Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ચાંદીના રોકાણકારોના હાલ બેહાલઃ ભાવમાં ગાબડું પડતા કરોડોનું ધોવાણ

30 March


ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ યુદ્ધની અસરે ચાંદીના ભાવ તળિયે બેઠા : ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી,અબડાસા, નખત્રાણા સહિત વાગડની અમુક પેઢીઓની મોટી નુકશાની : હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં સોના-ચાંદી અને શેરબજાર સહિત અનેક સટ્ટાના કારણે અમુક પેઢીઓ કાચી પડી 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો પોતાની કળા અને સંસ્કૃતિની સાથે ચાંદીના અનોખા વ્યાપાર માટે પણ વિશ્વભરમાં જાણીતો છે. અહીંની ચાંદીની ખાસિયત એ છે કે તે લાંબા સમય સુધી કાળી પડતી નથી, જેના કારણે દેશ-વિદેશમાં તેની ભારે માંગ રહે છે. જોકે, તાજેતરમાં સોના-ચાંદી, શેરબજાર સહિત અમુક સટ્ટા બજારમાં આવેલી ભારે અસ્થિરતાએ કચ્છના રોકાણકારોને મોટો ફટકો માર્યો છે. ખાસ કરીને શેરબજાર અને કોમોડિટી બજારમાં સક્રિય રહેતા અનેક લોકોએ ચાંદીમાં મોટાપાયે રોકાણ કર્યું હતું, જે હવે યુદ્ધની વૈશ્વિક અસરોને કારણે જોખમમાં મુકાઈ ગયું છે.તાજેતરના સમયમાં ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી. બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ત્રણ લાખ રૂપિયાની આસપાસ આંબી ગયો હતો, જેને જોઈને અનેક રોકાણકારોએ હજી વધુ ભાવ વધશે તેવી 
આશાએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. તે સમયે બજારમાં તેજીનો માહોલ હોવાથી લોકોએ ઉંચા ભાવે ચાંદીની ખરીદી કરી હતી. પરંતુ અચાનક બદલાયેલા વૈશ્વિક સંજોગો અને યુદ્ધની પરિસ્થિતિએ આ ગણિતો ઊંધા પાડી દીધા છે.
યુદ્ધની અસરને કારણે વૈશ્વિક શેરબજારો અને કોમોડિટી માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેને પગલે ચાંદીના ભાવમાં અણધાર્યો અને મોટો ઘટાડો નોંધાયો છે. જે ચાંદી ત્રણ લાખની સપાટીએ હતી, તેના ભાવમાં રાતોરાત ગાબડા પડવા માંડ્યા હતા. હાલમાં બજારનો ભાવ ૨.૩૨ લાખ છે ઉંચા ભાવે રોકાણ કરનારા રોકાણકારો માટે આ સ્થિતિ અત્યંત કપરી સાબિત થઈ રહી છે, કારણ કે તેમના રોકાણનું મૂલ્ય ખૂબ જ ઘટી ગયું છે. કચ્છમાં ચાંદી માત્ર ઘરેણાં પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એક મજબૂત રોકાણનું માધ્યમ માનવામાં આવે છે. પરંતુ હાલમાં ચાંદીએ જે રીતે રોકાણકારોને નવડાવ્યા છે, તેનાથી બજારમાં સોપો પડી ગયો છે. નાના રોકાણકારોથી લઈને મોટા વેપારીઓ અત્યારે ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અનિશ્ચિતતાના માહોલમાં ટૂંકા ગાળામાં કોઈ મોટી તેજીની શક્યતા દેખાતી નથી. આમ, કચ્છમાં ચાંદીના ચળકાટ પાછળ અત્યારે રોકાણકારોની આર્થિક વેદના છુપાયેલી જોવા મળી રહી છે. 

 

Comments

COMMENT / REPLY FROM