Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના નેશનલ હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય છતાં ટોલમાં વધારો 

30 March


આવતીકાલે મધ્યરાત્રીથી વાહનચાલકોના ખિસ્સા પર પડશે વધારાનો ફટકો : કુકમા, વરસામેડી, સુરજબારી અને ભીરંડિયારા ટોલનાકા પર ૩ થી ૫ ટકાનો ભાવવધારો ઝીંકાયો : રિટર્ન મુસાફરી અને માસિક પાસના દરો પણ વધ્યા

ભુજ - કચ્છ ઉદય : સરહદી જિલ્લા કચ્છમાં નેશનલ હાઈવેની હાલત અત્યંત બિસ્માર હોવા છતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા વાહનચાલકો પર ટોલ ટેક્સનો વધુ એક બોજ લાદવામાં આવ્યો છે. આવતીકાલે મધ્યરાત્રી એટલે કે ૧લી એપ્રિલ ૨૦૨૬ની મધ્યરાત્રિથી કચ્છના ચાર મહત્વના ટોલનાકા પર નવા સુધારેલા દરો લાગુ કરવામાં આવશે. આ ભાવવધારો એવા સમયે આવ્યો છે જ્યારે કચ્છના હાઈવે પર વાહનચાલકો સુવિધાના નામે માત્ર ખાડા મેળવી રહ્યા છે. નવા જાહેરનામા મુજબ સુરજબારી, વરસામેડી (ગાંધીધામ), કુકમા (ભુજ-અંજાર) અને ભીરંડિયારા (ખાવડા રોડ) ખાતે સરેરાશ ૩ થી ૫ ટકાનો વધારો કરાયો છે.
આ ભાવ વધારાના પગલે નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે નેશનલ હાઇવે માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ ધરાવે છે, રસ્તાની મરામતમાં નહીં. અંજાર-ભુજ હાઈવે હોય કે ગાંધીધામ તરફનો માર્ગ, મોટા મોટા ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીનેભચાઉ-ગાંધીધામ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તીનું મોત થાય છે. ભુજ - અંજાર હાઈવે પર ટોલ વસૂલવાનું શરૂ કરાયું છે પરંતુ ભુજથી શેખપીર સુધી રસ્તાનું કામ થયું નથી. કુકમા ટોલનાકે અવાર-નવાર ઘર્ષણ થાય છે. આ રસ્તો ગામડાઓમાંથી પસાર થતો હોવાથી સ્થાનિક લોકોને ટોલ ચૂકવવા બાબતે અવાર-નવાર બોલાચાલી પણ થઈ છે. આ રસ્તો ૧૧૦૦ કરોડના ખર્ચે બન્યો હોવાનું કહેવાય છે પરંતુ વર્ષમાં ખાડા પડી જતા થીગડા મારવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વનવે કરતા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. થીગડા રોડ પર વસૂલાતા ટોલ ટેક્સ મામલે લોકોમાં નારાજગી છે. આ સીવાય ભુજ - ખાવડા હાઈવે પર ડબલ પટ્ટી રોડ ક્ષમતા કરતા વધુ ભારે વાહનો દોડવાના કારણે રસ્તો ખખડધજ બની ગયો છે છતા ટોલ વસૂલવામાં આવે છે. હાઈવે પર ઈમરજન્સી હેલ્પલાઈન, એમ્બ્યુલન્સ કે પેટ્રોલિંગ વાહનો ભાગ્યે જ જોવા મળે છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગના અભાવે વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરે છે. દર વર્ષે ૧લી એપ્રિલે ભાવ વધારી દેવાય છે, પણ રસ્તાની ગુણવત્તામાં કોઈ સુધારો થતો નથી. ખાડાવાળા માર્ગ પર ચાલવા માટે વધારાનો ટેક્સ ચૂકવવો તે જનતા સાથે અન્યાય છે.


.........................

