Trending News
સ્થાનિક સમાચાર

બોલિવૂડની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની સ્ટારકાસ્ટ આજે કચ્છના આંગણે

01 April

આજે ભુજ સ્વામિનારાયણ મંદિર અને આઈનામહેલની લેશે મુલાકાત : આવતીકાલે માતાનામઢ, લખપત કિલ્લા, વિજયવિલાસ પેલેસની મુલાકાતે પહોંચશે 

સારા અર્જુન, રાકેશ બેદી અને સૌમ્યા ટંડન સહિતના કલાકારોની પલટન સરહદી વિસ્તારની મુલાકાતે આવતા પ્રશંસકોમાં ભારે ઉત્સાહ


ભુજ - કચ્છઉદય : કચ્છની ધરા હંમેશાથી બોલિવૂડના માંધાતાઓને આકર્ષતી રહી છે, ત્યારે આજે ફરી એકવાર કચ્છના સફેદ રણ અને ઐતિહાસિક સ્થળો પર ગ્લેમરનો તડકો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ‘ધુરંધર’ની આખી ટીમ આજે કચ્છના પ્રવાસે પહોંચી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં સામેલ સારા અર્જુન, પીઢ અભિનેતા રાકેશ બેદી, ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી સૌમ્યા ટંડન, કોમેડી કિંગ ગૌરવ ગેરા અને ગુજરાતીઓનો માનીતો કલાકાર માનવ ગોહિલ સહિતના સિતારાઓ આજે કચ્છની મુલાકાતે આવશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ફિલ્મ પ્રેમીઓમાં ભારે કુતૂહલ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક વિગતો મુજબ આ ટીમ આજે બપોરે ભૂજ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ભુજના સ્વામિનારાયણ મંદિર અને આઈના મહેલ જેવા સ્થળોની મુલાકાત લેશે. રાત્રી રોકાણ ભુજની સેવન સ્કાય હોટલમાં કર્યા બાદ આવતીકાલે કોટેશ્વર અને માતાના મઢની મુલાકાત લેશે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફિલ્મની ક્રિએટિવ ટીમ અને પ્રોડક્શનના કેટલાક સભ્યો સાથે આ કલાકારો સંભવતઃ આજે બપોરે ભુજ પહોંચી આવશે. ભુજમાં સ્વામિનારાયણ મંદિર અને આઈના મહેલ જેવા સ્થળોની મુલાકાત લેશે ત્યારબાદ આવતીકાલે આશાપુરા માતાના ધામ એવા માતાના મઢ ખાતે શીશ ઝુકાવશે ત્યાર બાદ લખપત, નારાયણ સરોવર તેમજ કોટેશ્વરના દર્શન કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફિલ્મ ‘ધુરંધર’ની અદભૂત સફળતા બાદ સમગ્ર ટીમ માતાના આશીર્વાદ લેવા માટે અહીં આવી રહી છે. ત્યારબાદ આ ટીમ ભારતની સરહદ પર આવેલા પવિત્ર કોટેશ્વર મહાદેવના દર્શને પણ જશે. ત્યારબાદ આ ટીમ માંડવીના વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લે તેવી સંભાવના છે. આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વની મનાઈ રહી છે, કારણ કે કચ્છના આ છેવાડાના વિસ્તારો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કલાકારોના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ હોવાનું મનાય છે. ફિલ્મ જગતમાં ધુંરધર ચીજો ભાગની ચર્ચા ચાલી રહી છે તે દરમ્યાન કલાકારોની કચ્છની મુલાકાત સુંચક બની છે. આ પ્રવાસનો સૌથી રોમાંચક ભાગ લખપતનો કિલ્લો રહેવાનો છે. ઐતિહાસિક ધરોહર સમાન લખપત કિલ્લાની મુલાકાત લઈને ટીમ ત્યાંના સ્થાપત્ય અને રણની સુંદરતાને માણશે. એવી પણ ચર્ચા છે કે ફિલ્મની ક્રિએટિવ ટીમ કદાચ આ સ્થળનો ઉપયોગ તેમની આગામી સિક્વલના લોકેશન રેકી માટે પણ કરી શકે છે. રાકેશ બેદી અને ગૌરવ ગેરા જેવા કલાકારોની હાજરીથી લખપતના સૂમસામ રસ્તાઓ પર આજે રોનક જોવા મળશે. માનવ ગોહિલ જે મૂળ ગુજરાતનો છે, તે આ ટીમને કચ્છની સંસ્કૃતિ અને ખાણીપીણીથી વાકેફ કરાવશે. સાંજ સુધીમાં આ આખી ટીમ લખપતના કિલ્લા પરથી સૂર્યાસ્તનો અદભૂત નજારો માણે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સમગ્ર અહેવાલ વાંચ્યા પછી વાચકોને નમ્ર વિનંતી છે કે આજે ‘પહેલી એપ્રિલ’ છે. એટલે કે, ફિલ્મ ‘ધુરંધર’ની ટીમ ખરેખર કચ્છ આવી છે કે નહીં તેની ખાતરી કરવા માટે તમારે લખપત સુધી દોડવાની જરૂર નથી. આ એક મનોરંજક એપ્રિલ ફૂલ મજાક માત્ર છે, જેનો ઉદ્દેશ્ય તમારા ચહેરા પર સ્મિત લાવવાનો છે. ફિલ્મ જગતના આ કલાકારો હાલમાં પોતપોતાના સ્થાને વ્યસ્ત છે, પરંતુ હા, જો તેઓ ભવિષ્યમાં કચ્છ આવે તો તે ખરેખર નસીબની વાત હશે. ત્યાં સુધી આ સમાચારની મજા લો અને અન્યોને પણ ‘એપ્રિલ ફૂલ’ બનાવીને આજના દિવસનો આનંદ માણો.


 

Comments

COMMENT / REPLY FROM