Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં વગદાર બિલ્ડર લોબી અને ભ્રષ્ટ તંત્રની મિલીભગતથી સરકારી નીતિ-નિયમોની ઐસીતૈસી 

01 April

એશિયાના સૌથી ધનાઢ્ય ગામમાં વિકાસના નામે વિનાશનું કૌભાંડ




માધાપરના અમુક વિસ્તાર ભુજ સત્તા મંડળ વિસ્તારમાં આવતું હોવા છતાં અહી થતા બાધકામમાં મોટા પાયે ગોલમાલ : ગામના પ્રાઈમ લોકેશનમાં નિર્માણધીન કોમર્શિયલ કોમ્પ્લેક્સના નકશા અને મંજૂરીઓ મામલે ગંભીર શંકાની સોય : મુખ્ય માર્ગો પરના આડેધડ બાંધકામોથી ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો વિકરાળ બનવાની ભીતિ વચ્ચે ‘ભાડા’ના અધિકારીઓની ભેદી મૌન સંમતિ? : ભાડાની હદમાં આવતી બિલ્ડીંગોમાં ગ્રામ પંચાયતની મંજુરીથી બાંધકામ થવું યોગ્ય છે..? 

શું આ બાંધકામોના પાયામાં ભ્રષ્ટાચારનું સિમેન્ટ વપરાયું છે? : શું આ પ્રોજેક્ટોની ઝીણવટભરી તપાસ થશે? :  જો ખરેખર નકશા અને સ્થળ સ્થિતિમાં તફાવત હોય તો તેવા બાંધકામો પર બુલડોઝર ફેરવવાની હિંમત તંત્ર બતાવશે? : માધાપરની જનતા અને જાગૃત નાગરિકો અત્યારે આ સવાલોના માંગી રહ્યા છે જવાબ



અઢી-ત્રણ દાયકા પૂર્વે જે માધાપર શાંત અને સુઘડ ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતીક હતું તે આજે કોંક્રિટના જંગલમાં ફેરવાઈ ગયું :  એશિયાના સૌથી શ્રીમંત ગામ તરીકે જેની ખ્યાતિ છે ત્યાં હવે વિકાસની પાંખો નહીં પણ ભ્રષ્ટાચારના રાફડા ફાટ્યા હોય તેવી સર્જાઈ સ્થિતિ




