Trending News
સ્થાનિક સમાચાર

ભાજપના અભેદ્ય ગઢ ‘કચ્છ’ની પ્રદેશ ચૂંટણી સમિતિમાં અવગણના? : રાજકિય છાવણીમાં તર્કવિર્તકો : સૌરાષ્ટ્રને પ્રાધાન્ય, કચ્છ રહ્યું કોરૂં.?

26 March



અનુભવનું ભાથું ધરાવતા કદાવર નેતાઓ પાર્લામેન્ટરી બોર્ડ માટે પ્રબળ દાવેદાર કહી શકાય


ગાંધીધામ : પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ૧૯ સભ્યોના પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છ જિલ્લાને એક પણ સ્થાન ન મળતા કચ્છના રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. ભાજપના ગઢ ગણાતા અને પક્ષને હંમેશા બહુમતી અપાવતા કચ્છ જિલ્લા પાસે અનુભવી અને દિગ્ગજ નેતાઓની મોટી યાદી છે, તેમ છતાં આ મહત્વની સમિતિમાં કોઈની પણ પસંદગી ન થવી તે ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લાના રાજકીય બેડામાથી ઉભા થતા વર્તારાની વાત કરીએ તો ગુજરાત ભાજપના સંગઠનમાં કચ્છ જિલ્લો હંમેશા પાયામાં રહ્યો છે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છના એક પણ પ્રતિનિધિનો સમાવેશ ન થતા કાર્યકરોમાં ભારે તર્કવિતર્કો જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે કચ્છ પાસે એવા દિગ્ગજ નેતાઓ છે જેમણે દાયકાઓ સુધી 
પક્ષને સીંચ્યો છે. કચ્છે હંમેશા ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. ત્યારે પ્રદેશ 
પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છના કોઈ પણ સિનિયર નેતાઓને સ્થાન ન મળવું એ માત્ર રાજકીય નિર્ણય નથી, પણ કચ્છના કાર્યકરોની લાગણી પર થયેલો પ્રહાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શું પક્ષ આગામી સમયમાં કોઈ ‘ડેમેજ કંટ્રોલ’ કરશે કે કેમ? તેના પર સૌની નજર છે.પ્રબુદ્ધ અને રાજકિય વર્ગ કહી રહ્ય છે કે, જો જ્ઞાતિગત સમીકરણોને લઈને ચર્ચા કરવામા આવે તો પણ  કચ્છમાં આહીર, અનુસુચિત જાતી, જૈન અને ગઢવી, પાટીદાર-ક્ષત્રીય સમાજનું મોટું પ્રભુત્વ છે. આ સમાજના અગ્રણી નેતાઓને બાકાત રાખવા તે આગામી ચૂંટણીઓમાં કેવા પરિણામો લાવશે તે ચર્ચાનો વિષય છે. કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનું ‘લાડકું’ છે કચ્છ. વડાપ્રધાન પોતે કચ્છને પોતાના હૃદયની નજીક ગણાવે છે, ત્યારે પ્રદેશ સમિતિમાં કચ્છના પ્રતિનિધિત્વનો અભાવ ‘કચ્છની કોઠાસૂઝ’ ના અપમાન સમાન હોવાનું કાર્યકરો માની રહ્યા છે. પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છ જિલ્લાની બાદબાકી એ હાલ રાજ્યના રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાતો વિષય છે. કચ્છ એ ભાજપનો એવો મજબૂત ગઢ છે જ્યાં વિપક્ષોનું અસ્તિત્વ નહિવત જેવું રહ્યું છે. તેમ છતાં, ૧૯ સભ્યોની મહત્વની સમિતિમાં કચ્છના એક પણ ‘કદાવર’ નેતાને સ્થાન ન મળવું તે આશ્ચર્યજનક છે.કચ્છ પાસે એવા અનેક સિનિયર અને અનુભવી નેતાઓ છે જેઓ 
પોતાની કામગીરી અને જ્ઞાતિગત સમીકરણોના આધારે આ બોર્ડમાં સ્થાન મેળવવા પૂર્ણપણે હકદાર છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મેળવવા હકદાર કચ્છના મુખ્ય ચહેરાઓમાં વર્તમાન સમયે તો સૌ પ્રથમ નામ જો કોઈ મજબુત અને પ્રબળતા સાથે યોગ્ય હોવાનુ ચર્ચાયુ હોય તો એ યુવા-અનુભવી, શાંત-સૌમ્ય અને સંગઠનમાં તથા સરકારમાં સમતોલ રીતે એકાદ દાયકાથી સક્રીય સેવા બજાવી રહેલા કચ્છ-મોરબીના વર્તમાન ડાયનેમીક સાંસદ વિનોદભાઈ ચાવડાનું છે. આ સાથે અન્ય સિનિયર નામોમાં ડો. નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહીર, પુષ્પદાન ભાઈ ગઢવી ઉપરાંતના અનેક સીનિયર અને પક્ષને સમર્પિત આગેવાનોની યાદી લાંબી બની શકે તેમ કાર્યકરો માની રહ્યા છે. આ મુજબના તમામ નેતાઓ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યારે ટિકિટ વિતરણના મહત્વના નિર્ણયો લેવાય છે, ત્યારે કચ્છની ભૌગોલિક અને જ્ઞાતિગત સ્થિતિ સમજતા આવા અનુભવી નેતાઓની પ્રદેશ કક્ષાની સમિતીમાં ગેરહાજરી પક્ષને કયાંક જાણતા અજાણતા પરોક્ષ નુકસાન ન પહોચાડે તે વી ચર્ચાઓ કાર્યકર્તા આલમમાં આંતરીક રીતે ચર્ચાવાવ પામી રહી છે.



