Trending News
સ્થાનિક સમાચાર

અંજાર નગરપાલિકામાં ‘અંધેર નગરીને ગંડુ રાજા’ઃ શું અંજારમાં ટેન્ડર પ્રક્રિયા માત્ર કાગળ પર ?

28 March

ઇન્ચાર્જ ચીફ ઓફિસરના કાર્યકાળ વાળા ટેન્ડરોની વર્તમાન નિમાયેલા વહીવટદારો કરાવે ક્રોસ ચકાસણી? ઈન્ચાર્ઝ ચેરમેનની ગેરહાજરીમાં વહીવટ કેટલો વકર્યો હતો તેનો થશે ખુલાસો  : ટેન્ડર પ્રક્રિયામાં ‘ગોઠવણ’ અને સીધા કામોની બૂમ

ટેન્ડર પ્રક્રિયા વિના જ વિકાસકામોના નામે લાખોના આંધણની ચર્ચાઃ ‘સાહેબ’ એ ફોન ઉપાડયો ન હતો, જ્યારે પ્રમુખ પારદર્શિતાના દાવા કરે છે  :   અંજાર પાલિકાના લાલિયાવાડીવાળા વહીવટથીથી પ્રજામાં રોષ


ગાંધીધામ : કચ્છના મહત્વના ગણાતા અંજાર શહેરનો નગરપાલિકા વહીવટ અત્યારે જાણે ‘ભગવાન ભરોસે’ હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી હોવાનુ શહેરીજનોમાં ચર્ચાવવા પામી રહ્યુ છે. મુખ્ય કારોબારી અધિકારી (ચીફ ઓફિસર) તરીકે ઇન્ચાર્જ જ શાસન પાછલા અમુક સમયથી ચાલ્યુ હોવાથી ‘ખેડે તેની જમીન’ ના તાલે કેટલાક મળતિયા તત્વો બેફામ બની ચુકયા હતા. કાયમી અધિકારીની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને સરકારની વિવિધ ગ્રાન્ટો અને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થયો હોવાની ગંભીર ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.નગરપાલિકામાં હાલમાં જ વહીવટદાર નીમવામાં આવ્યા છે પરંતુ તેનાથી પહેલાના કાર્યકાળ કે જેમાં હળદવના ઈન્ચાર્જ સીઈઓ કાર્યરત હતા તેના કામો, ટેન્ડરોની જીણવટભરી તપાસ કરવમા આવશે તો ધણા બધા ભોપાળાઓ બહાર આવશે ન માત્ર એટલુ જ બલ્કે અહી ટેન્ડર પ્રક્રીયા વિના જ કામો થયા હોય તેવુ પણ ફલિત થવા પામી જશે.નગરપાલિકાના આંતરિક સૂત્રો અને જાણકારોના મતે, શહેરમાં ચાલતા કેટલાક વિકાસકામોમાં ટેન્ડર પ્રક્રિયાના નિયમોને નેવે મૂકી દેવાયા છે.?એવી ચર્ચા છે કે, અમુક કામો તો ટેન્ડર બહાર પાડ્યા વિના જ ધમધમ્યા છે. જ્યાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, ત્યાં પણ મનપસંદ એજન્સીઓને કામ આપવા માટે અગાઉથી જ ‘ગોઠવણી’ કરી લેવામાં આવી હોવાના 
આક્ષેપો ઉઠ્યા છે.પ્રજાના પરસેવાની કમાણી અને સરકારની તિજોરી પર લૂંટ ચલાવવામાં આવતી હોય તે રીતે વહીવટ ચાલી રહ્યો હોવાનો રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર મામલે વાસ્તવિકતા જાણવા માટે જ્યારે અંજાર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમના ફોનની ઘંટડીઓ રણકતી રહી હતી પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. અધિકારીની આ બેજવાબદારી વહીવટી શિથિલતાની ચાડી ખાય છે.?બીજી તરફ, 
નપા.ના પ્રમુખ વૈભવભાઈએ આ બાબતે બચાવ કરતા જણાવ્યું હતું કે, ટેન્ડર વગર ક્યારેય કોઈ કામ થઈ શકે ખરા? તેમણે ઉમેર્યું હતું કે પાલિકાની તમામ કામગીરી સંપૂર્ણ પારદર્શિતા સાથે જ ચાલી રહી છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા છે.અંજારના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાના આંધણ સામે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી બન્યું છે. ઇન્ચાર્જ સીઈઓના સમયકાળના ટેન્ડરોની વર્તમાન નિમાયેલા વહીવટદાર ક્રોસ વેરીફીકેશન કરાવશે તો ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ હોવાનુ જાણકારો કહી રહ્યા છે. 

.............

જનતામાં ઉઠતા સવાલો


• સત્તા પક્ષના ગઢ ગણાતા અંજારમાં જો વહીવટ આ રીતે ચાલતો હોય, તો સામાન્ય નાગરિકે ન્યાય માટે ક્યાં જવું? •જો કામો પારદર્શક છે, તો ચીફ ઓફિસર જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે?• શું ઇન્ચાર્જ અધિકારીની ગેરહાજરીમાં પાલિકાના કેટલાક બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ખેલ ખેલાઈ રહ્યો છે? • શું અંજારમાં ટેન્ડર પ્રક્રિયા માત્ર કાગળ પર? અંજારમાં ‘ખેડે તેનું ખેતર’ જેવો વહીવટ ચાલી રહ્યો છે? • અધિકારી હળવદમાં અને પાલિકાના મળતિયાઓ અંજારમાં મોજમાં છે તેવુ તો નથી ને? • અંજાર પાલિકામાં ‘ગોઠવણ’નું શાસન અને તેના લીધે ગ્રાન્ટોનો ગેરઉપયોગ અને ટેન્ડર વિના કામો થતા હોય તેવુ તો નથીને?

Comments

COMMENT / REPLY FROM