માનવજ્યોતની જીવદયા પ્રવુતિથી જીજ્ઞેશ દાદા પ્રભાવિત
માનવ જ્યોત સંસ્થા દ્વારા ચકલીઓના કુંડા અને ઘર વિતરણ કરવાની જીવદયા પ્રવૃત્તિની જીજ્ઞેશ દાદાએ કરી સરાહના : ચકલી અને બીજા પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેના જતન માટે લોકોને કરી પ્રાર્થના : કૃષ્ણ ભગવાને પણ પ્રકૃતિના જતનની કથા કરી છે
ભુજ - કચ્છઉદય : ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પશુ, પક્ષીઓ માટે પાણીના કુંડા અને ઘરમાં એક ચકલીઘર રાખવા જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ લોકોને જણાવ્યું કે તમે જોશો કે અત્યારે ચકલીઓ બહુ ઓછી દેખાય છે. અત્યારના જમાનામાં આપણને પક્ષીઓનો ગુંજારવ સાંભળવા મળતો નથી, પરંતુ મશીનોનો અવાજ સંભળાય છે. માણસ પ્રકૃતિથી દૂર જઈ રહ્યો હોય તેવું લાગે છે તેવું જણાવી અને લોકોને અનુરોધ કર્યો હતો કે, ચકલીઓને અને પશુ પક્ષીઓને બચાવવા માટે અને તેમને આશરો આપી અને તેમનો વંશવેલો વધતો રહે એવું કંઈક કામ કરજો.
માનવજ્યોત સંસ્થાના વડીલો તેમને ગઢશીશાની કથા દરમિયાન મળ્યા હતા અને તેમણે પક્ષીઘર અને કુંડું આપી અને તેમની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. તેઓ જ્યાં કથા કરવા જાય છે ત્યાં આ પ્રકારના જીવદયા માટે કામ કરનારી વ્યક્તિઓ તેમને મળતી રહે છે. આ તમામ વ્યક્તિઓ માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને પ્રણામ કરૂ છું એવું તેમણે જણાવી અને કહ્યું હતું કે, ગોવર્ધનની કથા પણ એ પ્રકૃતિના બચાવની કથા છે. ભગવાન શ્રીકૃષ્ણએ પ્રકૃતિનું જતન કરવા કહ્યું છે. પક્ષીઓ બચે તેવું કંઈ કરતા રહેજો, તેવું પૂજ્ય જીજ્ઞેશ દાદા જણાવ્યું હતું. માનવ જ્યોત સંસ્થાના સેવાભાવી કાર્યકરો પ્રબોધભાઈ મુનવરની સાથે સહદેવસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા જીજ્ઞેશ દાદાને મળ્યા હતા.
------

Comments