ગાંધીધામમાં ૧.૭૪ કરોડનું પેમેન્ટ પોતાની પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી
ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં બે ભાઈઓ સામે ફોજદારી
ગાંધીધામ : સંકુલમાં આર્થિક ગુનાખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે સગા ભાઈઓએ મળીને એક ખાનગી કંપની સાથે ૧.૭૪ કરોડનો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ ગાંધીધામના સુભાષનગરમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા દીપકભાઈ મનુજાએ અભિષેક બ્રિજેન્દ્ર શર્મા અને રિષભ બ્રિજેન્દ્ર શર્મા નામના બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની કંપની ગ્લોબલ ટ્રેડ કન્સલ્ટન્સીમાં નોકરી કરતા આરોપીઓએ મુંબઈની હેક્સાનોક્સ ઈન્ટરનેશનલ કંપનીનું અંદાજે ૧ કરોડ ૭૪ લાખ ૫૦ હજાર રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું હતું. જોકે આ રકમ મૂળ કંપનીને આપવાને બદલે બંને ભાઈઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને પોતાના અંગત ફાયદા માટે પોતાની માલિકીની રિશભ એન્ટરપ્રાઈઝના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આમ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments