એમ.ડી. કોલેજ ઓફ એજયુકેશન, હરિપરના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
ભુજ - કચ્છઉદય : એમ.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન, હરિપર ખાતે વર્ષ ૨૦૨૪-૨૬ દરમિયાન બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. કોલેજના ૧૮મા દીક્ષાંત સમારોહમાં જાણીતા શિક્ષણવિદ્દ, સાહિત્યકાર અને લેખિકા ડૉ. દર્શનાબેન ધોળકિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. હિમાંશુ પટેલે મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રથમવર્ષના તાલીમાર્થી ઠક્કર કરણે નૃત્યના માધ્યમથી ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી. ડૉ. દર્શનાબેન ધોળકિયાએ વર્ષ ૨૦૨૩-૨૫ની બેચમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વેકરીયા ઉર્વી તેમજ કોલેજ કક્ષાએ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ધોળું હેપ્પી અને ગુસાઈ વિશ્વાને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
ગોરસિયા એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ ગોવિંદભાઈ ગોરસિયાએ વર્ષ ૨૦૨૪-૨૬ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા અને કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓ શુક્લ હેતિ, જોશી રિશી, આહીર પારસ, વ્યાસ હેત્વી, પરમાર ઉર્વી, ગંઢેર વર્ષા, વાઘેલા પૂજા અને ચૌહાણ યશ્વીને પુસ્તકો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.
ડૉ. દર્શનાબેન ધોળકિયાએ ભાવિ શિક્ષકોને સંબોધતાં કહ્યું હતું કે, શિક્ષણ એ સહજ પ્રક્રિયા છે. શિક્ષકનું કામ બોધ આપવાનું નથી, પરંતુ સારા આચાર-વિચાર સાથે વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત થવાનું છે. શિક્ષકનો આદર્શ વ્યવહાર જ વિદ્યાર્થીઓ માટે બોધ બની રહે છે. શિક્ષકનું બીજું કામ પેઢી ચલાવવાનું છે, વિદ્યાર્થીઓને વાંચતાં અને લખતાં કરવાનું, શિક્ષણની ભૂખ જગાડવાનું અને હકારાત્મક પ્રેરણા પૂરી પાડવાનું છે. નિરીક્ષણ એ શિક્ષકની સૌથી મોટી શક્તિ છે. શિક્ષકે માત્ર મૂલ્યાંકન જ નહીં, પરંતુ વિવેચન કરવાનું છે, જેના માટે સતત અને સઘન નિરીક્ષણ અનિવાર્ય છે. શિક્ષક પાસે સજ્જતાની અપેક્ષા છે, એ માટે શિક્ષકે સતત વાંચતા અને શીખતા રહેવું પડશે. વાંચન જ શિક્ષકને વિદ્વાન બનાવે છે. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે આજીવન શિક્ષક જ રહે છે. માતા તરીકેનું કામ માત્ર સ્ત્રી શિક્ષિકાઓ જ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ સખ્યનો છે, જે પ્રિયતમ અને પ્રિયતમાના સંબંધથી પણ વિશેષ છે.
એમ.ડી. કોલેજના ડાયરેક્ટર જયંતભાઈ પાઠકે ભાવિ શિક્ષકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં શિક્ષકત્વને નિખારવા, સાચવવા, સંસ્થામાંથી રોપાયેલા બીજને વટવૃક્ષ બનાવવા, ક્ષમા, કરુણા, પ્રેમ, નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો કેળવવાની શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક મિત્રવિંદા અધ્વર્યુ અને આભારદર્શન ડૉ. શીતલબેન યોગી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના સેક્રેટરી કે.કે. હિરાણી, હંસાબેન હિરાણી, તમામ કર્મચારી અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments