Trending News
સ્થાનિક સમાચાર

ભુજ કોર્ટને મહિનામાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની પોકળ ધમકી

30 March



મહિનામાં ચોથી વખત સરકારી કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી : બપોરે કોર્ટ સંકુલમાં ઈ-મેઈલ આવતા સંકુલ ખાલી કરાવાયુ : તપાસમાં કંઈ ન મળતા તંત્રે રાહતનો શ્વાસ લીધો

ભુજ - કચ્છઉદય : સરહદી જિલ્લાના વડામથક ભુજમાં છેલ્લા એક મહિનાથી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ૩૦ માર્ચના કોર્ટ ખુલતાની સાથે જ બપોરના સમયે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સમગ્ર તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, સઘન તપાસના અંતે આ ધમકી પણ પોકળ સાબિત થઈ છે.શનિ-રવિની રજાઓ બાદ સોમવારે ભુજ કોર્ટ શરૂ થઈ હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો અને વકીલોની અવરજવર હતી. બપોરના સમયે અચાનક કોર્ટને ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. ભુજમાં છેલ્લા મહિનામાં આ ચોથી ઘટના છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી ગઈ છે.  અગાઉ ૨૭ ફેબ્રુઆરીએ ભુજ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી હતી બાદમાં ૫ માર્ચના ભુજ કોર્ટને ઉડાવી દેવાની પ્રથમ ધમકી મળી હતી. ૧૦ માર્ચના ફરી એકવાર પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈ-મેઈલ મોકલાયો હતો અને હવે ૩૦ માર્ચના ફરી ભુજ કોર્ટને નિશાન બનાવી ગભરાટ ફેલાવાયો હતો. વારંવાર મળતી આ પોકળ ધમકીઓના કારણે પોલીસ તંત્રની શ્રમ શક્તિ અને જનતાનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે. કોર્ટની કાર્યવાહી ખોરવાતા સેંકડો અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિક લોકોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે, ઈ-મેઈલ મોકલનાર તત્વોને સત્વરે શોધીને તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે જેથી આવા તત્વો પર લગામ લગાવી શકાય. 

Comments

COMMENT / REPLY FROM