કચ્છના સરપંચ કે તલાટીની ગેરરીતિઓ પર લાગશે લગામ
ગ્રામીણ વિકાસમાં પારદર્શિતાનો નવો યુગ : પંચાયતની ગ્રાન્ટ અને કામોની વિગતો હવે આંગળીના ટેરવે : ઈ-ગ્રામ સ્વરાજ એપના માધ્યમથી કચ્છી માડુઓ ઘરે બેઠા જાણી શકશે પોતાના ગામના વિકાસના કામોનો હિસાબ
ભુજ - કચ્છઉદય : કચ્છના અંતરિયાળ ગામડાઓના વિકાસ માટે આવતી સરકારી ગ્રાન્ટ અને વિકાસના કામોમાં હવે કોઈ પણ પ્રકારની ગોલમાલ કરવી સરપંચો કે પંચાયતના પ્રતિનિધિઓ માટે મુશ્કેલ બનશે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કાર્યરત કરવામાં આવેલી ઈ-ગ્રામ સ્વરાજ એપ હવે કચ્છના જાગૃત નાગરિકો માટે એક સબળ હથિયાર સાબિત થઈ રહી છે. અત્યાર સુધી સરહદી જિલ્લાના અનેક ગામોમાં પંચાયતના કામો કે ગ્રાન્ટના વપરાશ બાબતે સામાન્ય જનતા અજાણ રહેતી હતી, પરંતુ આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી હવે ભુજથી માંડીને લખપત અને અબડાસાથી માંડીને રાપર સુધીના તમામ ગામોના નાગરિકો પોતાની પંચાયતનો રિપોર્ટ કાર્ડ મોબાઈલ પર જ જોઈ શકશે.આ ટેકનોલોજીના માધ્યમથી કચ્છની ગ્રામ પંચાયતોમાં આવતી નાણાકીય સહાય, મંજૂર થયેલા રસ્તા, ગટર કે લાઈટ જેવા વિકાસના કામો અને તેના પાછળ થયેલા વાસ્તવિક ખર્ચની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે. ગ્રામીણ વાચકો પ્લે સ્ટોર પરથી ઈ-ગ્રામ સ્વરાજ એપ ડાઉનલોડ કરી, તેમાં ગુજરાત રાજ્ય અને ત્યારબાદ કચ્છ જિલ્લો પસંદ કરી પોતાના તાલુકા અને ગામની સંપૂર્ણ વિગત મેળવી શકે છે. આ એપમાં વર્ષ ૨૦૨૫-૨૬ના ચાલુ નાણાકીય વર્ષ સહિતના પાછલા વર્ષોના હિસાબો પણ જોઈ કચ્છના સરપંચશકાય છે, જેમાં પંચાયતના ચૂંટાયેલા સભ્યોની યાદીથી લઈ પ્રગતિ હેઠળના કામોની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે.કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે, ત્યાં આ પારદર્શક સિસ્ટમ સીમાવર્તી વિસ્તારોના વિકાસને વેગ આપશે. હવે ગામના ચોરા કે ગ્રામ પંચાયતની કચેરીએ ધક્કા ખાધા વગર કે કોઈની પાસે વિગતો માંગ્યા વગર પણ જાગૃત કચ્છીઓ જાણી શકશે કે તેમના ગામ માટે આવેલી ગ્રાન્ટનો સદુપયોગ થયો છે કે કેમ. આ સુવિધાના કારણે પંચાયતના વહીવટમાં જવાબદારી વધશે અને છેવાડાના માનવી સુધી લોકશાહીના સાચા મૂલ્યો પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Comments