દીનદયાલ પોર્ટ કંડલાની ઐતિહાસિક સિદ્ધિઃ મધદરિયે LPG સફળ ‘શિપ-ટુ-શિપ ટ્રાન્સફર’ ચેરમેન સુશીલકુમારસિંગની કામગીરી પ્રશંસનીય
ગાંધીધામ :દીનદયાલ પોર્ટ ઓથોરિટી એ ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા સાબિત કરતા મધદરિયે અત્યંત જટિલ ગણાતું શિપ-ટુ-શિપ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતની ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંડલા પોર્ટ પ્રશાસને લીધેલા આ આક્રમક અને સકારાત્મક પગલા બદલ ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંગ અને તેમની સમગ્ર ટીમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. LPG જથ્થો લઈને આવેલા ‘ડોટર વેસલ’ MT ROSE GAS માં કુલ ૧૭,૫૯૮.૫૨૪ મેટ્રિક ટન કાર્ગો લોડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન માત્ર વિશાળ જથ્થા માટે જ નહીં, પણ તેની ઝડપ માટે પણ નોંધપાત્ર રહ્યું છે. વિગતો મુજબ, આ STS ઓપરેશન તારીખ ૨૮મીએ ૧૫ઃ૪૮ કલાકે શરૂ કરવામાં આવ્યું હતું અને ૨૯મીએ સવારે ૦૭ઃ૩૦ કલાકે અત્યંત સુરક્ષિત રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં આટલા મોટા જથ્થાનું ટ્રાન્સફર એ ટેકનિકલ કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે.દીનદયાલ પોર્ટના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંગના નેતૃત્વમાં પોર્ટ પ્રશાસન હાલમાં જે રીતે પ્રો-એક્ટિવ કામગીરી કરી રહ્યું છે, તેનાથી પોર્ટની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થયો છે. ખાસ કરીને જ્યારે ખાડી દેશોમાં તણાવની સ્થિતિ છે, ત્યારે ભારત આવતા ગેસના જહાજોને ઝડપથી અને સુરક્ષિત રીતે ખાલી કરી દેશના બજારમાં પુરવઠો પહોંચાડવો અનિવાર્ય છે. શ્રી સુશીલ કુમારની ટીમે જે રીતે પ્લાનિંગ અને એક્ઝિક્યુશન કર્યું છે, તેનાથી શિપિંગ ઉદ્યોગમાં કંડલા પોર્ટનું કદ વધુ ઊંચું આવ્યું છે.આ સફળ ઓપરેશનથી માત્ર સમયની બચત નથી થઈ, પરંતુ પોર્ટની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. સ્થાનિક બજારમાં LPG અછત ન સર્જાય તે માટે DPA દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કાર્યવાહી ખરેખર અભિનંદનને પાત્ર છે. પોર્ટ યુઝર્સ અને શિપિંગ એજન્ટોએ પણ ચેરમેનની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું છે કે, આવી ટીમલી અને પારદર્શક કામગીરીને કારણે જ દીનદયાલ પોર્ટ દેશના અગ્રેસરપોર્ટ તરીકે પોતાની નામના જાળવી શક્યું છે.

Comments