Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ કલેક્ટરની લાલ આંખઃ આજથી કુકમા-વરસામેડી બે ટોલ નાકા પર વસુલાત સ્થગિત રોડ કામમાં લાલીયાવાડી બદલ નેશનલ હાઈવેને ફટકાર : જીઆર ઈન્ફ્રાનો લેવાયો ઉધડો

01 April


૧૧૦૦ કરોડના ખર્ચે બનેલા રોડની ખખડધજ હાલત અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે કલેક્ટર આનંદ પટેલનો પ્રજાહિતમાં મોટો નિર્ણય : ?કુકમા અને વરસામેડી ટોલનાકા પર ટોલ ઉઘરાવવા  રોડ દુરસ્ત થયા બાદ જ મંજૂરી મળશે : મેન્યુઅલ સ્કેનિંગ અને અપૂર્ણ કામગીરીને કારણે વાહનચાલકોને પડતી હાલાકીનો આવ્યો અંત

રતનાલ બાદ હવે સાપેડા બાયપાસ કરી દીધો છે વનવે : મોટાપ્રમાણમાં ટ્રક-ટ્રેઈલર, એસટી બસો, નાના-મોટા અન્ય વાહનો સિંગલ રોડ પર ઉતાર-ચઢાવવાળા આ માર્ગ પર ર૪ કલાક ધમધમતા રહે છે : અહી પણ હવે મોટા ગંભીર અકસ્માતો સર્જાવવાની દર્શાય છે ભીતી : અહી કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો તો તેની જવાબદારી કોણ લેશે? વહીવટીતંત્ર, સરકાર, જી આર ઈન્ફ્રાકંપની, ચૂપ બેસી રહેલા પ્રજાકીય પ્રતિનિધીઓ, નેશનલ હાઈવે ઓથોરીટી કે પછી સહનશીલ ભોગગ્રસ્ત પ્રજા?


