Trending News
સ્થાનિક સમાચાર

મોથાળાના ડો. જીતેન્દ્ર અમલાણીને મળ્યો ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ

30 March



ત્રણ દાયકાથી વધુની નિષ્ઠાભરી સેવા માટે રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ સન્માન

ભુજ - કચ્છઉદય : મોથાળા ગામના વતની અને ભાનુશાલી સમાજના ગૌરવ, રાજકોટ સ્થિત યુરોકેર હોસ્પિટલના સ્થાપક અને વરિષ્ઠ યુરોલોજિસ્ટ ડૉ. જીતેન્દ્ર અમલાણીને રાજ્ય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આરોગ્ય ક્ષેત્રમાં તેમના અનન્ય યોગદાન અને ત્રણ દાયકાથી વધુ સમયથી આપવામાં આવતી નિષ્ઠાભરી સેવાઓ બદલ તેમને પ્રતિષ્ઠિત ગુજરાત આરોગ્ય સંભાળ શ્રેષ્ઠતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
એવોર્ડ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જે સમાજ માટે વિશેષ કાર્ય કરનાર ડૉક્ટરો અને હોસ્પિટલોને સન્માનિત કરે છે. સન્માન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા પ્રખ્યાત સામાજિક આગેવાન દેશમુખદાદાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દેશમુખદાદાએ કચ્છને આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા સુવર્ણ ધામ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જે કચ્છ માટે ગૌરવની બાબત છે. ડૉ. જીતેન્દ્ર અમલાણી છેલ્લા ૩૦ વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સતત સેવા આપી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ મફત યુરોલોજી કેમ્પો યોજ્યા છે અને એક લાખથી વધુ દર્દીઓને મફત અથવા ઓછી કિંમતમાં સારવાર આપી છે. ઉપરાંત ૨૦,૦૦૦થી વધુ જટિલ યુરોલોજીકલ સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. યુરોકેર કિડની હોસ્પિટલ રોબોટિક એન્ડ લેઝર સેન્ટર, રાજકોટના સ્થાપક તરીકે તેઓ માત્ર એક તબીબ નહીં પરંતુ દર્દીઓ માટે વિશ્વાસ અને સહાનુભૂતિનું પ્રતિક બની ગયા છે.
સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડૉ. જીતેન્દ્ર અમલાણી એ જણાવ્યું કે, દર્દીની પીડા દૂર કરવી એ જ મારી સાચી સેવા છે. કચ્છ સહિત કોઈપણ વિસ્તારનો દર્દી સારવારથી વંચિત ન રહે એ જ મારો સંકલ્પ છે. ડૉ. જીતેન્દ્ર અમલાણીને મળેલ આ ગૌરવપૂર્ણ સન્માનથી કચ્છ અને મોથાળા ગામ અને ભાનુશાલીસમાજમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી છે.
----

Comments

COMMENT / REPLY FROM