ભુજ નગરપાલિકાની વોર્ડ રચના અને મતદાર યાદી સામે ઉઠ્યો વિરોધ
સરેરાશ મતદારોની સંખ્યામાં મોટા તફાવત અને ભૌગોલિક વિસંગતતા મુદ્દે વાંધા અરજી કરાઈ રજૂ
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદી અને વોર્ડ વાઈઝ મતદારોની ફાળવણી સામે સ્થાનિક સ્તરેથી ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. ભુજના સામાજિક કાર્યકર સહેજાદ એ. સમા દ્વારા આ મામલે મતદાર નોંધણી અધિકારી, ભુજ નગરપાલિકા અને મામલતદારને એક વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ૨૩ માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભુજ નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડમાં ૧,૨૪,૫૦૫ મતદારોની વહેંચણી કરવામાં આવી છે, પરંતુ આ વહેંચણી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૬ હેઠળના નિયમો સાથે સુસંગત નથી.
અરજદારે આક્ષેપ કર્યો છે કે ૧૧ વોર્ડ પૈકી માત્ર ચાર વોર્ડમાં જ નિયમાનુસાર મતદારોની સંખ્યા રાખવામાં આવી છે, જ્યારે બાકીના સાત વોર્ડમાં મતદારોની સંખ્યા નિયમોથી તદ્દન વિપરીત અને અસંતુલિત છે. ગણતરી મુજબ કુલ મતદારોના આધારે દરેક વોર્ડમાં સરેરાશ ૧૧,૩૧૮ મતદારો હોવા જોઈએ, જેમાં નિયમ મુજબ ૧૦ ટકાનો વધારો કે ઘટાડો ગ્રાહ્ય રાખી શકાય. આ હિસાબે દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા ૧૦,૧૮૬ થી ૧૨,૪૪૯ ની વચ્ચે હોવી જોઈએ, પરંતુ વર્તમાન યાદીમાં વોર્ડ નંબર ૧ માં ૧૫,૩૩૭ અને વોર્ડ નંબર ૮ માં ૧૪,૫૬૪ જેટલા વધુ મતદારો છે, જ્યારે વોર્ડ નંબર ૪ માં ૭,૮૨૫ અને વોર્ડ નંબર ૯ માં ૭,૧૫૬ જેટલા ઓછા મતદારો ફાળવવામાં આવ્યા છે.
વધુમાં રજૂઆતમાં એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે વોર્ડની રચના કરતી વખતે ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી નથી. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય રીતે નકશા સાથે ભૌગોલિક સુસંગતતા જળવાય તે રીતે વોર્ડની પુનઃરચના કરવામાં આવે તો જ ન્યાયી ચૂંટણી પ્રક્રિયા શક્ય બનશે. આ સાથે અરજદારે એક ચોંકાવનારો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો છે કે પૂર્વ કલેક્ટર દિલીપ રાણા અને તેમના પરિવારના નામો હજુ પણ સ્થાનિક મતદાર યાદીમાં બોલી રહ્યા છે, જે વહીવટી તંત્રની ક્ષતિ સૂચવે છે. પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ યાદીમાં તાત્કાલિક સુધારો કરીને નિયમો મુજબ નવી યાદી જાહેર કરવા માંગ કરાઈ છે.
--------

Comments