ભુજઃ કચ્છની મોટરિંગ પબ્લિક અને ટ્રાન્સપોર્ટરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભીમાસર-ભુજ હાઈવેની અત્યંત બિસ્માર હાલત અને અધૂરી સુવિધાઓ છતાં તગડો ટોલ ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી સામે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટરે આજથી કુકમા અને વરસામેડી ટોલનાકા પર ટોલની વસૂલાત સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો અંદાજે ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ હાઈવે પર ઠેર-ઠેર ગાબડાં, પેચવર્ક અને વૉબલિંગ (વાહન ધ્રૂજવું) જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. રતનાલ બાયપાસ લાંબા સમયથી બંધ રહ્યો હોવા છતાં, કુકમા પાસે  ૬૦ અને વરસામેડી પાસે ૫૦નો ટોલ ઉઘરાવવાની ઉતાવળ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કુકમા ટોલનાકા પર ફાસ્ટ ટેગની ઓટોમેટિક સિસ્ટમ પ્રોપર ન હોવાથી કર્મચારીઓ મેન્યુઅલ મશીન વડે સ્કેનિંગ કરતા હતા, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગતી હતી અને કુકમા ફાટક પાસે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. ટોલની તગડી રકમ ચુકવ્યા બાદ પણ મોટરીંગ પબ્લીક તો ત્યાંની ત્યાં જ રહી જતી હતી એટલે કે રોડ-રસ્તાઓ ખાડા-પખખડધજ, ઠેર ઠેર પેચીંગ અને એક સાઈટના રોડ સતત બંધ રહેવા તથા કુકમા-રેલડી પાસે ઓવરબ્રીજના અધુરા કામોના લીધે ટ્રાફીકમાં ફસાવવાની સમય-શકિત-ઈંધણ બગાડવાની કફોડી હાલત તો એની એ જ રહેતી હતી? તો ટોલ ચુકવવો શેનો? આ બાબતે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર સગઠનોની સતત રજૂઆતો બાદ કલેક્ટર આનંદ પટેલે સ્થળ તપાસ કરી નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે આજ રોજ એટલે કે ૧ એપ્રીલના સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી રોડનું સંપૂર્ણ સમારકામ ન થાય ત્યાં સુધી એક પણ 
રૂપિયો ટોલ વસૂલવો નહીં.માત્ર થિગડાં મારવાને બદલે ૫૫ કિમીના રોડ પર જરૂરિયાત મુજબ નવું લેયર પાથરી રોડને એકસરખો કરવો. એ થઈ ગયા બાદ રોડની ગુણવત્તા તપાસવા માટે ‘ફેસિબિલિટી રિપોર્ટ’ રજૂ કરવો. જે પછી વહીવટી તંત્ર દ્વારા થર્ડ પાર્ટી 
ઇન્સ્પેક્શન કરાવ્યા બાદ જ ટોલ શરૂ કરવાની મંજૂરી 
અપાશે.
એશિયાની મોટી સિમેન્ટ કંપનીઓ, કંડલા-મુન્દ્રા બંદર અને ખાવડાના મીઠાના પ્લાન્ટ્‌સને કારણે આ માર્ગ કચ્છની આર્થિક કરોડરજ્જુ સમાન છે. 
રેલડી અંજાર બાયપાસ અને કુકમા પાસેના અધૂરા ઓવરબ્રિજને કારણે અકસ્માતોની વણજાર સર્જાઈ હતી. કલેક્ટરના આજ રોજ ૧ એપ્રીલના આ મુજબના ધાક  બેસાડતા’ નિર્ણયથી ભ્રષ્ટ નીતિ ધરાવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કંપનીમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે કચ્છની જનતાએ આ નિર્ણયને હર્ષભેર વધાવી લીધો છે. કચ્છની જનતા માટે ૧લી એપ્રિલનો દિવસ  સાચા અર્થમાં ન્યાયનો દિવસ સાબિત થયો છે. ૧૧૦૦ કરોડના માતબર ખર્ચે બનેલા નેશનલ હાઈવેની ખખડધજ હાલત અને તે છતાં ઉઘાડી લૂંટ ચલાવતા ટોલનાકાઓ સામે કલેક્ટર આનંદ પટેલે જે ‘લાલ આંખ’ કરી છે, તે સરકારી તંત્રની કાર્યક્ષમતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.કોઈપણ વિકાસ પ્રોજેક્ટનો હેતુ જનતાની સુખાકારી હોય છે, નહીં કે માત્ર કોન્ટ્રાક્ટર કંપનીઓની તિજોરી ભરવાનો. ભીમાસર-ભુજ હાઈવેની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી દયનીય હતી. રોડ પર ઠેર-ઠેર પડેલા ગાબડાં, અધૂરા ઓવરબ્રિજ, રતનાલ બાયપાસની વર્ષો જૂની સમસ્યા અને ઉપરથી વૉબલિંગના કારણે વાહનોને થતું નુકસાન - આ બધું જ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી એ ટોલ વસૂલવામાં જે ઉતાવળ દાખવી તે સદંતર અન્યાયી હતી.

...........



સવાલોના ઘેરામાં નેશનલ હાઈવે ઓથોરિટી


કલેક્ટરના કડક વલણ બાદ હવે જનતા અને તંત્ર દ્વારા દ્ગૐછૈં અને રોડ બનાવનાર કંપની સામે આ સવાલો પૂછવામાં આવી રહ્યા છેઃ ૧.કરોડોનું આંધણ કોના માટે?ઃ ૧૧૦૦ કરોડના તોતિંગ ખર્ચે બનેલો હાઈવે ગણતરીના સમયમાં જ કેમ ખખડધજ થઈ ગયો? શું લોટ-પાણીને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે? ર.નફાની લાલચ કે જનહિત?ઃ રોડ પર ગાબડાં હોવા છતાં અને સુવિધાઓ અધૂરી હોવા છતાં ટોલ વસૂલવાની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? શું કંપનીને માત્ર નફામાં જ રસ છે? ૩.ટેકનોલોજીના નામે મજાક?ઃ ‘ડિજિટલ ઈન્ડિયા’ના યુગમાં કુકમા ટોલનાકે મેન્યુઅલ સ્કેનિંગ કેમ? શું ઓથોરિટી પાસે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો પણ સમય નહોતો? ૪.અકસ્માતોની જવાબદારી કોની?ઃ અધૂરા ઓવરબ્રિજ અને સિંગલ રોડને કારણે જે અકસ્માતો સર્જાયા અને લોકાના જાન-માલને નુકસાન થાય છે, તેની જવાબદારી દ્ગૐછૈં ના અધિકારીઓ સ્વીકારશે ખરા? પ.તપાસ ક્યારે?ઃ રોડમાં ‘વોબલિંગ‘ (ધ્રુજારી) ની સમસ્યા એ નબળા બાંધકામની નિશાની છે. શું આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝિંગ અધિકારીઓ સામે ફોજદારી તપાસ થશે? ૬.ટ્રાફિકનું ગ્રહણ ક્યારે મટશે?ઃ કુકમા ફાટક અને વરસામેડી પાસે પડતી ટ્રાફિકની હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં ઓથોરિટી હજુ કેટલો સમય લેશે?

