ભુજોડી ગામે પૂ. મોરારીબાપુએ રામદેવપીર મંદિરે દર્શન કર્યા
ભુજ - કચ્છઉદય : ભુજોડી ગામમાં રામનવમીના પાવન દિવસે પરમ પૂજ્ય મોરારી બાપુ રામદેવપીર મંદિરે પધાર્યા હતા અને ભગવાન રામદેવપીરના દર્શન કરી તમામ ભક્તજનોને આશીર્વાદ આપ્યા હતા. હાલમાં બાપુની પવિત્ર રામકથા માધાપર ખાતે ચાલી રહી છે, તે દરમ્યાન તેઓ ભુજોડી ગામે રામનવમી રામદેવપીર પાટ ઉત્સવે વિશેષ મુલાકાતે આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
મોરારી બાપુ ભુજોડી ગામને પહેલાથી જ ઓળખે છે અને અહીંની પરંપરાગત કળા, હસ્તકલા તેમજ ભુજોડીના શાલ, કાપડ અને અન્ય ઉત્પાદનો અંગે તેમને સારી જાણકારી છે. ભુજોડીની હસ્તકલા અને વણાટ પરંપરાને તેઓ હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ પાવન પ્રસંગે રામદેવપીર મંદિરના પૂજારી અરજણ ગાંગાજી ગરવા મારાજ દ્વારા ધાર્મિકવિધિ અને પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શિવજી આલા મંગારિયા દ્વારા બાપુનું હાર્દિક સ્વાગત અને સંબોધન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને સેવાભાવી ભાઈઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ પ્રસંગે ભુજોડી ગામના વડીલો વિશ્રામ વાલજી સીજુ, વેલા રાજા મંગારિયા, વિરજી આલા મંગારિયા, દેવજી વાલજી સીજુ, રાજા સુમાર ભાટિયા તથા સુમાર કારા મંગારિયા દ્વારા ગામ તરફથી ભુજોડીની પરંપરાગત ઓર્ગેનિક કાલા કોટનમાંથી હાથથી બનાવાયેલું કુર્તુ બાપુને સન્માનરૂપે ભેટ આપવામાં આવ્યું હતું, જે ભુજોડી ગામની જૂની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામલોકો અને ભક્તજનો હાજર રહ્યા હતા તેવું વિનય નામોરીભાઈ સીજુની યાદીમાં જણાવાયું હતું.
---------

Comments