Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ઉદ્યોગો માટે ડીઝલ મેળવવાના પ્રતિબંધો હટાવવા મુખ્યમંત્રીને રજૂઆત

25 March


ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના નવા પરિપત્રથી બંદરો અને ખાણકામ સહિતના એકમોમાં ઉત્પાદન ઠપ્પ થવાની ભીતિ 


ભુજ - કચ્છઉદય : ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને કચ્છ રીજનમાં મોટા ઉદ્યોગો અને લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે ડીઝલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગત ૨૪ માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા સુધારા પરિપત્ર મુજબ ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને છૂટક બેરલમાં ડીઝલ મેળવવાની મંજૂરી અપાઈ છે પરંતુ તેમાં ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગલ્ફ અને પશ્ચિમ એશિયાની ભૌગોલિક રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં ગંભીર કટોકટી સર્જાય તેવી શક્યતા છે.
કચ્છ જિલ્લામાં કાર્યરત મુંદ્રા અને કંડલા જેવા વ્યૂહાત્મક બંદરો, ખાણકામ, મીઠાનું ઉત્પાદન અને બ્રોમિન ઉત્પાદન જેવા ક્ષેત્રો સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર છે. આ ઉદ્યોગો મોટે ભાગે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હોય છે જ્યાં નજીકમાં ફ્યુઅલ સ્ટેશનની સુવિધા હોતી નથી અને સાઇટ પર રિફ્યુઅલિંગ કરવું અનિવાર્ય હોય છે. એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રતિબંધના કારણે ઉત્પાદન શિડ્યુલ ખોરવાઈ રહ્યા છે અને નિકાસના ઓર્ડર તેમજ કરાર મુજબની જવાબદારીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. 
ઉદ્યોગ મંડળે સરકાર સમક્ષ માંગ કરી છે કે મોટા ઉદ્યોગોને દિવસના ૨૦,૦૦૦ લિટર અને એમએએમઈને ૨,૦૦૦ લિટર સુધી છૂટક બેરલમાં ડીઝલ મેળવવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત જો ડીઝલના પુરવઠામાં કોઈ અછત કે અવરોધ ઊભો થાય તો નિકાસલક્ષી એકમોને આર્થિક નુકસાન અને કાયદાકીય જવાબદારીઓમાંથી બચાવવા માટે ’ફોર્સ મેજર’ (અનિવાર્ય સંજોગો) જેવી જોગવાઈઓ પર પણ વિચાર કરવામાં આવે. ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જોખમી પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગોમાં સલામતી અને પર્યાવરણ સંબંધી ગંભીર જોખમો પણ પેદા થઈ શકે તેમ છે.
------ 

Comments

COMMENT / REPLY FROM