ભુજ - કચ્છઉદય : કચ્છના હૃદયસમા ભુજ શહેરની બિલકુલ અડીને આવેલું અને વિશ્વભરમાં પોતાની સમૃદ્ધિ માટે જાણીતું માધાપર ગામ આજે વિકાસની એક એવી અંધાધૂંધ દોડમાં સામેલ થયું છે જ્યાં કાયદો, વ્યવસ્થા અને નૈતિકતાના કોઈ પણ માપદંડો જળવાઈ રહ્યા નથી. અઢી-ત્રણ દાયકા પૂર્વે જે માધાપર શાંત અને સુઘડ ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતીક હતું, તે આજે કોંક્રિટના જંગલમાં ફેરવાઈ ગયું છે. એશિયાના સૌથી શ્રીમંત ગામ તરીકે જેની ખ્યાતિ છે, ત્યાં હવે વિકાસની પાંખો નહીં પણ ભ્રષ્ટાચારના રાફડા ફાટ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માધાપરના મુખ્ય માર્ગો પર નજર નાખતા જ પ્રતીતિ થાય છે કે અહીં બાંધકામ ક્ષેત્રે એક મસમોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. ખાસ કરીને ઝાંસી કી રાણી સર્કલથી લઈ માધાપર પોલીસ ચોકી સુધીના પ્રાઇમ લોકેશનમાં જે રીતે વાણિજ્યિક સંકુલ એટલે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સનો રાફડો ફાટ્યો છે, તે જોતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ એ વિસ્તારો છે જ્યાં જમીનના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. માધાપરમાં જમીન કે મિલકત ખરીદવી એ હવે સામાન્ય માણસ માટે દિવાસ્વપ્ન સમાન બની ગયું છે, કારણ કે અહીંના ભાવો ભુજ શહેરના છેવાડાના પોશ વિસ્તારોને પણ ટક્કર આપી રહ્યા છે. પરંતુ આ ભભકાદાર વિકાસની પાછળ એક કાળી વાસ્તવિકતા છુપાયેલી છે. સ્થાનિક સ્તરેથી મળતી વિગતો અને જાગૃત નાગરિકોના આક્ષેપો મુજબ, માધાપરમાં બની રહેલા અનેક વાણિજ્ય ભવનોમાં સરકારી નીતિ-નિયમોને સદંતર નેવે મૂકી દેવામાં આવ્યા છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે ’ભાડા’ની હદમાં આવતા આ વિસ્તારમાં બાંધકામ માટેના કડક નિયમો છે, તેમ છતાં મુખ્ય રોડની બિલકુલ અડીને, માર્જિનની જગ્યા છોડ્યા વગર જંગી બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બાંધકામોના નકશા કઈ રીતે પાસ થયા? શું આ બાંધકામો શરૂ કરતા પૂર્વે સક્ષમ સત્તાધિકારી પાસેથી નિયમોનુસારની મંજૂરી મેળવવામાં આવી છે ખરી? જાણકારોનું માનવું છે કે અનેક કિસ્સાઓમાં મંજૂરી મળે તે પહેલા જ પાયા ખોદાઈ જાય છે અને સ્લેબ ભરાઈ જાય છે, ત્યારબાદ ભ્રષ્ટ તંત્ર સાથે ગોઠવણ કરી તેને વહીવટી મહોર લગાડવામાં આવે છે. આ એક પ્રકારની વ્યવસ્થિત લૂંટ છે જેમાં બિલ્ડર લોબી અને વહીવટી તંત્રના કેટલાક કાળા ઘેટાંઓ એકમેકના પૂરક બનીને કામ કરી રહ્યા છે.
માધાપરના મુખ્ય માર્ગો પર જે રીતે કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે તેની આસપાસ જૂની અને પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટીઓ આવેલી છે. નિયમ મુજબ રહેણાંક વિસ્તારની આસપાસ જ્યારે મોટું વાણિજ્યિક બાંધકામ થાય ત્યારે પાર્કિંગ, ફાયર સેફ્ટી અને રસ્તાની પહોળાઈના કડક ધોરણો પાળવા અનિવાર્ય છે. પરંતુ વાસ્તવિકતામાં અહીં બિલ્ડરોએ નફાની લાલચમાં એક-એક ઇંચ જમીનનો વ્યવસાયિક ઉપયોગ કરી લીધો છે. પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાને કારણે આગામી સમયમાં ગ્રાહકોના વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક થશે, જેનાથી માધાપરની ટ્રાફિક સમસ્યા ભયાનક સ્વરૂપ ધારણ કરશે તે નિશ્ચિત છે. આટલું જ નહીં, પ્રશ્ન એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું કરોડોના વહીવટમાં લોકોના જીવની કોઈ કિંમત નથી?
આ ખેલમાં રાજકીય વગ ધરાવતા તત્વોની ભૂમિકા પણ શંકાસ્પદ છે. મોટા ગજાના બિલ્ડરો પોતાની રાજકીય ઓળખાણ અને નાણાબળનો ઉપયોગ કરી વહીવટી તંત્ર પર દબાણ લાવતા હોય છે. નિષ્ઠાવાન અધિકારીઓ પણ ઘણીવાર આ રાજકીય દબાણ હેઠળ લાચાર બની જાય છે અથવા તો ’ઉદાસીનતા’નું ઓઢણ ઓઢીને બધું જ જોતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. માધાપરમાં જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મોકળું મેદાન મળ્યું છે તે જોતા લાગે છે કે અહીં કાયદાનું શાસન નહીં પણ ’માતબર’ લોકોનું શાસન ચાલે છે. પ્રોપર્ટીના વધતા ભાવ અને ભાડાની પાંચ આંકડાની રકમ જોઈને બિલ્ડર લોબી લાળ ટપકાવી રહી છે, જેમાં સામાન્ય જનતાના હિતોનું બલિદાન લેવાઈ રહ્યું છે. મધ્યમ વર્ગનો માણસ જે આજીવનની મૂડી ભેગી કરી એક નાનકડું ઘર કે દુકાન લેવાનું સ્વપ્ન જોતો હોય, તેને આ માયાજાળમાં ફસાવી દેવામાં આવે છે અને પાછળથી જ્યારે કાયદાકીય ગૂંચ ઉભી થાય ત્યારે બિલ્ડરો હાથ ઊંચા કરી લેતા હોય છે.
કચ્છના વહીવટી તંત્ર અને ખાસ કરીને ’ભાડા’ના સત્તાધીશોએ હવે જાગવાની જરૂર છે. જો અત્યારે જ આ બેફામ બાંધકામો પર લગામ નહીં કસવામાં આવે, તો એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ ટૂંક સમયમાં જ આડેધડ બાંધકામ અને ટ્રાફિક જામનો પર્યાય બની જશે. શું આ બાંધકામોના પાયામાં ભ્રષ્ટાચારનું સિમેન્ટ વપરાયું છે? શું આ પ્રોજેક્ટોની ઝીણવટભરી તપાસ થશે? જો ખરેખર નકશા અને સ્થળ સ્થિતિમાં તફાવત હોય તો તેવા બાંધકામો પર બુલડોઝર ફેરવવાની હિંમત તંત્ર બતાવશે? માધાપરની જનતા અને કચ્છના જાગૃત નાગરિકો અત્યારે આ સવાલોના જવાબ માંગી રહ્યા છે. તંત્રની ઉદાસીનતા અને બિલ્ડરોની ઉદ્ધતાઈ હવે સીમા વટાવી રહી છે, ત્યારે ઉચ્ચ કક્ષાએથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ તમામ પ્રોજેક્ટોની ફાઈલો તપાસવામાં આવે તે સમયની માંગ છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો માધાપરના આ ભવ્ય કોમ્પલેક્ષોની પાછળ રહેલા કૌભાંડના અનેક વરવા ચહેરાઓ બેનકાબ થઈ શકે તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM