Trending News
સ્થાનિક સમાચાર

એલેએલડીસી દ્વારા કચ્છના ઇતિહાસમાં પહેલીવાર બાંધણી સંવાદનું આયોજન કરાયું

26 March



ભુજ - કચ્છઉદય : એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝીયમ દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બાંધણી હસ્તકળા માટે એલએલડીસી ઇન્સપીરેશન ગેલેરીમાં હાલના સિદ્ર ક્રાફ્ટના બે ભાઈઓ - અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રીના “પહલ” શોથી પ્રેરિત બાંધણીના કારીગરો સાથે મળી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ બાંધણીના તમામ કારીગરો, ડિઝાઇનરો અને ડિઝાઇન વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવાનો હતો.
આ કાર્યક્રમનું આયોજન તારીખ ૨૩ અને ર૪ માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે એલએલડીસીના ટ્રસ્ટી અમીબેન શ્રોફે અભિવાદન અને આવકાર સાથે સંવાદ વિશે માહિતગાર કાર્ય હતા. પ્રથમ સત્રના મુખ્ય વક્તા તરીકે ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર અને તેમની સાથે વરિષ્ઠ બાંધણી કારીગરો અલીમોહમ્મદ ઓસમાણ ખત્રી, ગુલામ હુસેન ઓસમાણ ખત્રી, અબ્દુલ હકીમ ખત્રી, સોનેજી અબ્દુલ અઝિઝ ઉમર, ઇમ્તિયાઝ મોહમ્મદ ઓસ્માન ખત્રી અને નસરીન ફયાઝ ખત્રી હાજર રહ્યા હતા. આ સાથે વરિષ્ઠ કારીગરો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા “પહલ” પ્રદર્શનના કેટલોગનું વિમોચન કરવામાં આવ્યું હતું. દ્વિતીય સત્રના મુખ્ય વક્તા તરીકે બંધેજના સ્થાપક અર્ચના શાહ અને તેમની સાથે યુવા કારીગરો અને ઉદ્યોગ સાહસિકો તલ્હા ખત્રી, સામિયા ખત્રી, અહેસાન ખત્રી, આદિલ ખત્રી, આશિયા ખત્રી અને અબ્દુલ અહદ ખત્રી પેનલિસ્ટ તરીકે જોડાયા હતા. માસ્ટર કારીગરો દ્વારા બાંધણીનો ઇતિહાસ, મહત્વ અને આજની માર્કેટની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવતી હતી તેમજ યુવા કારીગરો અને ઉદ્યોગ સાહસિકો દ્વારા આ હસ્તકળાનું ભવિષ્ય અને મુશ્કેલીઓ પર તેમના દ્રષ્ટિકોણ વિશે ઊંડાણમાં ચર્ચા થઈ હતી.
બીજા દિવસની શરૂઆતમાં પહલ શોના કો-ક્યુરેટર અવની દેવધર અને અબ્દુલ જબ્બાર ખત્રી દ્વારા પહલ શોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રથમ સત્રના મુખ્ય વક્તાઓ તરીકે વર્લ્ડ શિબોરી નેટવર્કના સહ-સ્થાપક ડો. યોશિકો વાડા અને ૧૧ઃ૧૧ (દિલ્લી) ના સ્થાપક હિમાંશુ શાની હતા. તેમની સાથે વિશિષ્ટ કચ્છ બાંધણીના સ્થાપકો અઝિઝ અને સુલેમાન ખત્રી, હમજા અબ્દુલમજીદ ખત્રી, ઈમરાન અનવર ખત્રી અને અબ્દુલવહબ ખત્રી પેનલિસ્ટ તરીકે જોડાયા હતા. બીજા સત્રના મુખ્ય વક્તા ઇન્જરીના સ્થાપક ચિનાર ફારૂકિ, કેલિકો સેનટોમે ઈન્ડિયાના સ્થાપક સુમી કોબાયાશી, જાપાનના ટેક્સટાઇલ ડિઝાઇનર શીઓરી મુકાઇ અને ટીલ્લા (અમદાવાદ)ના સ્થાપક આરાત્રિક દેવ વર્મન રહ્યા હતા. વક્તાઓ દ્વારા જાપાનની શીબોરી અને કચ્છની બાંધણી વચ્ચેના સંબંધ વિશે વાત કરવામાં આવી હતી. બાંધણીની વિશેષતા અને નેચરલ ડાઈનું મહત્વ અને તેમના બાંધણી સાથેના પ્રયોગો ખાસ ચર્ચાના વિષય રહ્યા હતા સાથે પ્રથમ શિલ્પગુરુ એવોર્ડ વિજેતા અલીમામદભાઈ ખત્રી અને પ્રથમ મહિલા કારીગર ડિઝાઇનર ઝકિયા ખત્રી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
બાંધણીના ઇતિહાસમાં પ્રથમવાર કારીગરો, ડિઝાઇનરો, ક્રાફ્ટ એનજીઓ, ડિઝાઇનર વિદ્યાર્થીઓ એક મંચ પર સાથે આવીને બાંધણી ક્રાફ્ટ વિશે ચર્ચા કરી હતી. ૧૫૦ લોકોએ એલએલડીસી ખાતે હાજર રહીને અને ૪૦૦ જેટલા લોકોએ ઓનલાઈન જોડાઈને આ સંવાદમાં ભાગ લીધેલ હતો. આ સંપૂર્ણ બાંધણી સંવાદનું સંચાલન એલએલડીસીના પ્રશિક્ષણ અને સંશોધન માર્ગદર્શક જુહી પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. 
-------

Comments

COMMENT / REPLY FROM