..........



હવે જવાબદારી નેશનલ હાઈવે ઓથોરીટીની છે!

ગાંધીધામ : શરૂઆતથી વિવાદમાં રહેલા આ રોડ પર ટોલ વસુલાત બંધના આદેશ બાદ એટલું જ કે, હવે જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે. તેમણે માત્ર કાગળ પર રિપોર્ટ તૈયાર કરવાને બદલે વાસ્તવિક રીતે રોડને મખમલ જેવો બનાવવો પડશે. જનતાના ટેક્સના પૈસાનું વળતર સારી સુવિધામાં જ મળવું જોઈએ. કચ્છની જાગૃત જનતા અને કલેક્ટરની મક્કમતાએ સાબિત કરી દીધું છે કે - સુવિધા નહીં, તો ટોલ નહીં.

..........


કલેક્ટરના આ નિર્ણયના ત્રણ મુખ્ય પાસાં નોંધવા જેવા છે

ગાંધીધામ :  સામાન્ય રીતે વહીવટી તંત્ર આવી બાબતોમાં હાઈવે ઓથોરિટી પર ઢોળી દેતું હોય છે, પરંતુ અહીં કલેક્ટરે સીધી હસ્તક્ષેપ કરીને ટોલ વસૂલાત બંધ કરાવી એ બતાવે છે કે પ્રજાના હિતથી મોટું કંઈ નથી. ગુણવત્તા સામે નો કોમ્પ્રોમાઈઝ. માત્ર થીગડાં મારીને રોડ ચલાવી લેવાની કોન્ટ્રાક્ટરોની પદ્ધતિ પર કલેક્ટરે રોક લગાવી છે. ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ અને આખેઆખું નવું લેયર પાથરવાની સૂચના એ ભવિષ્યમાં રોડની ટકાઉપણું સુનિશ્ચિત કરશે.ડિજિટલ ઈન્ડિયાના નામે લાપરવાહી. કુકમા ટોલનાકે મેન્યુઅલ સ્કેનિંગને કારણે જે ટ્રાફિક જામ થતો હતો, તે દ્ગૐછૈં ની આધુનિકતાના દાવાઓની પોલ ખોલે છે. ટેકનોલોજીનો ઉપયોગ જો લોકોનો સમય બચાવવા ન થતો હોય, તો તે ટેકનોલોજી નકામી છે.
...........



કલેકટરશ્રીનો આ નિર્ણય અન્ય જિલ્લાના
વહીવટદારો માટે પણ નમુનારૂપ છે



ગાંધીધામ : કચ્છ એ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એશિયાનું હબ છે. કંડલા-મુન્દ્રા પોર્ટ અને અબજોના ઉદ્યોગો વચ્ચે આ હાઈવે લોહીની નસો સમાન છે. જ્યારે આ નસોમાં ગાબડાં પડે ત્યારે આર્થિક ગતિ પણ રૂંધાય છે. કલેક્ટરનો આ નિર્ણય અન્ય જિલ્લાના વહીવટદારો માટે પણ એક નમૂનો છે કે જો દાનત હોય તો જનતાને અન્યાયમાંથી મુક્ત કરાવી શકાય છે.

.....

Comments

COMMENT / REPLY FROM