શીણાય ડમ્પિંગ સાઈટની ૩૨ એકર જમીન પર ‘ભૂમાફિયા’ - મોટામાથાઓ ત્રાટકે તે પૂર્વે મનપાતંત્ર અપનાવે ‘ગ્રીન વિઝન’..!
હાઈકોર્ટના આદેશ બાદ ૮ વર્ષથી બિનવારસી પડેલી કરોડોની જમીન પર અતિક્રમણનો ખતરો
‘બાયો-ડાયવર્સિટી પાર્ક’ બનાવી જમીન સુરક્ષિત કરી લેવી જોઈએ : ડમ્પીંગ સાઈટ પર બાયોડાવસીર્ટી પાર્ક, ગ્રીન સ્પેશ (બગીચો-ગાર્ડન-ઉદ્યાન) અથવા સોલાર પાર્ક બનાવી શકાય, સોલાર પાર્ક બનાવવા જશો તો હેતુફેર સહિતના પ્રશ્નો નડશે પરંતુ ગ્રીન સ્પેશ-બગીચો-ઉદ્યોગ બનાવી શકાય તેમ છે : મનપાતંત્ર આ જમીન પર વેળાસર જ ડીઝાઈન નકકી કરી, એજન્સી ફાઈનલ કરી અને ટેન્ડર બહાર પાડે તે જ સમયતો તકાજો
કઈક ઝભ્ભાલેંગાવાળાઓની પણ આ જમીન પર છે નજર : અમુક તો આ જમીન માટે મેયર બનવાના પણ જોઈ રહ્યા છે સ્વપ્ના, મેયર બની અને ૩ર એકર જેવી વિશાળ આ જમીન ઓંઈયા કરી લેવાના ધડી બેઠા છે મનસુબા
બાયોડાયવર્સીટી પાર્ક બને તો તેમાં લાખો
વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ વિકાસાવી શકાય : વોકીંગ ટ્રેક-સાયકલ ટ્રેક બની શકે : લોકોન વળ-પીપળા-એરીકાપામ, સ્નેશ પામ, રામતુલસી જેવા ઓકસિજન આપતા
વૃક્ષોનું વાવેતર કરી અને ઓકસિજન પાર્ક બની શકે
ઓલ્ડ ડમ્પીંગ સાઈટનો મુદો ધ્યાને છે, આ જમીન પર શહેર-સંકુલ માટે સુવિધાયુકત પ્રકલ્પ વિકસે તે દીશામાં ચોકકસથી વેળાસર જ કરીશું વિચાર : શ્રી મનીષ ગુરવાણી (કમિશ્નરશ્રી ગાંધીધામ મનપા)
ગાંધીધામ : કોઈપણ શહેરનો વિકાસ માત્ર ઊંચી ઈમારતો કે રસ્તાઓથી નથી થતો, પણ ત્યાંની કુદરતી સંપત્તિ અને જાહેર સુવિધાઓની જાળવણી કેવી રીતે થાય છે તેના પર નિર્ભર હોય છે. ગાંધીધામમાં શીણાય ડમ્પિંગ સાઈડની ૩૨ એકર જમીનનો મામલો અત્યારે ચર્ચાના ચગડોળે છે. એક તરફ નવી બનેલી મનપા કચેરીઓ અને અન્ય જનસુવિધાઓ માટે જમીન શોધવા ફાંફા મારી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના ઉંબરે આવેલી કરોડોની કિંમતની ૩૨ એકર સરકારી જમીન છેલ્લા આઠ વર્ષથી ‘રામ ભરોસે’
પડી રહી છે.ગાંધીધામમાં જયારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે વખતે નપા દ્વારા કચરાના નિકાલ માટે શિણાયની ડમ્પીંગ સાઇટ ઉપર નિકાલ કરવામાં આવતો હતો. લેન્ડફીલ સાઇટથી શિણાયના ગ્રામજનોને મુશ્કેલી
પડતી હ્રતી. આ બાબતે રજૂઆતો બાદ મામલો કોર્ટે પહ્રોંચ્યો હ્રતો. જેમાં હ્રાઇકોર્ટ દ્વારા શિણાયમાં સર્વે નં. ૪૯૬માં ૩૨ એકર જમીન પર પાલિકા કમ્પાઉન્ડ વોલ બાંધી શકશે તેવો શરતી હ્રૂકમ આપ્યો છે. જેમાં જણાવાયું છે કે, કચરો ઠાલવી નહ્રીં શકે. જે બાદ પાલિકાની રજુઆતને ધ્યાને લઈ અને કલેકટરશ્રીએ ગાંધીધામ નગરપાલીકાને વાડા ગામે ૭૦ એકરથી વધુ જમીન ડમ્પીંગ સાઈટ માટે ફાળવી આપી હતી. તે સાથોસાથ જ તાજેતરમાં જ મનપાતંત્રના ડીપીએ-કંડલા સાથે ડીસી ફાઈવ પાસે ૭ એકર જેટલી જમીન કચરાના નિકાલ-સેગ્રીગેશન માટે એમઓયુ કરી અને ફાળવવામાં