જાણો ટોલનાકા પર થયેલો ભાવ વધારો 


સુરજબારી ટોલપ્લાઝા : કચ્છના પ્રવેશદ્વાર સમાન આ ટોલ પર હવે કાર/જીપ માટે સિંગલ ફેરીના ૧૦૦ રૂપિયા અને રિટર્નના ૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય લાઈટ કોમર્શીયલના સિંગલ મુસાફરી માટે ૧૬૦, જ્યારે રિટર્નના ર૪૦, ટ્રક / બસમાં સિંગલ માટે ૩૩પ અને રિટર્ન મુસાફરી માટે પ૦૦ રૂપિયા ચૂકવવા પડશે. માાસિક પાસ નોન કોમર્શીયલ વાહનો માટે ર૦ કિ.મી.ની મર્યાદામાં લાગુ પડશે. 
કુકમા ટોલપ્લાઝાઃ ભુજ-અંજાર વચ્ચેના આ વ્યસ્ત માર્ગ પર કાર માટે સિંગલ ફેરીના ૬૦ અને રિટર્નના ૯૦ રૂપિયા નક્કી કરાયા છે. જ્યારે બસ/ટ્રકના સિંગલ ફેરાના ર૦પ અને રિટર્નમાં ૩૦પ ચૂકવવા પડશે. 
વરસામેડી ટોલપ્લાઝાઃ ભુજ - અંજાર નેશનલ હાઈવેના જ ગાંધીધામ પાસેના આ પ્લાઝા પર કાર માટે ૫૦ (સિંગલ) અને ૭૫ (રિટર્ન) દર રહેશે. જ્યારે લાઈટ કોમર્શીયલ/ મિનિ બસમાં સિંગલ મુસાફરી માટે ૮૦ રિટર્ન માટે ૧ર૦ જ્યારે બસ/ટ્રકના સિંગલ ફેરાના ૧૬પ અને રિટર્નમાં ર૪પ ચૂકવવા પડશે. 
 ભીરંડિયારા ટોલપ્લાઝાઃ ટૂરિઝમ અને સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વના આ માર્ગ પર કાર માટે ૯૦ (સિંગલ) અને ૧૪૦ (રિટર્ન) રૂપિયા વસૂલાશે. જ્યારે લાઈટ કોમર્શીયલ, લાઈટ ગુર્ડસ અથવા મિનિબસ માટે સિંગલ મુસાફરી ૧પ૦, એક દિવસમાં રિટર્નના રરપ, બસ અથવા ટ્રક માટે સિંગલ મુસાફરી માટે ૩૧૦, રિટર્ન મુસાફરી ૪૭૦, હેવી વાહનોમાં સિંગલ મુસાફરી ૪૯૦, ડબલ મુસાફરીના ૭૩પ તેમજ સાતથી વધારે એક્સલના મોટા વાહનો માટે સિંગલ મુસાફરી પ૯પ જ્યારે દિવસમાં રિટર્ન મુસાફરી ૮૯પ ચૂકવવા પડશે. 


.....................


કોમર્શિયલ વાહનો અને ટ્રાન્સપોર્ટરો પર ભાવ વધારાની અસર

યુદ્ધના કારણે એકતરફ માલ પરિવહન મોંઘું થયું છે ત્યારે ટોલ ટેક્સમાં પણ વધારો કરાયો છે. આ ટોલ વધારાને કારણે માત્ર ખાનગી ગાડીઓ જ નહીં, પણ ટ્રક અને ટ્રેલર જેવા મોટા વાહનોના દરમાં પણ મોટો વધારો થયો છે. ૩-એક્સલ અને તેથી મોટા વાહનો માટેના દરોમાં ધરખમ ફેરફાર થતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર તેની સીધી અસર પડશે, જે અંતે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારામાં પરિણમી શકે છે.ેસ્થાનિક ૨૦ કિમીની ત્રિજ્યામાં રહેતા લોકો માટે રજિસ્ટર્ડ વાહનો પર રાહત દરના પાસની સુવિધા તો છે, પરંતુ હજારો પરપ્રાંતિય પ્રવાસીઓ અને ટ્રક ચાલકો માટે કચ્છની સફર હવે વધુ મોંઘી અને જોખમી બનશે તે નક્કી છે.

Comments

COMMENT / REPLY FROM