ ધારાસભ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ જટિલ પ્રક્રિયામાં સુધારો કરવા માટે સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ લોકહિતની માગણીઓને ગંભીરતાથી ધ્યાને રાખીને સરકારે હવે નોટિસ બજવણીની પદ્ધતિમાં મોટી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં અમલી બનનારા નવા વટહુકમ મુજબ હવે જમીન વ્યવહારોમાં બિનજરૂરી નોટિસ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે જેથી મિલકત ટ્રાન્સફરની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાશે. સરકારના આ પગલાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને જમીન મહેસૂલને લગતી કામગીરીમાં વધુ વેગ આવશે.
--------

Comments