આવી છે. શહેરનો ઘનકચરાનો નિકાલ તો હાલમા થવા પામી જ રહ્યો છે એ વિષય પર અહી કોઈ વાત નથી કરવી, પરંતુ, શિણાયમા ૩ર એકર જેટલી જે જમીન ફાળવવામાં અવી હતી તે હાલમાં અદ્વરતાલ અવસ્થામાં જ પડી છે. નામદાર હાઈકોર્ટમાં આ બાબતેનો કેસ પેન્ડીંગ હોવાનુ મનાય છે તે વચ્ચે જ શહેરનો પ્રબુદ્ધવર્ગ સુચવી રહ્યો છે કે, આ ૩ર એકર જેટલી ખુલ્લી પડતર પડેલી જમીન પર કોઈ ભુ માફીયાઓનો ડોળો મંડરાય, અને વિવાદ સર્જાય તે પહેલા જ મહાનગરપાલિકા તંત્ર અને તેના કાર્યદક્ષ કમિશ્નરશ્રીએ આ બાબતે વિચારવુ જરૂરી બની રહ્યુ છે અને આ જમીન પર ગ્રીન સ્પેશ, ગાર્ડન, કોઈ સરસ ફરવા લાયક ઉદ્યાગ બની શકે તે માટેની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સરકારી જમીન લાંબો સમય બિનવારસી કે ખુલ્લી પડી રહે છે, ત્યારે તેના પર ‘ભૂમાફિયા’ નામનું ગ્રહણ જરૂર લાગે છે. શીણાયની આ જમીન પણ અત્યારે આવી જ સ્થિતિમાં છે. ૨૦૧૮-૧૯માં હાઈકોર્ટના નિર્દેશ બાદ અહીં કચરો નાખવાનું બંધ થયું તે આવકાર્ય હતું, પરંતુ ત્યારબાદ આ જમીનનો રચનાત્મક
ઉપયોગ કરવાના પ્રયાસો કેમ ન થયા? શું તંત્ર કોઈ મોટા વિવાદની કે કોઈના ગેરકાયદે કબજાની રાહ જોઈ રહ્યું છે?પ્રબુદ્ધવર્ગમાથી સામે આવતી વિગતોની જો વાત કરીએ તો એકતરફ ગાંધીધામ શહેરના વિકાસ અને જાહેર સુવિધાઓ માટે જમીનની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ શીણાય પાસે આવેલી સરકાર હસ્તકની ૩૨ એકર જેટલી વિશાળ જમીન છેલ્લા આઠ વર્ષથી વહીવટી ઉપેક્ષાનો શિકાર બનીને પડી રહી છે. આ કિંમતી જમીન પર કોઈ ‘મોટા માથાઓ’ કે ભૂમાફિયાઓ સીધી કે પરોક્ષ રીતે કબજો જમાવે તે
પહેલાં, મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરુવાણી પોતાની આગવી કોઠાસૂઝ વાપરી અહીં ‘બાયો-ડાયવર્સિટી પાર્ક’ કે ‘ગ્રીન સ્પેસ‘ વિકસાવે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. ગાંધીધામ સંકુલમાં હાલ ગ્રીન સ્પેસ અને બગીચાઓની ભારે અછત છે. વધતા જતા પ્રદૂષણ અને શહેરીકરણ વચ્ચે નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તેવા સ્થાનો આંગળીના વેઢે ગણાય તેટલા છે. વર્તમાન કમિશનર શ્રી મનીષ ગુરુવાણી તેમની કાર્યદક્ષતા અને ‘કોઠાસૂઝ’ માટે જાણીતા છે. જો તેઓ આ ૩૨ એકર જમીન પર ‘બાયો-ડાયવર્સિટી પાર્ક’ કે વિશાળ ગાર્ડન બનાવવાનું આયોજન કરે, તો તે ગાંધીધામ માટે ‘ફેફસાં’ સમાન સાબિત થશે.આ માત્ર બગીચો બનાવવાની વાત નથી, પણ સરકારી મિલકતને ભૂમાફિયાઓના પંજામાંથી બચાવવાની એક વ્યૂહાત્મક લડાઈ છે. જો અત્યારે આ જમીન પર પાકા ફેન્સિંગ સાથે વિકાસના કામો શરૂ નહીં થાય, તો ભવિષ્યમાં આ જમીન કાયદાકીય ગૂંચવણોમાં એવી રીતે ફસાઈ જશે કે મનપાના હાથમાં માત્ર પસ્તાવો જ બાકી રહેશે.વહીવટી તંત્રએ હવે જાગવાની જરૂર છે. હાઈકોર્ટના આદેશનું પાલન કરીને પણ આ જમીન પર પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ લાવી શકાય તેમ છે. કમિશનરશ્રીએ આ દિશામાં ત્વરિત ડિઝાઇન અને પ્લાનિંગ તૈયાર કરાવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. ગાંધીધામની જનતાને એક રમણીય ફરવાલાયક સ્થળ મળે અને શહેરની જમીન સુરક્ષિત રહે - આ બંને કામ એકસાથે થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર આ તક ઝડપી લે છે કે પછી ભૂમાફિયાઓને ખુલ્લું મેદાન પૂરું પાડે છે.આ મામલે ગાંધીધામ મનપાતંત્રના કમિશ્નરશ્રી મનીષ ગુરવાણીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ઓલ્ડ ડમ્પીંગ સાઈટનો વિષય નામદાર અદાલતમાં પડતર છે, એ મુદો મારા ધ્યાને છે, ચોકકસથી આ જમીન પર શહેર-સંકુલના કોઈ વિકાસ પ્રકલ્પનુ નિર્માણ કરી શકાય તેમ છે અને એ દીશામાં ઝડપથી જ પ્રક્રીયાઓ ગતિવાન કરીશું.
’
...................
ભૂતકાળની સ્થિતિ અને હાઈકોર્ટનો સ્ટે
ગાંધીધામ : અંદાજીત વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન શીણાય ગામની સીમમાં આશરે ૩૨ એકર જમીન ડમ્પિંગ સાઈડ માટે ફાળવવામાં આવી હતી. જોકે, એરપોર્ટના ૨૦ કિમીના સર્કલમાં હોવાથી અને સ્થાનિકોના વિરોધને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે મૌખિક આદેશ આપી અહીં કચરો ઠાલવવાનું બંધ કરાવી, માત્ર બાઉન્ડ્રી વોલ કરવાની છૂટ આપી હતી. ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા વળા ગામ પાસે નવી ૭૦ એકર જમીન ફાળવવામાં આવી, જ્યાં હાલ શહેરનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.
.......................
વિકાસની નવી તકોઃ બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવો
ગાંધીધામ : એક તરફ મહાનગરપાલિકા બન્યા બાદ નવી કચેરીઓ અને સુવિધાઓ માટે જમીન શોધવી પડી રહી છે, ત્યારે આ તૈયાર જમીનનો સદુપયોગ કરવો અનિવાર્ય છે. પ્રજા ઈચ્છી રહી છે કે, ?કમિશનર શ્રી મનીષ ગુરુવાણી આ જમીન માટે તાત્કાલિક ડિઝાઇન પ્લાન તૈયાર કરાવે.?જો આ જમીન પર ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવે તો ગાંધીધામ સંકુલના નાગરિકોને એક ઉત્તમ ફરવાલાયક સ્થળ મળશે અને પર્યાવરણની જાળવણી પણ થશે. હવે જોવાનું એ રહે છે કે, વિઝનરી કમિશનર આ અમૂલ્ય સરકારી મિલકતને માફિયાઓના હાથમાં જતી રોકી તેને જનતા માટે સમર્પિત કરે છે કે કેમ?
................
અતિક્રમણનો ભય અને તંત્રની ઉદાસીનતા
ગાંધીધામ : શીણાયની આ ૩૨ એકર જમીન છેલ્લા ૮ વર્ષથી બિનવારસી હાલતમાં છે. નગરપાલિકા કે વહીવટી તંત્રનો કોઈ પણ પ્રતિનિધિ ત્યાં ફરકતો પણ નથી. આ સ્થિતિનો લાભ લઈ શહેરના કેટલાક મલિન તત્વો અને ભૂમાફિયાઓ આ કિંમતી જમીન પચાવી પાડવાની ફિરાકમાં હોવાની ચર્ચાઓએ જોર
પકડ્યું છે. જો સમયસર જાગૃત થઈને આ જમીનનો કબજો સુરક્ષિત કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અહીં મોટા વિવાદો સર્જાઈ શકે છે.

Comments