Trending News
સ્થાનિક સમાચાર

રાજ્યના વન વિભાગમાં મોટા પાયે આંતરિક બદલીઓ અને નિમણૂંકનો દોર

30 March


વન વિભાગના ૧૩૧ અધિકારીઓની બદલી : કચ્છમાં પણ ધરખમ ફેરફાર 

ગાંધીનગર : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-૨ સંવર્ગના કુલ ૧૩૧ પરિક્ષેત્ર વન અધિકારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ ફેરફારો તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યા છે. આ આદેશોમાં કચ્છ જિલ્લામાં કાર્યરત અનેક અધિકારીઓની અન્યત્ર બદલી કરવામાં આવી છે તેમજ રાજ્યના વિવિધ ભાગોમાંથી નવા અનુભવી અધિકારીઓને કચ્છમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કચ્છ જિલ્લાના વન વિભાગના માળખામાં થયેલા ફેરફારોની વિગતો મુજબ ઈશ્વરલાલ જખુભાઈ મહેશ્વરીને નખત્રાણા વિસ્તરણ રેંજમાંથી બદલી કરીને ભીરંડીયારા બન્ની ખાતે મૂકવામાં આવ્યા છે.  તેવી જ રીતે ભુજ વિસ્તરણ રેંજમાં ફરજ બજાવતા રાહુલભાઈ જશુભાઈ દેસાઈની બદલી રાપર ઉત્તર વન્યજીવ રેંજમાં કરવામાં આવી છે. મુંદરા વિસ્તરણ રેંજમાં વિજયકુમાર ચંદ્રકાંત મોદીની નિમણૂંક નખત્રાણા પશ્ચિમ રેંજમાં કરવામાં આવી છે. અંજાર વિસ્તરણ રેંજમાં કાર્યરત પ્રવિણચંદ્ર મેઘજી જાદવને હવે સરગુ ભુજ બન્ની રેંજની જવાબદારી સોંપાઈ છે, જ્યારે ભચાઉ વિસ્તરણ રેંજમાંથી મોહનભાઈ લાલભાઈ કોદરાવીને માંડવી વિસ્તરણ રેંજમાં બદલી અપાઈ છે.
આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ અધિકારીઓ કચ્છમાં નિયુક્ત થયા છે જેમાં વઘઇ સો મીલ, ડાંગથી સંદિપકુમાર રાયસંગભાઈ ચૌધરીને મુંદ્રા વિસ્તરણ રેંજમાં અને પાટણ સામાજિક વનીકરણ હેઠળના સિધ્ધપુરથી ભાવેશકુમાર અરજણભાઈ સિંધવને પણ કચ્છમાં નિમણૂંક આપવામાં આવી છે. કચ્છ પૂર્વ વિભાગમાં મુંદરા રેંજમાં ફરજ બજાવતા હંશાબેન હાજાભાઈ આલની ભુજ વિસ્તરણ રેંજમાં અને ભુજ ઉત્તર રેંજમાં કાર્યરત આર.ડી. ગઢવીની નખત્રાણા વિસ્તરણ રેંજમાં બદલી કરવામાં આવી છે. બન્ની વિસ્તારમાં પણ આંતરિક ફેરફાર હેઠળ ગણપતલાલ માવજીભાઈ પટેલને સરાડો ભુજથી બરડો નખત્રાણા ખાતે અને મહેન્દ્રકુમાર હવનજી સોલંકીને ભીરંડીયારાથી સરાડો ભુજ રેંજમાં મૂકવામાં આવ્યા છે. 
બીજી તરફ કચ્છમાં કાર્યરત જયાબેન સવજીભાઈ ચૌધરી, મહિપતસિંહ ઈશ્વરસિંહ ચાવડા, ભરતભાઈ નારણભાઈ દેસાઈ, ધવલકુમાર ભરતભાઈ દેસાઈ, વનરાજસિંહ વિક્રમસિંહ બિહોલા, અજુભા હઠીસિંહ સોલંકી, કનકસિંહ મનુભાઈ રાઠોડ, કે.બી. ભરવાડ અને રમેશભાઈ મેણસીભાઈ પંપાણીયા જેવા અધિકારીઓની કચ્છ બહાર સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM