Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ખાનગી શાળાઓને વાલીઓના ખિસ્સા ખંખેરવાનો પરવાનો મળ્યો ?

30 March



ગાંધીધામની ડીપીએસ સ્કૂલે ફી વધારો કરતા વાલીઓએ કરેલા હલ્લાબોલથી મામલો ફરી ચર્ચામાં : સ્ટેટ્‌સ સિમ્બોલમાં ખાનગી શાળામાં પ્રવેશ તો અપાવાય છે પણ દર વર્ષે લાખોના ખર્ચાએ બજેટ ખોરવી નાખ્યા : સ્કુલ સાથે કપડા, જુતા, બુક સહિત અનેક વસ્તુઓના ભાવ વધારાનો માલ વાલીઓ પણ પડી રહ્યો છે ઉપર સ્કુલ પણ (રેગ્યુલેશન ઓફ ફીઝ) આરએફસીનો નિયમોનું પાલન કરતી હોય તેવું દેખાતું નથી... અને જિલ્લા અને રાજ્યના સરકારી તંત્ર સબ સલામતનો ભણકા ફેકે છે....


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો એક સમયે તેની શાંતિ અને સાદગી માટે જાણીતો હતો, પરંતુ ઔદ્યોગિકીકરણ અને બંદરોના વિકાસ સાથે અહીં શિક્ષણનું વ્યાપારીકરણ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ગાંધીધામની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા ફીમાં કરવામાં આવેલા ૧૨% થી ૨૨% ના તોતિંગ વધારા અને ટેકનોલોજી ફી ના નામે વધારાના બોજ સામે વાલીઓએ રણશિંગું ફૂંક્યું છે. વાલીઓના મતે, આ માત્ર ફી વધારો નથી, પણ મધ્યમ વર્ગના ખિસ્સા પર કરવામાં આવેલી ’ઉઘાડી લૂંટ’ છે. આ ઘટના પછી કચ્છની અમુક શાળાઓ ફી વધારો કરી નાખ્યો છે તો બીજી અનેક શાળાઓ વિચારી રહી છે .. જેની વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે તેમના સંતાનો જે શાળામાં ભણે છે ત્યાં પણ વધારો લાગુ નહીં થાય ને તે ચિંતાએ વાલીઓ દોડતા થયા છે.એક અંદાજ મુજબ સમગ્ર કચ્છમાં અત્યારે ૫૦૦ થી વધુ ખાનગી શાળાઓ ધમધમી રહી છે. ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, અંજાર અને ભચાઉ જેવા શહેરોમાં ખાસ કરીને સીબીએસઈ અને ગુજરાતના અંગ્રેજી બોર્ડના નામે વાલીઓ પાસેથી મસમોટી રકમો વસૂલવામાં આવે છે  સ્કૂલ ફી સિવાય એડમિશન ફી, લાઈબ્રેરી, લેબોરેટરી, રમત-ગમત અને પરિવહનના નામે અલગ-અલગ હેડ હેઠળ લાખો રૂપિયા ખંખેરવામાં આવે છે. સરકારના નિયમો હોવા છતાં, શાળાઓ એવું સેટિંગ કરે છે કે વાલીઓએ ફરજિયાતપણે શાળા કહે ત્યાંથી જ મોંઘા પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા પડે છે. 
એક તરફ વાલીઓ પાસેથી લાખ-લાખ રૂપિયા તો ક્યાય તેનીથી વધુ ફી વસૂલવામાં આવે છે, તો બીજી તરફ શિક્ષકોનું શોષણ થાય છે. સરકારી શાળામાં શિક્ષકને ૫૦,૦૦૦ થી વધુ પગાર મળે છે, જ્યારે આ લક્ઝરી ખાનગી શાળાઓમાં શિક્ષકોને માત્ર ૧૫ થી ૨૦ હજારમાં રાખવામાં આવે છે. ઘણા શિક્ષકો તો માત્ર ૧૨ પાસ કે ગ્રેજ્યુએટ હોય છે, જેમની પાસે જરૂરી જેવી ડિગ્રી પણ હોતી નથી. જ્યારે શિક્ષક જ આર્થિક રીતે સંતુષ્ટ કે યોગ્ય રીતે લાયક ન હોય, ત્યારે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવો ન્યાય કરશે તે મોટો પ્રશ્ન છે. આજે નર્સરી કે ધોરણ-૧ માં બાળકને બેસાડતા પહેલા વાલીએ લાખ રૂપિયાનું બજેટ વિચારવું પડે છે. સરકારી શાળાઓ પ્રત્યેનો મોહભંગ અને સ્ટેટસ સિમ્બોલ માટે ખાનગી શાળાઓ તરફની દોટ આ લૂંટ માટે જવાબદાર છે.આરટીઇમાં પણ લાગવગના આક્ષેપો ઉઠતા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઝેર સમાન મોંઘું બન્યું છે. જો તંત્ર જાગશે નહીં, તો આગામી સમયમાં શિક્ષણ માત્ર ધનિકોની જ જાગીર બની રહેશે.


................

જાણો, ગુજરાતમાં ફીના નિયમો 


ગુજરાત સરકારે ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે ગુજરાત સેલ્ફ-ફાઇનાન્સ્ડ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ, ૨૦૧૭ અમલમાં મૂક્યો છે. સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અમુક ફી મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં સમયાંતરે સુધારા થાય છે જો કોઈ શાળા આ મર્યાદાથી વધુ ફી લેવા માંગતી હોય, તો તેણે એફઆરસી પાસે દરખાસ્ત મૂકી મંજૂરી લેવી પડે છે. શાળા એડમિશન ફીના નામે એક મહિનાની ટ્યુશન ફીથી વધુ રકમ ન લઈ શકે. કોઈપણ શાળા વાલીને ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો, સ્ટેશનરી કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરી શકતી નથી. આવું કરવું એ કાયદાકીય ગુનો છે. ડિજિટલ લર્નિંગ કે અન્ય ટેકનોલોજીના નામે મનસ્વી ચાર્જ વસૂલવો નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે.જો કોઈ શાળા નિયમ કરતા વધુ ફી માંગે અથવા પજવણી કરે, તો વાલીઓ એફઆરસીને લેખિત ફરિયાદ કરી શકે છે.કચ્છ માટે રાજકોટ ઝોન લાગુ પડે છે ફી રેગ્યુલેટરી કમિટીને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી શકાય છે ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકાય છે. સ્થાનિક કક્ષાએ ભુજમાં આવેલી ડીઇઓ કચેરીએ જઈને લેખિત રજૂઆત કરી શકાય છે. 

Comments

COMMENT / REPLY FROM