Trending News
સ્થાનિક સમાચાર

શું નીતીનભાઈની ટકોર કચ્છમાં પણ રાજકિય શુદ્ધિકરણની કરાવશે શરૂઆત? : ટિકિટ વિતરણમાં જળવાશે આ વ્યવસ્થા?

01 April

મારો એ સારો નહીં, પણ સારો એ મારો’



નીતિનભાઈએ જ્યારે ‘સ્વચ્છ છબી’ અને ‘નિષ્ઠાવાન’ કાર્યકરની વાત કરી છે, ત્યારે કચ્છમાં સક્રિય એવા તત્વોમાં ફફડાટ ફેલાવો સ્વાભાવિક છે : જો ખરેખર ‘સારો એ મારો’ના મંત્ર પર ટિકિટ કપાશે, તો કચ્છના અનેક સ્થાપિત હિતો ધરાવતા રાજકારણીઓના પત્તા કપાઈ શકે છે.

ખાટલે મોટી ખોટ : શું મોટા ગજાના નેતાઓ પોતાના ‘માનીતા’ઓને બદલે ‘લાયક’ ઉમેદવારોને સ્વીકારશે? : કચ્છમાં સક્રિય સિન્ડિકેટ અને અમુક ભ્રષ્ટ તત્વો સામે ટિકિટ વિતરણમાં કડકાઈ વાપરવામાં આવશે? : શું ‘વિનિંગ ફેક્ટર’ અને ‘સ્વચ્છ છબી’ વચ્ચેના જંગમાં નીતિનભાઈનો મંત્ર વિજયી થશે ખરો?

જુઓ તો ખરા કેવી કમનશીબી કહેવાય..! અમુક ફોર્મ ભરનારા દાવેદારો તો નગરપાલિકાના સરનામા ગોતી રહ્યા છે..? પુછી રહ્યા છે કે, ફોર્મ ભરવુ છે, નગરપાલિકા આવી છે કયાં? હવે આવા નગરસેવકો બનશે તો એ નગરની શુ ભલાઈ કરવાના હતા?


ગાંધીધામ : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ૮૦ ટકા જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તાજેતરમાં જ આપેલું નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે. ‘મારો એ સારો નહિ, પણ સારો એ મારો’ આ સાત શબ્દોમાં તેમણે ટિકિટ વિતરણની જે ફિલોસોફી રજૂ કરી છે, તે જો ખરેખર અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના તેમજ કચ્છ જેવા સંવેદનશીલ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.રાજકીય તજજ્ઞોની જો વાત માનીએ તો લાંબા સમયથી રાજકારણમાં ‘પસંદગી-નાપસંદગી’ અને ‘જૂથવાદ’ એક કેન્સરની જેમ ફેલાયેલો છે. મોટા નેતાઓ પોતાના માનીતા અને ‘યસ મેન’ કાર્યકરોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે, ભલે પછી તે ઉમેદવારની છબી ખરડાયેલી હોય કે જનતામાં તેનો વિરોધ હોય. નીતિનભાઈનું આ વિધાન સીધો પ્રહાર છે એવા નેતાઓ પર જેઓ સક્ષમ કાર્યકરને બદલે વફાદાર (ચમચા) ને પ્રાધાન્ય આપે છે.કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે મોટો અને રાજકીય રીતે જટિલ છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણીવાર જ્ઞાતિવાદ અને જૂથવાદ હકિકત બનીને સામે આવે છે. નીતિનભાઈએ જ્યારે ‘સ્વચ્છ છબી’ અને ‘નિષ્ઠાવાન’ કાર્યકરની વાત કરી છે, ત્યારે કચ્છમાં સક્રિય એવા તત્વોમાં ફફડાટ ફેલાવો સ્વાભાવિક છે જેઓ સત્તાના જોરે પોતાના કાળા કારોબાર કે ભ્રષ્ટ વહીવટને છાવરવા માંગે છે. જો ખરેખર ‘સારો એ મારો’ના મંત્ર પર ટિકિટ કપાશે, તો કચ્છના અનેક સ્થાપિત હિતો ધરાવતા રાજકારણીઓના પત્તા કપાઈ શકે છે.


.........................

નીતીનભાઈનું નિવેદન સનિષ્ઠ કાર્યકર્તાઓ માટે છે આશાનનું નવું કિરણ


ગાંધીધામ :  નીતીનભાઈનું નિવેદન સનિષ્ઠ કાર્યકર્તાઓ માટે આશાનું એક કિરણ બન્યું છે. પરંતુ સવાલ એ છે કે શું પક્ષ આ મંત્રને પાયાના સ્તર સુધી અમલમાં મૂકી શકશે? ચૂંટણી જીતવા માટે ઘણીવાર ‘વિનિંગ કેન્ડિડેટ’ના નામે બાહુબલીઓ કે વિવાદાસ્પદ છબી ધરાવતા લોકોને છાવરવામાં આવે છે. વફાદાર અને નિષ્ઠાવાન કાર્યકર ઘણીવાર લડાઈમાં પાછળ રહી જતો હોય છે કારણ કે તેની પાસે ‘સાધન-સંપન્નતા’ હોતી નથી. નીતિનભાઈનો આ સંદેશ એવા પાયાના કાર્યકરો માટે આશાનું કિરણ છે જેઓ વર્ષોથી પક્ષની તરફેણમાં ઝંડા ઉઠાવે છે પણ ટિકિટના સમયે ‘ઉપરના કનેક્શન’ના અભાવે વંચિત રહી જાય છે.


........................

હવે જોવાનું એ રહેશે, કે આ મંત્ર કેટલો
રાજકિય બાંધછોડનો બનશે શિકાર.?



ગાંધીધામ : :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ લોકશાહીનો પાયો છે. જો પાયામાં જ ગેરરીતિ અને ખરાબ છબી ધરાવતા લોકો બેસશે, તો આખું માળખું ભ્રષ્ટ જ રહેશે. નીતિનભાઈ પટેલનું આ નિવેદન એક આદર્શ સ્થિતિનું નિર્માણ કરે છે. જો આગામી ચૂંટણીઓમાં ટિકિટ વિતરણ વખતે ખરેખર ગુણવત્તાને જ માપદંડ માનવામાં આવશે, તો તે માત્ર પક્ષ માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ-ગુજરાતના સુશાસન માટે એક ઐતિહાસિક કદમ સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે, ચૂંટણીના મેદાનમાં આ ‘મંત્ર’ કેટલો મજબૂત રહે છે અને કેટલો રાજકીય બાંધછોડનો શિકાર બને છે.

 

Comments

COMMENT / REPLY FROM