ગૌવંશ સેવાધામ નિર્માણમાં સહભાગી થવા અનુરોધ
ભુજ - કચ્છઉદય : અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટે વાંકી તિર્થ જતા રોડ પર ભારાપર સીમ વિસ્તારમાં આકાર લઇ રહેલા ગૌ વંશ સેવા ધામમાં માળખાકીય સુવિધાઓ સહિત નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્તમાનમાં ગૌ શેડ અને ઘાસ ગોડાઉન અને ખોડિયાર માતાજીના મંદિરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીવદયા સંકુલના મુખ્યભૂમિ દાતા તરીકે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હ. મહારાણી પ્રિતીદેવીજીએ માતબર રકમનું અનુદાન આપી લાભ લીધો છે. તેમના આર્થિક અનુદાનરૂપી સહયોગથી સંસ્થાના આ કાર્યને પ્રેરક બળ પ્રાપ્ત થયું છે . જીવદયાના આ નવતર અભિગમમાં ગૌ વંશની સેવામાં દરેક લોકો લાભ લઇ શકે તે માટે સંસ્થા દ્વારા ગૌ શેડ નં.૧ માટે રૂ. ૫૪૦૦૦ના એક નામનો નકરો રાખવામાં આવ્યો છે, જેમાં ૨૫ દાતાઓ લેવાના છે. આ દાતાઓના નામનો ડ્રો કરતા જે નામ નીકળશે તેનું નામ શેડના મુખ્ય દાતા તરીકે જ્યારે અન્ય ૨૪ દાતાઓના નામોની તકતી ગૌ શેડમાં લગાડવામાં આવશે. ગૌ વંશ સેવાધામ નિર્માણમાં સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો બાબુલાલ મેઘજી શાહ, રવિન્દ્રભાઈ સંઘવી, હિંમતસિંહ વસણ વિગેરેના માર્ગદર્શન હેઠળ સભ્યો વિનોદભાઈ ગાલા, મનસુખભાઈ શાહ, નીલેશ મહેતા, જે. વી. મહેતા, ઘનશ્યામભાઈ સી. ઠક્કર, મીનાબેન બોરીચા, ઈલાબેન અંજારિયા, દીપક મહેતા અને વિનોદભાઈ એ. ગોર સહયોગી બની કાર્ય કરી રહ્યા છે. રખડતા ભટકતા ગૌ વંશના આશ્રય સ્થાન એવા ગૌ વંશ સેવા ધામ નિર્માણ સેવાયજ્ઞમાં આર્થિક અનુદાન આપી સહયોગી બનવા ઈચ્છુક ગૌવંશ પ્રેમીઓ, જીવદયાપ્રેમીઓએ મયુર બોરીચાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
------

Comments