.................

રાજકીય અન્યાય કે નવી રણનીતિ?


ગાંધીધામ : કચ્છના લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને અન્ય ઝોનને પૂરતું પ્રાધાન્ય મળ્યું છે, ત્યારે કચ્છના આટલા અનુભવી નેતાઓ હોવા છતાં જિલ્લાને ‘કોરો’ કેમ રાખવામાં આવ્યો? શું આ કોઈ નવી પેઢીને તક આપવાની રણનીતિ છે કે પછી કચ્છના કદાવર નેતાઓની પ્રદેશ કક્ષાએ રજૂઆત ઓછી પડી છે. કચ્છ ભાજપનો એવો જિલ્લો છે જેણે ભૂકંપ હોય કે વાવાઝોડું, હંમેશા પક્ષની 
પડખે રહીને ભવ્ય જીત અપાવી છે. આવા સંજોગોમાં નીતિ-નિર્ધારક એવી પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છનું પ્રતિનિધિત્વ ન હોવું તે જિલ્લાના રાજકીય ભવિષ્ય માટે ચિંતાનો વિષય ગણાઈ રહ્યો છે.



.......................

કચ્છના આ દિગ્ગજ નેતાઓ પ્રદેશ સમિતીમાં કહી શકાય યોગ્ય ચહેરાઓ

• શ્રી વિનોદભાઈ ચાવડા : 
 સાંસદ અને પ્રદેશ મહામંત્રી પ્રદેશ સંગઠનમાં સીધું જોડાણ, પીએમ મોદીના વિશ્વાસુ અન જીઝ્ર સમાજનો મોટો ચહેરો.
• ડો. નીમાબેન આચાર્ય  :
પૂર્વ અધ્યક્ષા, ગુજરાત વિધાનસભા રાજ્યના સર્વોચ્ચ સંસદીય 
પદનો અનુભવ, મહિલા નેતૃત્વ અને બહોળી રાજકીય સમજ.
• શ્રી વાસણભાઈ આહીર 
પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર ઓબીસી (આહીર) જ્ઞાતિના મોટા ગજાના નેતા અને પાયાના સંગઠન સાથે સીધો સંપર્ક.
• શ્રી પુષ્પદાન ગઢવી 
પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી કચ્છના રાજકારણના ‘ભીષ્મ પિતામહ’, અનેક ચૂંટણીઓનો બહોળો અનુભવ.

Comments

COMMENT / REPLY FROM