રાધનપુર તરફથી આવતી કારમાંથી લાકડિયા પોલીસે પોણા બે લાખના ક્વાર્ટરીયા પકડ્યા
પોલીસને જોઈ સિમેન્ટના બ્રીક્સ સાથે ગાડી ભટકાવી ચાલક ભાગી ગયો : દારૂની કેટલીક બોટલો ફુટી ગઈ : રાજસ્થાનથી માલ લઈને આવતો હોવાનું સામે આવ્યું
ભચાઉ - કચ્છ ઉદય : કચ્છમાં હાલ પોલીસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરાવાઈ રહી છે ત્યારે રાધનપુરથી આવતી કારને ઝડપીને તેમાંથી ક્વાર્ટરીયા ઝડપી લેવામાં આવ્યા હતા.
લાકડીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.પી. આહીરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાધનપુર-સામખીયારી હાઈવે પર જૂના કટારીયા ગામના ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન રાધનપુર તરફથી આવતી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે આ કારનો પીછો કરતા, પીપરપાટી ત્રણ રસ્તા પાસે નવા બની રહેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ સામે કાર ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. કાર રોડ પર રાખેલ સિમેન્ટના બ્રિક્સ સાથે અથડાઈને નીચે ઉતરી ગઈ હતી, જેનો લાભ લઈ ચાલક અંધારામાં કાર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા વચ્ચેની સીટ અને ડેકીના ભાગેથી ખાખી કલરના પૂંઠાના બોક્સમાં રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ અને કાચના ક્વાટરિયા મળી આવ્યા હતા. પોલીસે આ કામગીરીમાં કુલ ૬૨૪ નંગ વ્હાઈટ લેશ વોડકા ઓરેન્જ ફ્લેવરના ક્વાટરિયા કિંમત રૂ. ૧,૭૧,૬૦૦ અને ૬ લાખની કિંમતની ક્રેટા કાર નંબર જીજે૩૯ - સીબી - ૭૯૩૭ મળી કુલ ૭,૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાડી ભટકાવવાના કારણે કેટલીક પેટીઓ અને કાચના ક્વાર્ટરિયા ફુટી ગયા હતા. હાલમાં નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments