જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી મહિલા માટે અનામત જાહેર
કચ્છમાં પંચાયતી રાજના નવા સમીકરણ
ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આગામી સમય માટે પંચાયતી રાજની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો સોંપવા માટેની મહત્વપૂર્ણ રોટેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ૨૫ માર્ચના પ્રસિદ્ધ કરવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન અનુસાર કચ્છ જિલ્લા પંચાયત સહિતની વિવિધ તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટે નવી અનામત બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સરહદી જિલ્લા કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપમાં નવા ચહેરાઓની પસંદગીને લઈને મંથન તેજ
બન્યું છે.
નવા જાહેર થયેલા રોટેશન મુજબ કચ્છ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદની બેઠક આ વખતે એસટી મહિલા (અનુસૂચિત જનજાતિ મહિલા) માટે અનામત રાખવામાં આવી છે. આ ફેરફારને પગલે જિલ્લાના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. પંચાયતી રાજના નિયમો મુજબ, દર અઢી વર્ષના સમયગાળા બાદ સામાજિક ન્યાય અને સમાન પ્રતિનિધિત્વના સિદ્ધાંતને આધારે પ્રમુખ પદનું રોટેશન બદલવામાં આવતું હોય છે. આ પ્રક્રિયામાં વસ્તીના આંકડા અને અગાઉના ટર્મમાં અપાયેલ પ્રતિનિધિત્વને ધ્યાને રાખીને લોટરી અથવા નિયત ક્રમ પદ્ધતિથી અનામત બેઠકો નક્કી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છેવાડાના માનવી અને દરેક જ્ઞાતિ-વર્ગને સત્તામાં ભાગીદારી આપવાનો છે.
............................
પ્રમુખપદ આદિવાસી સમુદાયને અપાતા કચ્છમાં
કઈકના અરમાનો ભુંસાયા? થનગનભુષણોમા સોપો
ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે કચ્છમાં પણ રોટેશન જાહેર કરી દેવાયું છે અને જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવી જિલ્લ પંચાયત પ્રમુખ પદની બેઠક આદિવાસી સમુદાયને ફાળવવામા આવી છે. આ બેઠકનુ રોટેશન શું આવે છે તેને લઈને કઈકની નજર રહેલી હતી. કચ્છમાં આદિવાસી સમુદાયને પ્રમુખ પદનું રોટેશન આપવાની ધારણાઓ કોઈએ કરી જ ન હતી અને આ પ્રકારે રોટેશન આવી જતા કઈકના અરમાનો પર પાણી ફરી વળ્યા હોવાની સ્થિતી રાજકીય બેડામાં આંતરીક રીતે ચર્ચાવવા પામી રહી છે. તો વળી કઈક થનગનભુષણોમાં પણ આ પ્રકારના રોટેશનથી સોંચો જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે.
.........................
ભીમાસર અંજાર બેઠકનો વિજેતા ઉમેદવાર
બનશે જિ.પંચાયતનો આગામી સુકાની..!
ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાને રાખી અને કચ્છમાં પણ મીની સંસદ સમાન જીલ્લા તથા તાલુકા પંચાયતોના પ્રમુખો માટેના રોટેશન જાહેર કરવામા આવી ગયા છે. કચ્છમા જિલ્લા પંચાયત બેઠકના પ્રમુખનું રોટેશન આ વખતે પ્રથમ વખત આદિવાસી સમુદાયને ફાળે ગયુ છે. ત્યારે રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, કચ્છમાં આ સમુદાયની અંજારના ભીમાસરની એકમાત્ર બેઠક જ આવે છે. એટલે ચૂંટણી યોજાયા બાદ આ બેઠક પર જે વિજેતા થશે તે આગામી જિલ્લા પંચાયતના સુકાની બનશે તેવુ વર્તમાન સમયે સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.
...................
કચ્છમાં જિલ્લા-તાલુકા સ્તરે રાજકીય ગરમાવો
ગાંધીધામ : રોટેશનની આ પ્રક્રિયા લોકશાહીના પાયાને મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે. નિયમો અનુસાર, મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની જોગવાઈને જાળવી રાખીને વિવિધ કેટેગરીમાં બેઠકોની વહેંચણી કરવામાં આવે છે. ભાજપ શાસિત આ પંચાયતોમાં હવે સંગઠન સ્તરે સક્ષમ અને પક્ષને વફાદાર એવા ચહેરાઓની શોધ શરૂ થઈ ગઈ છે અને જિલ્લા અને તાલુકા મથકો પર રાજકીય ગરમાવો વધ્યો છે.
...................
જિ.પંચાયતમાંથી વિપક્ષનો કાંટો કાઢવાની
ગોઠવણ કે પછી રૂટીન જ રોટેશન..?
ગાંધીધામ : કચ્છમાં જીલ્લ પંચાયતમાં લાંબા સમયથી ભાજપનુ જ શાસન ચાલી રહ્યુ છે. પ્રમુખ પદે તો ભાજપના ધુરંધરો સુકાન સંભાળતા જ રહ્યા છે પરંતુ અંજારના ભીમાસરની બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહેલી દર્શાય છે. કોંગ્રેસના શીર્ષસ્થ, અનુભવી, પીઢ એવા વી.કે.હુંબલ ભીમાસરની બેઠક પર મજબુત પકકડ ધરાવી રહ્યા હતા. હવે જયારે આદિવાસી સમુદાયને આ બેઠક ફાળવવામા આવી છે ત્યારે વી.કે.હુંબલ સહિતના મજબુત અને ધુરંધરોને આ બેઠક પરથી આપોઆપ ચૂંટણી લડવી અસંભવ બની રહેશે. અહી યાદ અપાવી શકાય કે, વી.કે.હુંબલ વિપક્ષી નેતા તરીકે પણ જિલ્લા પંચાયત ખુબજ આક્રમક અને પ્રજાહિતાર્થે સચોટ રજુઆત કરનારની છબી ધરાવતા રહ્યા હતા. હવે તેઓ સીધી રીતે અ ચૂંટણીમાં મેદાનમાં ન ઉતરી શકે તો ભાજપ માટે ભીમાસર બેઠક જીતવી વધારે સરળ બની રહે તેમ મનાય છે.
................
કચ્છની નવ તાલુકા પંચાયતોના પ્રમુખ પદના અનામત પણ ઘોષિત
ગાંધીધામ : જિલ્લા પંચાયતની સાથે સાથે કચ્છની નવ મહત્વની તાલુકા પંચાયતોના પ્રમુખ પદના અનામતની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જેમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ બક્ષીપંચ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જ્યારે વાગડ વિસ્તારની રાપર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ બક્ષીપંચ માટે જાહેર થયું છે. સરહદી લખપત તાલુકા પંચાયતમાં આ વખતે પ્રમુખપદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત ભુજ, ભચાઉ, માંડવી અને મુન્દ્રા એમ ચાર મોટા તાલુકાઓમાં પ્રમુખ પદ જનરલ મહિલા માટે અનામત જાહેર થતા મહિલા પાંખમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબડાસા અને અંજાર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનરિઝર્વ એટલે કે સામાન્ય જ્ઞાતિ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

Comments