મહાપાલિકા - નગરપાલિકામાં ભાજપની નો-રીપીટ થીયરીની વકી : જો કે ગાંધીધામમાં અમુક ચહેરાઓને પુનઃ સ્થાનનો સળવળાટ..!
નવા યુવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો પર ભાજપ પસંદગી ઉતારે તેવી શક્યતા : નવ રચિત ગાંધીધામ સહિત કેટલીક મહાનગરપાલિકાઓમાં અમુક જૂના કોર્પોરેટરોને રીપીટ કરવામાં આવે તેવી શક્યતા
બે-ચાર દીવસમાં નિરિક્ષકોના પણ નામો થઈ શકે છે જાહેર
ગાંધીનગર : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં નો રિપીટ થિયરી અપનાવીને મોટાભાગના ઉમેદવારો બદલીને નવા યુવા ચહેરાઓને વધુ સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા ને પગલે ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ભાજપ વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની ૧૬ મહાનગરપાલિકાઓ તેમજ ૭૨ નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે આ વખતે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગેના ધારા ધોરણમાં કેટલાક ફેરફારો કરીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં નો રિપીટ થિયરી અપનાવીને નવા યુવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનો પર પસંદગી ઉતારવા માટે ની રણનીતિ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં આઠ જેટલી નવી મહાનગરપાલિકાઓ રચાયેલી હોય આ વખતે આ મનપાઓમાં પહેલી વખત ચુંટણી યોજનારી હોય ગાંધીધામ સહિત નવ રચિત મહાનગરપાલિકાઓમાં ઉમેદવાર પસંદગીમાં આ વખતે નગરપાલિકા હતી તે સમયે જે કોર્પોરેટરો હતા તે પૈકીના કેટલાક કોર્પોરેટરોની કામગીરીને ધ્યાને રાખીને કેટલાક કોર્પોરેટરોને મહાનગરપાલિકાની ચૂંટણીમાં રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આ ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી ભાજપ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા
મળે છે.

Comments